જયમલ્લ પરમાર

ગુજરાતી લેખક

જયમલ્લ પ્રાગજીભાઈ પરમાર (૬ નવેમ્બર ૧૯૧૦ ― ૧૨ જૂન ૧૯૯૧)[૧] ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર હતા.

જીવન ફેરફાર કરો

જન્મ વાંકાનેરમાં. ધોરણ છ પછી દક્ષિણામૂર્તિ, કાશિ વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ. સત્યાગ્રહ દરમિયાન કરેલ સંકલ્પ અનુસાર પરીક્ષા ન આપી પ્રમાણપત્રો ન મેળવ્યાં. ૧૯૩૩ થી ૧૯૪૨ દરમિયાન સત્યાગ્રહ અંગે અવારનવાર જેલવાસ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’ સાપ્તાહિકના સહતંત્રી. નિરંજન વર્મા સાથે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ. ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી ‘ફૂલછાબ’ દૈનિક, ૧૯૬૦ થી ૧૯૬૫ સુધી ‘કલ્યાણયાત્રા’ અને ૧૯૬૭ થી અદ્યપર્યંત ‘ઊર્મિ નવરચના’ ના તંત્રી. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન.

સર્જન ફેરફાર કરો

એમણે નિરંજન વર્મા સાથેના સહિયારા લેખન દ્વારા, આઝાદી અને રાષ્ટ્રોત્થાનના વિષયવસ્તુવાળી ‘ખંડિત કલેવરો’ (૧૯૪૨), ‘અણખૂટ ધારા’ (૧૯૪૫), ‘કદમ કદમ બઢાયે જા’ (૧૯૪૬) જેવી નવલકથાઓ; ‘લોકકથા ગ્રંથાવલિ’- ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૫)માં પ્રકાશિત કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ, રાજસ્થાન ઇત્યાદિની લોકવાર્તાઓ તથા ‘દોલતપરી’, ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુરાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’, ‘ફૂલવંતી’ જેવી બાળવાર્તાઓ આપી છે. પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)માંની, વિવિધ વર્ગની પક્ષીઓની રસપ્રદ માહિતી આપતી એમની પુસ્તિકાઓ ‘આગણાંના શણગાર’, ‘ઊડતા ભંગી’, ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણાં’ અને ‘પ્રેમી પંખીડા’ નોંધપાત્ર છે. ‘કાઠિયાવાડના ઘડવૈયા’ (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ’ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય’ (૧૯૪૫), ‘શાહ નવાઝની સંગાથે’ (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ’ (૧૯૪૬) અને ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૪૭) એમની જીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. ‘સાંબેલાં’ (૧૯૪૨) અને ‘અમથીડોશીની અવળવાણી’ (૧૯૪૬)માં વ્યંગચિત્રો છે. ‘ગગનને ગોખે’ (૧૯૪૪) અને ‘આકાશપોથી’ (૧૯૫૦) એમની વિજ્ઞાનવિષયક પુસ્તિકાઓ છે. આ ઉપરાંત એમણે નિરંજન વર્મા સાથે જ ‘સરહદ પાર સુભાષ’ (૧૯૪૩) નામનો અનુવાદ આપ્યો છે.

સહલેખકના અવસાન પછી એમણે લખેલાં ત્રિઅંકી નાટક ‘ભૂદાન’ (૧૯૫૫), એક-અંકી નાટક ‘ઉકરડાના ફૂલ’ (૧૯૫૬), ‘આપણી લોકસંસ્કૃતિ’ (૧૯૫૭), ‘આપણાં લોકનૃત્યો’ (૧૯૫૭), ‘ધરતીની અમીરાત’ (૧૯૭૧), ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’ (૧૯૭૭), ‘લોકવાર્તાની રસલ્હાણ’ : ૧-૨ (૧૯૮૨), ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’ (૧૯૮૩) તેમ જ બાળકો માટેની ‘શેખચલ્લી ગ્રંથાવલિ’ (૧૯૫૫) અને ‘નશાબંધી ગ્રંથાવલિ’ (૧૯૫૯) ઉપરાંત હિંદીમાં લખેલાં ‘ખાંભી ઔર પાળિયા’ (૧૯૭૬) ઇત્યાદિ લોકસાહિત્ય, બાળસાહિત્ય તથા પ્રચારસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો