જાપાનના ઇતિહાસમાં જાપાનનાં દ્વીપો તથા જાપાનનાં લોકોના ઇતિહાસનો સમાવેશ થાય છે, જેમાં જાપાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને રાષ્ટ્ર તરીકેનો ઇતિહાસ આવે છે. છેલ્લા હિમયુગ પછી ૧૨,૦૦૦ બી.સી ની આજુબાજુ, જાપાની દ્વીપસમૂહની સમૃદ્ધ પર્યાવરણ વ્યવસ્થાને લીધે માનવ વિકાસ અને વસવાટ શક્ય બન્યાં. જાપાનમાંથી મળી આવેલું સૌથી પહેલું કુંભારકામ જોમોન કાળમાં બનેલું હતું. જાપાન વિષેની સૌથી પહેલી લેખિત નોંધ ઈ.સ. પહેલી સદીની હાનની ચોપડી માંથી મળેલી સંક્ષિપ્ત માહિતીમાં મળે છે. જાપાનને સાંસ્કૃતિક અને પ્રાદેશિક રીતે પ્રભાવિત કરનારા દેશોમાં ચીન મુખ્ય છે.[]

વર્તમાન શાહી પરિવારનો છઠી સદીમાં ઉદ્ભવ થયો અને સૌથી પહેલા સ્થાયી તેમજ શાહી પાટનગરની સ્થાપના હેઇજો-ક્યો (હાલ નારા) માં ઈ.સ. ૭૧૦માં થઈ, જે આગળ ચાલીને બૌદ્ધ કલા, ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. બળવાન કેન્દ્રિય-શાસિત સરકારના વિકાસને લીધે હેઇઆન્-ક્યો (હાલના ક્યોતો) માં એક નવા શાહી પાટનગરની સ્થાપના થઈ, અને હેઇઆન કાળ શાસ્ત્રીય જાપાની સંસ્કૃતિના એક સોનેરી કાળ તરીકે ઓળખાય છે. ત્યારપછીની સદીઓ દરમ્યાન સત્તાધીશ સમ્રાટ અને સભાસદોની સત્તા ધીરે-ધીરે ઘટતી ગઈ અને એક સમયનું કન્દ્રીય-શાસિત રાજ્ય ભાંગી પડ્યું. ૧૫મી સદી સુધીમાં રાજકીય સત્તા સેંકડો સ્થાનિક "ડોમેન" (એકમો) માં વિભાજિત થઈ, જેમનું નિયંત્રણ સ્થાનિક "દાઇમ્યો" (સ્વામી, જાપાની: 大名) કરતાં. દરેક દાઇમ્યો પાસે પોતાના સામુરાઈ (જાપાની: 侍) ની સેના રહેતી. આંતર્યુદ્ધના એક લાંબા કાળ પછી તોકુગાવા ઇએયાસુએ જાપાનનું એકીકરણ પૂરું કર્યું, અને ઈ.સ ૧૬૦૩માં સમ્રાટ દ્વારા શોગુન બનાવવામાં આવ્યાં. તેઓએ કબ્જે કરેલી જમીનને પોતાનાં સમર્થકોમાં વહેંચી અને પોતાની "બાફુકુ" (અર્થાત "તંબુ સરકાર" અથવા લશ્કરી રાજ) ની એદો (હાલના ટોક્યો) માં સ્થાપના કરી, જયારે નામના શાસક, સમ્રાટે ક્યોતોના જૂના પાટનગરમાં રહેવાનું ચાલુ રાખ્યું. એદો કાળ સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહ્યો અને તે ગાળા દરમ્યાન જાપાને ખ્રિસ્તી મિશનોને કચડીને બહારની દુનિયાથી લગભગ સમ્પૂર્ણપણે સંપર્ક કાપી નાખ્યો.

ઈ.સ. ૧૮૬૦ના દાયકામાં શોગુનતનો અંત આવ્યો, સમ્રાટને સત્તા પાછી આપવામાં આવી અને મેઇજી યુગની શરૂઆત થઈ. નવા રાષ્ટ્રીય નેતાઓ પદ્ધતિસર સામંતવાદનો અંત લાવ્યાં. તેઓએ આખી દુનિયાથી વિખૂટા થઈ ગયેલા એક ટાપુ દેશને પશ્ચિમના મોડેલ પર આધારિત મહાસત્તા બનાવી. લોકશાહીનું સર્જન કરવું ઘણું અઘરું હતું, કેમ કે જાપાનની શક્તિશાળી સેના તે સમયે અર્ધ-સ્વતંત્ર હતી અને સામાન્ય નાગરિકોની વાત નામંજૂર કરી દેતી - ઈ.સ. ૧૯૨૦-૩૦ના દાયકા દરમ્યાન તો તે નાગરિકોને મારી પણ નાખતી. જાપાનના લશ્કરે ઈ.સ. ૧૯૩૧માં માંચુરિયા પર આક્રમણ કર્યું અને ઈ.સ. ૧૯૩૭માં ચીન સામે જાહેર યુદ્ધનું એલાન કર્યું. જાપાને ચીનના સમગ્ર દરિયાકાંઠા તથા મુખ્ય શહેરો પર કબ્જો મેળવી લીધો અને કઠપૂતળી શાસન સ્થાપિત કર્યું, તેમ છતાં ચીનને પરાસ્ત કરવામાં નિષ્ફળ રહ્યું. ડીસેમ્બર ૧૯૪૧માં પર્લ હાર્બર પરના હુમલાને કારણે તે અમેરિકા અને તેના મિત્ર દેશો સામે યુદ્ધમાં મુકાઈ ગયું. ઈ.સ. ૧૯૪૨ના મધ્ય સુધી ઘણા નૌકાયુદ્ધોમાં શ્રેણીબદ્ધ વિજય પામ્યા પછી જાપાનનું લશ્કર વધારે પડતું ખેંચાઈ ગયું અને તેનો ઔદ્યોગિક આધાર પૂરતા પ્રમાણમાં વહાણ, શસ્ત્ર અને તેલ પૂરા ન પાડી શક્યું. પોતાના નૌકાદળના ડૂબવા અને મુખ્ય શહેરોનો હવાઈ હુમલાઓ દ્વારા વિનાશ થવા છતાં લશ્કરે વળતી લડત આપી. પણ ઓગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ વિસ્ફોટો તેમજ સોવિયેતના આક્રમણે સમ્રાટ તથા લશ્કરને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરી દીધું.

ઈ.સ. ૧૯૫૨ સુધી જાપાન અમેરિકાના કબ્જા હેઠળ રહ્યું. અમેરિકન સૈન્ય દળોની દેખરેખમાં એક નવા બંધારણની સંરચના થઈ જેના ઈ.સ ૧૯૪૭માં અમલમાં મુકાતા જાપાન એક સંસદીય રાજાશાહીમાં પરિવર્તન પામ્યું. ઈ.સ. ૧૯૫૫ પછી જાપાનનો ખુબ જ ઝડપથી આર્થિક વિકાસ થયો અને તે ખુબજ વિકસિત ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉચ્ચ જીવન ધોરણ અને સૌથી લાંબું અપેક્ષિત આયુષ્ય ધરાવતું દુનિયાનું એક મુખ્ય આર્થિક ઊર્જાસ્રોત બની ગયું, ખાસ કરીને ઇજનેરી, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં. સમ્રાટ શોવાનું ઈ.સ. ૧૯૮૯માં દેહાંત થયું અને તેમના પુત્ર સમ્રાટ આકિહિતો ગાદી પર આવતા એક નવા યુગની શરૂઆત થઈ. ૧૯૯૦ના દાયકામાંની આર્થિક નિષ્ક્રિયતા જાપાન માટે ચિંતાનું મુખ્ય કારણ રહી છે. વર્ષ ૨૦૧૧માં આવેલા ભુકંપ અને ત્યારપછી ત્રાટકેલા સુનામીના લીધે ભારે આર્થિક અવ્યવસ્થા સર્જાઈ અને અણુશક્તિના પુરવઠાને ઘણું નુકસાન થયું.

જાપાનનો પૂર્વ-ઇતિહાસ

ફેરફાર કરો

પાષાણ યુગ

ફેરફાર કરો
 
નાગાનો પ્રાંતના શિનાનો શહેરમાં આવેલ હિનાતાબાયાશી બી નામક પુરાતત્વીય સ્થળેથી ખોદી કઢાયેલી ચમકાવેલી પથ્થરની કૂહાડીઓ. જોમોન કાળ પહેલાની, ૩૦,૦૦૦ બી. સી. ટોક્યો રાષ્ટ્રીય સંગ્રહાલય

જાપાનના પાષાણ યુગમાં છેક ૫૦,૦૦૦ બી.સી થી લઈને ૧૨,૦૦૦ બી.સી ની આજુબાજુ છેલ્લા હિમયુગના અંત સુધીનો લાંબો કાળ આવે છે. ૩૮,૦૦૦ બી.સી કરતાં પણ જૂના હોવાનો દાવો કરાતા અવશેષોને સામાન્ય રીતે પુરાતત્વવિદો સ્વીકારતા નથી, જેથી મોટાભાગના ઇતિહાસકારો માને છે કે જાપાનમાં પાષાણયુગની શરૂઆત ૪૦,૦૦૦ વર્ષ પછી થઈ હતી.[]

જાપાની દ્વીપસમૂહ ૧૧,૦૦૦ બી.સી ની આજુબાજુ એશિયાની મુખ્યભૂમિથી અલગ પડી જવાનો હતો. શિનિચિ ફુજીમુરા નામના એક શીખાઉ સંશોધક દ્વારા મોટી શોધનો દાવો પોકળ હોવાનો જાહેર ખુલાસો થયો પછી,[] ફુજીમુરા અને તેના સહયોગીઓ દ્વારા નોંધાયેલા શરૂઆતના અને મધ્ય પાષાણ યુગના પુરાવા સંપૂર્ણ પુનઃતપાસ બાદ ફગાવી દેવામાં આવ્યા.

બનાવટી શોધના ખુલાસા પછી થયેલી ચર્ચાઓને કારણે હવે ફક્ત થોડા (ફુજીમુરા છોડીને) પછીના પાષાણ યુગના પુરાવા જ સારી રીતે સ્થાપિત થયેલા ગણી શકાય.

જોમોન કાળ

ફેરફાર કરો
 
મધ્ય જોમોન કાળનું પાત્ર (૩,૦૦૦-૨,૦૦૦ બી.સી)

જોમોન કાળ લગભગ ૧૪,૦૦૦ થી ૩૦૦ બી.સી સુધી ચાલ્યો. સંસ્કૃતિ અને સ્થિર વસવાટના સૌથી પહેલા ચિન્હો ૧૪,૦૦૦ બી.સી ની આજુબાજુ જોમોન્ સંસ્કૃતિના રૂપમાં પ્રકટ થયાં, જેમાં મેસોલિથિક થી નીઓલિથિક અર્ધ-બેઠાડુ શિકારી-ભેગુ કરનારની જીવનશૈલી, પાણીની ઉપર બાંધેલા લાકડાંના ઘરો તેમજ ખાડાઓમાં નિવાસ અને કૃષિના અવિકસિત સ્વરૂપ સમાવિષ્ટ હતાં. વણવું તે સમયે હજુ અજ્ઞાત હતું અને કપડાં મોટાભાગે પશુઓની રૂંવાટીથી બનતાં. જોમોન કાળના લોકોએ માટીના વાસણ બનાવવાની શરુઆત કરી, જે ભીની માટીને વીંટાયેલા અને સીધા દોરડાં અને લાકડીઓ દ્વારા દબાવીને બનાવેલી પેટર્નથી સુશોભિત હતાં. જાપાનમાંથી હજુ પણ કુમ્ભારકામના દાખલાસ્વરૂપ ખંજર, જેડ, શંખથી બનેલા દાંતિયા અને બીજી ઘણી ઘરેલું ચીજવસ્તુઓ સાથે મળી આવે છે જે રેડિયો-કાર્બન ડેટિંગ પ્રમાણે ૧૧મી સદી બી.સી જેટલી જૂની છે.[]

તાજેતરમાં ૧૯૯૮માં ઓદાઇ યામામોતો-૧ સ્થળથી ૧૪,૫૦૦ બી.સી (૧૬,૫૦૦ બી.પી ની આજુબાજુ) ના એક જ પાત્રના ઘણા બધા ટુક્ડાઓ મળી આવ્યા; આ હાલ જાપાનનું જૂનામાં જૂનું જ્ઞાત કુંભારકામ છે.[][][] આના સિવાય, ફુકુઇ ગુફામાંથી (૧૨૫૦૦ ± ૩૫૦ બી.પી) અને ૧૨૫૦૦ ± ૫૦૦ બી.પી (કામાકી અને સેરિઝાવા ૧૯૬૭), શિકોકુમાં સ્થિત કામિકુરોઇવા રોક આશ્રય ૧૨ માંથી ૧૬૫ ± ૩૫૦ વર્ષ બી.પી જેટલા રેડિયોકાર્બન માપનું કાર્બનયુક્ત પદાર્થ પણ જૂની શોધોમાં સામેલ છે,[] જોકે ચોક્કસ તારીખ વિવાદાસ્પદ છે.

પછીના જોમોન્ કાળના સમયનાં દોગૂ તરીકે જાણીતા ઝીણવટભર્યા માટીના પૂતળાં મળી આવ્યાં છે.

યાયોઇ કાળ

ફેરફાર કરો
 
યાયોઇ કાળનું તાંબાનું દોતાકુ, ઈ.સ ત્રીજી સદી

યાયોઇ કાળ લગભગ ૪૦૦ અથવા ૩૦૦ બી.સી થી ૨૫૦ એ.ડી સુધી ચાલ્યો. આ કાળ જોમોન કાળ પછી આવ્યો અને ઘણા ફેરફાર લાવ્યો. આ કાળનું નામ યાયોઇ નગર (જે ટોક્યોના બુન્ક્યોનો એક ઉપભાગ છે) પરથી પડ્યું છે, જ્યાંથી પુરાતત્વીય તપાસના પગલે સૌથી પહેલા જાણીતા અવશેષો મળી આવ્યા.

યાયોઇ કાળની શરૂઆત વણાટ, ચોખાની ખેતી અને કાંસ્યના નિર્માણ જેવી નવી પદ્ધતિઓ લઈ આવી. કાંસ્ય અને લોખંડનો પરિચય એક જ સાથે યાયોઇ કાળના જાપાનમાં થયા હોવાની સંભાવના છે. લોખંડ મોટાભાગે કૃષિ માટેના અને ઔદ્યોગિક સાધનો બનાવવા માટે વપરાતું, જ્યારે કાંસ્ય ધાર્મિક અને ઔપચારિક વિધિઓમાં વપરાતી શિલ્પકૃતિઓ બનાવવા માટે વપરાતું. જાપાનમાં કાંસ્ય અને લોખંડના ઢળાઈકામની શરુઆત કંઈક અંશે ૧૦૦ બી.સી સુધી થઈ ગઈ, પણ બન્ને ધાતુઓના કાચા માલ એશીયા ખંડથી આવ્યા. યાયોઇ કાળે સારા પાકની ખાતરી માટે શિંતો ધર્મનો ઊંજણીથી અને ભવિષ્યકથનથી પરિચય કરાવ્યો.[]

જાપાન વિષેની સૌથી પહેલી લેખિત નોંધ ૫૭ એ.ડી ની ચીનની "પછીના હાન ની ચોપડી" માં આ પ્રમાણે મળે છે:[૧૦] "લેલાંગ થી મહાસાગરની પેલી પારે 'વા' દેશના લોકો છે. એકસો થી પણ વધારે આદિજાતિઓના બનેલાં, તેઓ આવે છે અને વારંવાર ખંડણી ચૂકવે છે." ચોપડીમાં એવી પણ નોંધ છે કે વા દેશના રાજા, સુઇશોએ હાન ના સમ્રાટ આન ને ભેંટમાં ગુલામો આપ્યા. ત્રીજી સદીમાં લખાયેલ સાંગુઓ ઝી માં એવી નોંધ છે કે તે દેશ કોઈક ૩૦ આદિજાતિઓ અથવા રાજ્યોના એકીકરણથી બન્યો અને યામાતાઇકોકુની હિમિકો નામની ઊંજાણી નાખનાર રાણી તેના પર રાજ કરતી.

હાન અને વેઇ રાજવંશોના શાસન દરમ્યાન ક્યૂશૂની યાત્રા કરનાર ચીની મુસાફરોએ પોતાની નોંધમાં ઉમેર્યું છે કે ત્યાંના રહેવાસીઓ એવો દાવો કરતા કે તેઓ 'વૂ' ના એક મહાન સભાસદ (તાઇબો) ના વંશજ હતાં. તેઓ પૂર્વ-ચીની વૂ લોકોના લક્ષણો પણ દર્શાવે છે, જેમ કે શરીર પર છૂંદણા છુંદવાં, દાંત ખેંચવા, અને નાના બાળકોને તેડવાની પ્રથા. સાંગુઓ ઝી માં હાનિવા મૂર્તિઓથી મળતા ભૌતિક વર્ણનો છે, જેમાં વીંટાયેલા વાળ રાખવાવાળા પુરુષો અને એક જ મોટો કપડાનો ટુક્ડો પહેરવાવાળી સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

ક્યૂશૂમાં આવેલ યોશિનોગારી સ્થળ યાયોઇ કાળનું સૌથી જાણીતું સ્થળ છે જે સાબિત કરે છે કે સેંકડો વર્ષો સુધી એક મોટી વસાહતે તે વિસ્તારમાં વસવાટ કર્યો. પુરાતત્વીય ખોદકામ કરવાથી જાણવા મળ્યું કે ત્યાંના સૌથી પ્રાચીન ભાગ ૪૦૦ બી.સી ની આજુબાજુના સમયના છે. એવું લાગે છે કે રહેવાસીઓ મુખ્યભૂમિ સાથે અવારનવાર સંદેશાવ્યવહાર કરતા અને વેપારી સંબંધ પણ રાખતા. આજે પણ, કોઈક પુનઃનિર્મિત ઇમારતો પુરાતત્વીય સ્થળ પરનાં પાર્કમાં ઉભી છે.[૧૧]

પ્રાચીન જાપાન

ફેરફાર કરો

કોફુન કાળ

ફેરફાર કરો
 
દાઇસેન્ર્યો કોફુન્, ઓસાકા, પાંચમી સદી

કોફુન કાળની શરુઆત ૨૫૦ એ.ડી. ની આજુબાજુ થઈ, અને એનું નામ તે સમયથી દેખાવાના શરૂ થનારા મોટા સ્તૂપના આકારવાળા શબને દફનાવવા માટેના "કોફુન" તરીકે જણાતા ટેકરાઓ (古墳, જેનો ચીની-જાપાની ભાષામાં અર્થ છે "પ્રાચીન કબર") પરથી પડ્યું.

કોફુન કાળ (જાપાનીમાં "કોફુન-જિદાઇ") દરમ્યાન જાપાનમાં શક્તિશાળી લશ્કરી રાજ્યોની સ્થાપના થઈ, જેમાનું દરેક રાજ્ય શક્તિશાળી કુળો (ઝોકુ) ની આજુબાજુ કેન્દ્રિત હતું. ત્રીજી થી સાતમી સદી એ.ડી સુધી યામાતો અને કાવાચિ પ્રાંતોમાં પ્રભાવશાળી યામાતો રાજ્યવ્યવસ્થાની સ્થાપના કેન્દ્રિત હતી, જેનાથી જાપાની શાહી વંશનો ઉદ્ભવ થયો. અને આમ, બીજા કુળોને દબાણ હેઠળ રાખીને અને વધારે ખેતીની જમીન પર કબ્જો મેળવીને, તેઓએ પશ્ચિમ જાપાન પર ભારે પ્રભાવ બનાવી રાખ્યો.[સંદર્ભ આપો]

જાપાને શાહી ચીનને પાંચમી સદી એ.ડી થી ખંડણીઓ મોકલવાનું શરૂ કર્યું. ચીનના ઇતિહાસની નોંધ મુજબ, રાજ્યવ્યવસ્થા વા કહેવાતી, અને તેના પાંચ રાજાઓની નોંધ થઈ. તેઓએ ચીની મોડેલ પર આધારિત કેન્દ્રીય વહીવટ અને શાહી સભાની સિસ્ટમ વિકસિત કરી, અને સમાજને વિવિધ વ્યાવસાયિક ભાગોમાં આયોજિત કર્યું. આ કાળ દરમ્યાન, ચોથી સદીના અંતની આજુબાજુ, કોરિયાના ત્રણ રાજ્યો અને જાપાન વચ્ચેના સંબંધો ગાઢ બન્યા.[સંદર્ભ આપો]

શાસ્ત્રીય જાપાન

ફેરફાર કરો

આસુકા કાળ

ફેરફાર કરો
 
તાકામાત્સુઝુકા કબર ની દીવાલ પરનું ભીંત ચિત્ર, આસુકા, નારા, આઠમી સદી

આસુકા કાળ (ઈ.સ ૫૩૮ થી ૭૧૦) દરમ્યાન (પછી જાપાની તરીકે ઓળખાતી) યામાતો રાજ્યવ્યવસ્થા ધીરે-ધીરે તાઇકા સુધારણાઓ અને તાઇહો કોડ જેવા કાયદાઓની વ્યાખ્યા કરી, તેઓને અમલમાં મુક્તા એક સ્પષ્ટપણે કેન્દ્રિત રાજ્ય બની ગઈ.[૧૨] આ જ સમય દરમ્યાન, જાપાની લોકોએ કોરિયાના નૈઋત્ય કિનારા પર રહેવાવાળા પૈક્ચે અથવા બૈકજે લોકો સાથે મજબૂત આર્થિક સંબંધો બનાવ્યાં. બૈકજે લોકો સાથેનાં સારા સંબંધોની શરૂઆત ઈ.સ. ૩૯૧ માં થઈ જયારે નવા પ્રદેશોની શોધખોળ કરતા એક જાપાની દળે બૈક્જે રાજા અને લોકોની કોરિયા દ્વીપકલ્પના ઉત્તરીય ભાગમાં રહેવાવાળા તેઓના શત્રુઓ - કોગુરિયો લોકો - થી રક્ષા કરી. ચોથી સદીના દ્વીતીયાર્ધ પછી, કોરિયાના ત્રણ રાજ્યોમાં પરસ્પર સહકાર આપવાનો ઈન્કાર તેમજ સંઘર્ષના કાળ જોવા મળ્યા. સમ્રાટ કોતોકુના શાસન દરમ્યાન, ગોગુર્યો, બૈક્જે and સિલ્લા રાજ્યોના દૂતોએ ઘણી વાર જાપાનની મુલાકાત લીધી.

જાપાનનો બૌદ્ધ ધર્મથી પરિચય બૈક્જે રાજા સૌંગે કરાવ્યો, જેમને જાપાને સૈન્ય સહાય આપવાનું ચાલુ રાખ્યું.[૧૩][૧૪][૧૫] શાસક વર્ગો બૌદ્ધ ધર્મનો પ્રચાર મોટાભાગે પોતાના હેતુઓ માટે કરતાં.[સંદર્ભ આપો] તદનુસાર, પ્રારંભિક તબક્કાઓમાં, જાપાનની સામાન્ય પ્રજામાં બૌદ્ધ ધર્મ લોકપ્રિય ન હતો.[૧૬] જોકે, બૌદ્ધ ધર્મનો પ્રચાર વધવાથી મોટા કોફુનોમાં શબોને દફનાવવાની પ્રથાનો અંત આવ્યો.

રાજકુમાર શોતોકુ ઈ.સ ૫૯૪માં સામ્રાજ્ઞી સુઇકોના કારભારી તરીકે સત્તામાં આવ્યાં. મહારાણી સુઇકો ગત્ સમ્રાટ, સુજુન્ (ઈ.સ ૫૮૮-૫૯૩, જેમની ૫૯૩માં હત્યા કરવામાં આવી હતી) નાં ભત્રીજી હોવાથી ગાદી પર આવ્યાં હતાં. તેમનાં લગ્ન પહેલાનાં એક સમ્રાટ, બિદાત્સુ (ઇ.સ ૫૭૨-૫૮૫) જોડે પણ થયાં હતાં, પણ તેઓ સુપ્રસિદ્ધ માતૃપ્રધાન સમય પછીનાં જાપાનનાં સૌથી પહેલા મહિલા શાસક હતાં.[૧૭]

સામ્રાજ્ઞી સુઇકોના કારભારી તરીકે, રાજકુમાર શોતોકુએ જાપાનમાં બૌદ્ધ ધર્મ અને ચીની સંસ્કૃતિનાં ફેલાવા માટે પોતાના પ્રયાસો સમર્પિત કર્યા.[૧૭] તેઓએ સત્તર-લેખના બંધારણની ઘોષણા કરીને શાંતિની સ્થાપના કરી. સત્તર-લેખોનું બંધારણ એક કોન્ફ્યુશીયન-શૈલી દસ્તાવેજ હતી, જે સરકારી અધિકારીઓ અને સમ્રાટ તરફથી પ્રજા દ્વારા અપેક્ષિત નૈતિકતા અને મૂલ્યો પર કેન્દ્રિત હતી. બૌદ્ધ ધર્મ પાછળથી જાપાની સંસ્કૃતિનો એક કાયમી ભાગ બન્યો.

ઈ.સ ૬૦૭માં જાપાનથી એક દૂત દ્વારા ચીનને પત્ર મળ્યો જેમાં લખેલું હતું કે 'ઉગતા સૂરજનો દેશ (જાપાન) આથમતા સૂરજના દેશ (ચીન) ને પત્ર મોકલે છે'[૧૮] જેનાથી જાપાન ચીનની બરાબર હોવાના સંકેત મળવાથી ચીની સમ્રાટ રોષે ભરાઈ ગયાં.[૧૯]

નારા કાળ

ફેરફાર કરો
 
નારાનાં વિશાળ બુદ્ધ, ઈ.સ ૭૫૨

આઠમી સદીનો નારા કાળ એક શક્તિશાળી જાપાની રાજ્યના ઉદ્ભવનો સાક્ષી હોવાથી તે એક સુવર્ણ કાળ તરીકે ઓળખાય છે. ઈ.સ ૭૧૦માં જાપાનની રાજધાની આસુકાથી નારા ખસેડાઈ ગઈ.[૨૦] હોલ (ઈ.સ ૧૯૬૬) ના તારણ પ્રમાણે "જાપાન પાંચમી સદીના ઉજિના એક નબળા સંઘમાંથી આઠમી સદીમાં શાહી ચીનને ટક્કર આપે તેવા સામ્રાજ્યમાં પલ્ટાઈ ગયું હતું. રાજ્યના નવા સિદ્ધાંત અને સરકારની નવી સંરચનાએ જાપાની સાર્વભૌમને એક નિરપેક્ષ શાસકની શૈલી અને સત્તાથી સહાયતા કરી."[૨૧] પારંપરિક, રાજકીય અને આર્થિક પદ્ધતિઓ હવે તાર્કિક રીતે સંરચિત પ્રક્રિયાઓ દ્વારા આયોજિત કરાતી જે કાયદેસર જુદા-જુદા કાર્યો અને વિધિઓની વ્યાખ્યા કરતી. જમીનનું સર્વેક્ષણ થતું અને રાજ્ય દ્વારા નોંધણી થતી. એક શક્તિશાળી અને નવા ઉચ્ચતમ વર્ગનો જન્મ થયો. આ ઉચ્ચતમ વર્ગ રાજ્યનું શાસન કરતું અને કાર્યક્ષમ રીતે વસૂલ કરાયેલા કરો તેને ટેકો આપતા. સરકારે કચેરીઓ, મંદિર, રસ્તાઓ અને સિંચાઈ સિસ્ટમ જેવા ઘણા બાંધકામ કર્યાં. ગ્રામીણ વસ્તી વચ્ચે જમીન માલિકી ફેલાવવા માટે રચાયેલી જમીન હક અને કરની એક નવી પદ્ધતિ અમલમાં મુકાઈ ગઈ. આવી ફાળવણીઓ સામાન્યપણે લગભગ એક એકર જેટલી મોટી રહેતી. જોકે, તેઓ એકરના દસમાં ભાગ જેટલી નાની પણ હોય શકતી. તેમ છતાં, દર પાંચ વર્ષે જ્યારે વસ્તીગણતરી કરવામાં આવતી ત્યારે ગુલામો માટેની ફાળવણીઓની સમીક્ષા કરવામાં આવતી.[૨૨]

આ કાળ દરમ્યાન ઘણો સાંસ્કૃતિક વિકાસ થયો.[૨૦] ટૂંક સમયમાં, ચાર સદીઓ સુધી ચાલવાવાળા નારા કાળના લક્ષણ તરીકે પછી પ્રસિદ્ધ થનારી કેટલીક નવી અદ્ભુત અભિવ્યક્તિઓ બહાર આવી.[૨૩]

સામ્રાજ્ઞી ગેમ્મેઇ દ્વારા એક શાહી જાહેરનામાના પગલે, ઈ.સ. ૭૧૦માં હાલના નારામાં સ્થિત હેઇજો-ક્યો (હેઇજો મહેલ) ને પાટનગર બનાવવામાં આવ્યું. આ શહેરની સંરચના ચીની તાંગ રાજવંશની રાજધાની ચાંગાન્ (હાલ ઝિઆન્) પર આધારિત હતી.

નારા કાળની રાજનીતિક ગતિવિધિઓમાં જાપાની શાહી પરિવારના બૌદ્ધ પાદરીઓ સાથે,[૨૨] તથા તેઓના કારભારીઓ—ફુજીવારા કુળ—સાથેના સંઘર્ષનો સમાવેશ થાય છે. જાપાને પોતાના પરંપરાગત શત્રુઓ—કોરિયન દ્વીપકલ્પના અગ્નેય કિનારા પર રહેવાવાળા સિલ્લા લોકો —સાથે શાંતિપૂર્ણ સંબંધો માણ્યાં. જાપાને ચીનના તાંગ રાજવંશ સાથે પણ ઔપચારિક સંબંધો બાંધ્યાં.[૨૪]

ઈ.સ. ૭૮૪માં, બૌદ્ધ પાદરીઓથી છટકવા માટે રાજધાની ફરીથી નાગાઓકા-ક્યો ખસેડાઈ ગઈ; અને ઈ.સ. ૭૯૪માં હેઇઆન્-ક્યો ખસેડાઈ, જે હાલનું ક્યોતો છે. તે પછી ઈ.સ. ૧૮૬૮ સુધી પાટનગર ક્યોતો જ રહેવાનું હતુ.[૨૫] ક્યોતો નાં ધાર્મિક શહેરમાં, બૌદ્ધ ધર્મ અને શિંતો ધર્મમાંથી એક સમધર્મી સિસ્ટમ બનવાનું શરુ થયું.[૨૬]

જાપાનમાં ઐતિહાસિક લખાણ પ્રારંભિક આઠમી સદીમાં કોજિકી (પ્રાચીન બાબતો ની નોંધ, ઈ.સ. ૭૧૨) અને નિહોન્ શોકિ (જાપાનની ગાથાઓ, ઈ.સ. ૭૨૦) જેવી મોટી નોંધોની રચનાથી પોતાના ઉચ્ચતમ સ્તરે પહોચ્યું. આ નોંધો જાપાનના શરૂઆતના સમયનું દંતકથારૂપ વર્ણન આપે છે, જે આજના સમયમાં જાપાની પૌરાણિક કથાઓ તરીકે જાણીતી છે. આ નોંધોમાં રહેલી દંતકથાઓ અનુસાર, જાપાનની સ્થાપના ૬૬૦ બી.સી. માં વડીલોપાર્જિત સમ્રાટ જિમ્મુ દ્વારા થઇ હતી, જે શિંતો કુળદેવી આમાતેરાસુ (સુર્ય દેવી) ના સગા વંશજ હતાં. દંતકથાઓએ નોંધ કરી કે જિમ્મુએ સમ્રાટોની એક શ્રેણીની શરુઆત કરી જે આજ સુધી ચાલતી આવે છે. ઇતિહાસકારો એવી ધારણા કરે છે કે આ દંતકથાઓ કંઈક અંશે ઐતિહાસિક તથ્યોનું વર્ણન કરે છે, પણ હકીકતમાં ખરા અસ્તિત્વમાં સૌથી પહેલા સમ્રાટ ઓજિન્ હતાં, જોકે તેઓના શાસનની તારીખ હજુ અનિશ્ચિત છે. નારા કાળથી લઈને છેક અત્યાર સુધી, અસલી રાજનીતિક સત્તા સમ્રાટના હાથમાં નથી રહી, પણ, જુદા-જુદા સમયે સભાના અમીર વર્ગ, લડાકુ સરદારો, લશ્કર, અને, વધુ તાજેતરમાં, જાપાનના વડાપ્રધાનના હાથમાં રહી છે. ૪૫૦૦ કવિતાઓના સંગ્રહ, માન્યોશૂ, નું સંકલન પણ આ કાળના અંતમાં ઈ.સ. ૭૫૯માં થયું હતું.

હેઇઆન્ કાળ

ફેરફાર કરો
 
હેઇઆન્-ક્યો નો એક લઘુચિત્ર નમૂનો

ઈ.સ. ૭૯૪ થી ૧૧૮૫ સુધી ચાલવાવાળો હેઇઆન્ કાળ શાસ્ત્રીય જાપાની ઇતિહાસનો છેલ્લો તબક્કો છે. તે જાપાની શાહી સભાની ટોચ ગણવામાં આવે છે અને તેની કલા, કવિતઓ અને સાહિત્ય માટે જાણીતો છે. ૧૧મી સદીના પ્રારંભમાં પ્રસિદ્ધ શાહી સેવિકા મુરાસાકી શિકિબુએ જાપાનની (અને દુનિયાની) સૌથી જુની ટકી ગયેલી નવલકથા, "ગેંજીની કથા", લખી.[૨૭] જાપાની કવિતાઓના સંગ્રહોમાં જૂનામાં જૂનો એક સંગ્રહ, કોકિન્ વાકાશૂ,[૨૮] આ કાળ દરમ્યાન સંકલિત થયો.

એશિયાની બીજી સંસ્કૃતીઓથી (સ્વદેશી લેખન પદ્ધતિ, કાના, અને બીજા કેટલાક કારણોને લીધે) ઘણી ભિન્નતાઓ દેખાવા માંડી. તાંગ રાજવંશના પતનને કારણે,[૨૯] જાપાનમાં (તે સમયે) ચીની પ્રભાવ પોતાની ટોચે પહોંચ્યો, અને છેવટે ઈ.સ. ૮૩૮માં તાંગ ચીનમાં જાપાનની શાહી મંજુરી વાળા અંતિમ મિશન સાથે અંત પામ્યો, જોકે વેપાર પ્રવાસો અને બૌદ્ધ પવિત્ર યાત્રાઓ ચાલતી રહી.[૩૦]

 
ઈ.સ. ૧૧૩૦ ની આજુબાજુના સમયનું પટચિત્ર, જે "ગેંજીની કથા" નાં "વાંસની નદી" નામના પાઠમાંથી એક દૃશ્યનું વર્ણન કરે છે

શાહી સભામાં રાજકીય સત્તા શક્તિશાળી ઉચ્ચતમ વર્ગો "(કુગે)"ના હાથમાં રહી, ખાસ કરીને ફુજીવારા કુળ, જે સેશ્શો અને કામ્પાકુ (શાહી કારભારીઓ) ના શીર્ષક સાથે રાજ કરતાં. ફુજીવારા કુળે શાહી પરિવાર પર લગભગ સંપૂર્ણપણે અંકુશ મેળવી લિધો. જોકે, શાહી સભાને સલાહ આપવાવાળો ફુજીવારા કુળ શાહી વંશથી જ પોતાની સત્તા મેળવવામાં સંતુષ્ટ હતો. આનો અર્થ એમ હતો કે ફુજીવારા કુળની સત્તાને ક્યારેય પણ કોઈ જોશીલો સમ્રાટ પડકારી શકતો હતો. શાહી સભા પર ઈ.સ ૮૫૮થી લગભગ ૧૧૬૦ સુધીના વર્ચસ્વને લીધે આ કાળ "ફુજીવારા કાળ" તરીકે જણાતો.[૩૧] ફુજીવારા કુળે શાહી પરિવાર સાથેની લગ્ન કડીઓના કારણે આ સ્વામિત્વ પામ્યું.[૩૨] ખરેખર જોઈએ તો, ફુજીવારા માતાઓથી જન્મ પામેલા સમ્રાટોની સંખ્યાના લીધે, ફુજીવારા કુળની ઓળખ શાહી પરિવારની એટલી નજીકથી થવા માંડી, કે લોકોને શાહી પરિવારના "સીધા શાસન" અને ફુજીવારા કારભારીઓના શાસન વચ્ચે કોઈ અંતર જ ન દેખાતું.[૩૩] તદનુસાર, જ્યારે સરકાર સામેનો અસંતોષ હોગેન્ બળવો (ઈ.સ ૧૧૫૬-૧૧૫૮), હેઇજી બળવો (ઈ.સ ૧૧૬૦) અને ગેમ્પેઇ યુદ્ધ (ઈ.સ ૧૧૮૦-૧૧૮૫) માં પરિવર્તન પામ્યો, ત્યારે ફુજીવારા કારભારીઓ અને શાહી પરિવારને જવાબદાર ગણવામાં આવ્યાં. ગેમ્પેઇ યુદ્ધનો અંત ઈ.સ ૧૧૮૫માં દાન્-નો-ઉરાના નૌકાયુદ્ધ સાથે થયો જેમાં મિનામોતો કુળે તાઇરા કુળને હાર આપી. ઈ.સ ૧૧૯૨માં મિનામોતો કુળના યોરિતોમોને શાહી સભા તરફથી સરકારમાં ઘણા ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા. આ હોદ્દાઓ એકત્રિત કરવામાં આવ્યા અને યોરિતોમો સેઇ-તાઇ-શોગુન્ અથવા "શોગુન્" નો હોદ્દો પ્રાપ્ત કરવાવાળો સૌથી પહેલો માણસ બન્યો.[૩૪] યોરિતોમોએ તે પછી ફુજીવારા કુળને જાપાનના ઉત્તરમાં એક સૈન્ય અભિયાનમાં હરાવ્યું. આની સાથે કુજીવારા કાળ અને સરકાર પરના ફુજીવારા કુળના વર્ચસ્વનો અંત આવ્યો.

હેઇઆન્ કાળે ઘણા સૈન્ય કુળોના ઉદય જોયા. સૌથી શક્તિશાળી ચાર કુળોમાં મિનામોતો કુળ, તાઇરા કુળ, ફુજીવારા કુળ અને તાચિબાના કુળ આવે છે. બારમી સદીના અંત તરફ, આ કુળો વચ્ચેની તકરારો હોગેન્ બળવા (ઈ.સ ૧૧૫૬-૧૧૫૮) જેવા આંતરયુદ્ધોમાં પરિણામી. હોગેન્ બળવાનું જાપાન માટે ખાસ મહત્વ હતું, કારણ કે તેણે જાપાનમાં સામંતવાદના વિકાસનાં પ્રારંભિક તબક્કાઓ માટેનો રસ્તો સાફ કર્યો.[૩૫] ઈ.સ ૧૧૬૦નો હેઇજી બળવો પણ આ કાળ દરમ્યાન થયો[૩૬] અને તે પછી ગેમ્પેઇ યુદ્ધ થયું, જેનાથી શોગુન્ ના રાજકીય શાસન હેઠળ સામુરાઈ કુળો દ્વારા નેતૃત્વ કરાતા સમાજનો ઉદ્ભવ થયો—જાપાનમાં સામંતવાદની શરૂઆત થઈ.

 
બ્યોદો-ઇન્ (ઈ.સ ૧૦૫૩) કુકાવતી બૌદ્ધ ધર્મ નું એક મંદિર છે. તેની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ની યાદીમાં નોંધ થઈ હતી.

હેઇઆન્ કાળ દરમ્યાન બૌદ્ધ ધર્મના ફેલાવાની શરુઆત થઈ. જોકે, બૌદ્ધ ધર્મનું બે સંપ્રદાય વચ્ચે વિભાજન થઈ ગયું—તેન્દાઇ સંપ્રદાય જે સાઇચો (ઈ.સ ૭૬૭-૮૨૨) દ્વારા ચીનથી જાપાન લાવવામાં આવ્યું અને શિંગોન્ બૌદ્ધ સંપ્રદાય જેનો ચીનથી કૂકાઇ (ઈ.સ ૭૭૪-૮૩૫) દ્વારા લાવીને પરિચય કરાવાયો. એક બાજુ, તેન્દાઇ સંપ્રદાય બૌદ્ધ ધર્મનું મઠવાસી રૂપ હતું જેમાં પર્વતોની ટોચ પર એકાંતમાં મઠ સ્થાપિત કરવામાં આવતા,[૩૭] જ્યારે બીજી બાજુ બૌદ્ધ ધર્મનું શિંગોન્ સંસ્કરણ ઓછું દાર્શનિક, વધુ વ્યાવહારિક અને વધારે લોકપ્રીય હતું.[૩૮] કુકાવતી બૌદ્ધ ધર્મ (જોદો-શૂ, જોદો શિન્શૂ) બૌદ્ધ ધર્મનું એક રૂપ હતું જે બંને તેન્દાઇ અને શિંગોન્ સંસ્કરણો કરતા સરળ હતું. તે જાપાનમાં ૧૧મી સદીના ઉત્તરાર્ધમાં અવનતિ અને મુશ્કેલીના સમયે ઘણું પ્રચલિત થયું.[૩૯]

મધ્યકાલીન જાપાન (ઈ.સ. ૧૧૮૫-૧૫૭૩/૧૬૦૦)

ફેરફાર કરો

ઈ.સ ૧૧૮૫ થી ૧૮૬૮ સુધી ચાલવાવાળા જાપાની ઇતિહાસના મધ્યકાલીન અથવા "સામંતી" કાળ દરમ્યાન શક્તિશાળી પ્રાદેશિક કુળો (દાઇમ્યો) નું પ્રભુત્વ તથા લડાકુ સરદારો (શોગુન્) નું લશ્કરી શાસન રહ્યું. સમ્રાટ પણ પોતાની જગ્યાએ રહ્યા, પણ કાયદાથી કેવળ નામનાં શાસક તરીકે, અને વેપારીઓની સત્તા નબળી હતી. આ કાળ સત્તાધીશ શોગુન્ ના કુટુંબના નામ પ્રમાણે અલગ-અલગ સમયગાળાઓમાં વિભાજિત છે.

કામાકુરા કાળ

ફેરફાર કરો

ઈ.સ ૧૧૮૫ થી ૧૩૩૩ સુધી ચાલવાવાળો કામાકુરા કાળ કામાકુરા શોગુનો અને જાપાનની પ્રાચીન યુગમાંથી મધ્યકાલીન યુગ તરફની સંક્રાંતિને ચિહ્નિત કરે છે. ૭૦૦ વર્ષ લાંબા આ કાળ દરમ્યાન સમ્રાટ, શાહી સભા અને પારંપરિક કેન્દ્રીય સરકારને અકબંધ રાખવામાં આવ્યાં, પણ તેઓની સત્તા માત્ર ઔપચારિક કાર્યો સુધી સીમિત હતી. નાગરિક, લશ્કરી અને ન્યાયિક બાબતો બુશી (સામુરાઈ) વર્ગ દ્વારા નિયંત્રિત હતી, જેમાં સૌથી શક્તિશાળી હતો અસલ રાષ્ટ્રીય શાસક, શોગુન્. જાપાનમાં આ કાળ જુની શોએન્ વ્યવસ્થા કરતાં વ્યાપક સૈન્યને વધુ મહત્વ આપવાના કારણે અલગ હતો.

ઈ.સ ૧૧૮૫માં, મિનામોતો કુળના યોરિતોમો અને તેના નાના ભાઈ યોશિત્સુને એ દાન્-નો-ઉરાના નૌકાયુદ્ધમાં તાઇરા કુળને હરાવ્યું.[૪૦] દાન્-નો-ઉરા ના યુદ્ધના પરિણામનાં કારણે યોદ્ધા અથવા સામુરાઈ વર્ગનો વિકાસ થયો. જાપાનમાં ઉભા થતા બંધારણ પ્રમાણે, સામુરાઈ સમ્રાટને લશ્કરી સેવા આપવા અને સમ્રાટને વફાદાર રહેવા માટે ઋણી રહેતા. આની સામે, સામુરાઈને ખેડૂતોથી વફાદારી અને કામ કરાવવાની જરૂર પડતી, જે તેમની પાસેથી જમીન ભાડે લેતા અને તેઓની સેવા કરતા. ક્યારેક, સામુરાઈ એકબીજા સામે યુદ્ધ કરતા, જેનાથી સમાજમાં ભંગાણ પડતું. ઈ.સ ૧૧૯૨માં, યોરિતોમો સમ્રાટ દ્વારા સેઇ-તાઇ-શોગુન્ નિયુક્ત કરવામાં આવ્યો. શોગુન્ થી સમ્રાટ વતી સરકારનું રોજનું કામકાજ ચલાવવાની તથા સામુરાઈને નિયંત્રણમાં રાખવાની અપેક્ષા રાખવામાં આવતી. આ સમય દરમ્યાન શાહી સભા પોતાની રાજધાની ક્યોતોમાં જ ભરાતી. ક્યોતોની પ્રજા બાકીનાં દેશની પ્રજા કરતા વધુ શુદ્ધ અને સંસ્કારી માનવામાં આવતી.[૪૧] જોકે, યોરિતોમોએ બાકુફુ નામની પોતાની સત્તાના આધારની સ્થાપના દરિયા કિનારે આવેલા કામાકુરા ના શહેરમાં કરી. યોરિતોમો કામાકુરાથી શાસન કરવાવાળા શોગુનોની શ્રેણીમાં સૌથી પહેલા શોગુન્ બન્યાં. એટલા માટે, ઈ.સ ૧૧૮૫ થી ૧૩૩૪ સુધીનો કાળ કામાકુરા શોગુનો ના કાળ તરીકે પ્રસિદ્ધ થયો. કામાકુરાના લશ્કરી અથવા સામુરાઈ પાટનગરના સમાજને અસભ્ય અને અજ્ઞાની માનવામાં આવતું.[૪૧] જોકે, યોરિતોમો પોતાની સરકારને ક્યોતોના અધિકારી તંત્રના વાંધાજનક પ્રભાવથી દૂર રાખવા ઇચ્છતાં હતાં, માટે તેઓ કામાકુરામાં જ રહ્યા. કામાકુરા ના શોગુનોએ ક્યોતોની અમલદારશાહી કરતા આ વધતા વર્ગનાં હિતોને પોતાનાં આધાર બનાવ્યાં. તદનુસાર, શોગુનો માટે રાજધાની તરીકે કામાકુરાની પસંદગી આ નવા યોદ્ધા વર્ગ માટે યોગ્ય હતી.

યોરિતોમોનાં લગ્ન હોજો કુળની હોજો માસાકો સાથે થયાં, જે પોતે ક્યૂજુત્સુ (ધનુષની કળા) અને કેંજુત્સુ (તલવારની કળા) ની સેન્સે (શિક્ષક) હતી. તેણીએ યોરિતોમોને પ્રભુત્વ મેળવવામાં અને બાફુકુનું આયોજન કરવામાં ઘણી મદદ આપી. જોકે, યોરિતોમોની મૃત્યુ પછી, હોજો નામનો બીજો યોદ્ધા કુળ શિક્કેન્ (શોગુન્ ના કારભારીઓ) તરીકે સત્તામાં આવ્યો.

 
ઈ.સ ૧૨૮૧માં મોંગોલ્ વહાણમાં ચઢતા જાપાની સામુરાઈ

આ સમયની બે આઘાતજનક ઘટનાઓ ઈ.સ ૧૨૭૪ અને ૧૨૮૧માં મોંગોલ્ લોકો દ્વારા જાપાન પર આક્રમણોની હતી. મોટા મોંગોલ્ સૈન્યે ચઢિયાતી નૌકા ટેકનોલોજી અને હથિયાર સાથે ઈ.સ ૧૨૭૪ અને ૧૨૮૧માં જાપાની દ્વીપો પર સંપૂર્ણ પાયે આક્રમણનો પ્રયાસ કર્યો. પણ, કામિકાઝે (જેનો જાપાનીમાં ભાષાંતર થાય છે દિવ્ય પવન) તરીકે જાણીતા એક પ્રચંડ વાવાઝોડાને મોંગોલ્ સૈન્યનો વિનાશ કરવાનો તથા જાપાનને બચાવવાનો શ્રેય અપાય છે.[૪૨] જાપાની લોકોના મોંગોલ્ સેનાને રોકવા છતાં, આક્રમણના પ્રયાસના લીધે ખરાબ સ્થાનિક અસર પડી, જેના કારણે કામાકુરા શોગુનોનો વિનાશ થયો. જાપાન પરના બીજા નિષ્ફળ આક્રમણના પ્રયાસ પછી બે દાયકાઓ સુધી જાપાની લોકોને એક ત્રીજા મોંગોલ્ પ્રયાસની બીક રહી. (ખરેખર તો, ઈ.સ ૧૨૯૪માં થયેલ કુબ્લાઇ ખાનની મૃત્યુ સુધી જાપાન ચેનના શ્વાસ ન લઈ શક્યું.) પરિણામે, શોગુન્ ને સામુરાઈ દ્વારા ભોગ-વિલાસમાં વપરાતા નાણાંની સશસ્ત્ર દળોના વિકાસ માટે જરૂર પડી જેથી તેઓ અપેક્ષિત ત્રીજા મોંગોલ્ આક્રમણ માટે તૈયાર રહે. નાણાંના આ વિશાળ ખર્ચાની જાપાનના અર્થતંત્ર પર વિનાશક અસર પડી. કામાકુરાના શોગુનો કદાચ સતત લશ્કરી સજ્જ્તા અને તેના પરિણામસ્વરૂપ ખરાબ અર્થતંત્ર થવા છતાં ટકી જાત, જો તે એક માત્ર જ સમસ્યા હોત. પણ, ઈ.સ ૧૨૭૨માં સમ્રાટ ગો-સાગાની મૃત્યુ થતા, શાહી કુટુંબમાં રાજગાદી મેળવવા માટે કડવો વિવાદ ઉભો થયો.

કેમ્મુ પુનઃસ્થાપન

ફેરફાર કરો

ઈ.સ. ૧૩૩૩માં, સમ્રાટ ગો-દાઇગો અને તેમનાં અનુયાયીઓ (આશિકાગા તાકાઉજી, નિત્તા યોશિસાદા અને કુસુનોકી માસાશિગે) એ કેમ્મુ પુનઃસ્થાપન તરીકે ઓળખાતા બળવામાં કામાકુરા શોગુનોને ખતમ કરી નાખ્યાં. સમ્રાટ ગો-દાઇગો ઈ.સ ૧૩૧૮માં ગાદી પર આવ્યા હતાં. શરૂઆતથી જ, ગો-દાઇગોએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ગાદી છોડીને "વિખુટા સમ્રાટ" નહોતા બનવાનાં અને તેઓ કામાકુરા શોગુનોથી મુક્ત રહીને ક્યોતોમાં પોતાના મહેલથી શાસન કરવા ઇચ્છતા હતાં.[૪૩] ગો-દાઇગો અને તેમના અનુયાયીઓ કામાકુરાનાં શોગુનો સામે યુદ્ધમાં ઉતર્યા, શાહી સભા ફરીથી સત્તામાં આવી, અને કામાકુરા શોગુનોની લશ્કરી સરકારની જગ્યાએ હવે એક બિનલશ્કરી સરકાર આવી. જોકે, એ બહુ વાર ટકી ન શકી. સમગ્ર જાપાનમાં યોદ્ધા વર્ગ ઉત્તેજિત થઈ ગયો હતો.[૪૪] તે ઉપરાંત, ગો-દાઇગો એક મેધાવી અગ્રણી નહોતા, અને તેઓનું અન્ય લોકો સાથે બહુ ન બનતું. ગો-દાઇગો દ્વારા અવગણના કરાયેલ લોકોમાંનો એક હતો તેમનો અગાઉનો સમર્થક, આશિકાગા તાકાઉજી. આશિકાગા તાકાઉજીને ખબર પડી કે તેને જાપાનનાં અન્ય સ્થાનિક લડાકુ સરદારોનું સમર્થન હતું. ઈ.સ. ૧૩૩૫નાં= પ્રારંભમાં, આશિકાગા ક્યોતો છોડીને કામાકુરા જતો રહ્યો.[૪૫] તે પછી, આશિકાગા સમ્રાટ દ્વારા પ્રદાન ન કરાયેલી સત્તા પણ પોતાનાં હાથમાં લેવા લાગ્યો. આનાં કારણે આશિકાગા તાકાઉજી ક્યોતોમાં રહેલ સરકારી અધિકારીઓની સામે સીધા સંઘર્ષમાં આવી ગયો, જેમાં તેના જુના સાથીદારો, નિત્તા યોશિસાદા અને કુસુનોકી માસાશિગે પણ સામેલ હતા. જોકે, શોગુન જેવી સત્તા પોતાનાં હાથમાં લેવાના લીધે, આશિકાગા યોદ્ધાઓની સત્તા ખતમ કરી નાખવાનો ઇરાદો રાખતી હોય તેવી લાગવાવાળી નાગરિક સત્તાની સામે યોદ્ધા વર્ગ તરફથી ઉભો હોય એવો લાગ્યો. તદનુસાર, આશિકાગા સાથે સંખ્યાબંધ સ્થાનિક લડાકુ સરદારો કામાકુરામાં જોડાયા. ૧૭મી નવેમ્બર, ૧૩૩૫નાં રોજ, તાકાઉજીના ભાઈ, આશિકાગા તાદાયોશીએ (પોતાનાં ભાઈ તાકાઉજીનાં નામે) આખાં દેશનાં સમસ્ત યોદ્ધાઓને "પોતાનાં કુળોને ભેગા કરી જલ્દીથી મારી સાથે જોડાઓ" નું આવાહ્ન કર્યું.[૪૬] ગો-દાઇગો માટેનો અસંતોષ એટલી હદે વધી ગયો હતો કે જાપાનનાં મોટાભાગના યોદ્ધાઓએ આ આવાહ્નને પ્રતિભાવ આપ્યો.[૪૭]

હોન્શૂના મુખ્ય ટાપુ પરના શરૂઆતનાં પરાજય બાદ, આશિકાગા અને તેની સેનાએ દક્ષિણમાં આવેલ ક્યૂશૂના ટાપુ તરફ પીછેહઠ કરી, જ્યાં તેણે તરત જ મોટાભાગના સ્થાનિક લડાકુ સરદારોને પોતાની તરફ કરી લીધા અને બાકી બચેલા ગો-દાઇગોને વફાદાર રહેવાવાળાઓને હરાવ્યા. ક્યૂશૂનાં બધા જ ટાપુઓ પર હવે પોતાનો કબજો થતા, આશિકાગા તાકાઉજીએ હોન્શૂના મુખ્ય ટાપુ પર ફરી આક્રમણ કર્યું અને, ઈ.સ. ૧૩૩૬માં, નિર્ણાયક બનનાર મિનાતોગાવાના યુદ્ધમાં નિત્તા યોશિસાદા અને કુસુનોકી માસાશિગેના સશસ્ત્ર દળો તથા ગો-દાઇગોને વફાદાર દળોને પરાજય આપ્યો. કામાકુરા નગરની આસપાસ ભેગી થનાર વિજયી યોદ્ધા વર્ગની સેનાઓ "ઉત્તરીય સભા" તરીકે જાણીતી થઈ. વફાદાર સેનાઓ હાર પામવા છતાં પણ લડત આપવા ટકી રહી. તેઓએ "દક્ષિણી સભા" બનાવી અને ઈ.સ. ૧૩૩૯નાં ઉનાળાના અંતમાં સમ્રાટ કોગોન્ તરીકે સિંહાસન પર બેસાડવામાં આવેલ રાજકુમાર કાઝુહિતોની સાથે ભેગા થતા ગયાં. રાજકુમાર કાઝુહિતો શાહી પરિવારની યુવાન વંશજોની શૃંખલામાંથી આવ્યા હતાં, તેથી તેમનાં સમર્થકો "યુવાન શ્રેણી" ના સમર્થક થયાં. ૨૦મી સપ્ટેમ્બર, ૧૩૩૬ના રોજ, ગો-દાઇગોનો વિરોધ કરનારા આશિકાગા ગઠબંધને રાજકુમાર યુતાહિતોને સમ્રાટ કોમ્યો[૪૮] તરીકે ગાદી ઉપર બેસાડ્યાં.[૪૯] રાજકુમાર યુતાહિતો શાહી પરિવારની વરિષ્ઠ શ્રેણીમાંથી આવ્યા હતાં. તદનુસાર, એક તરફ આશિકાગા કુળ - ઉત્તરીય સભા, અને બીજી તરફ "વફાદાર" દક્ષિણી સભા વચ્ચેનું આંતરયુદ્ધ, શાહી પરિવારની "પ્રવર" શ્રેણી અને "અવર" શ્રેણીના અનુયાયીઓ વચ્ચે શાહી ઉત્તરાધિકાર માટેનું આંતરયુદ્ધ બન્યું. એક તરફ, યોદ્ધાઓ અને આશિકાગા કુળ ક્યોતો પર કબજો મેળવીને પોતાની સેનાઓને કામાકુરાથી ક્યોતો ખસેડવા માંડ્યાં. જયારે બીજી તરફ, પોતાની રાજધાની ક્યોતોથી પદભ્રષ્ટ કરાયેલી દક્ષિણી સભા હવે યોશિનોમાં સ્થાપિત થઈ.

આશિકાગા શોગુનો ક્યારેય પણ સરકારને આખા દેશમાં નિયંત્રિત તથા કેન્દ્રિત ન કરી શકયાં. ખરેખર તો તેઓ માત્ર પોતાનું સમર્થન કરનારી એક નાની અને નિરંતર બદલાતી લડાકુ સરદારોની બહુમતીના કારણે જ સત્તામાં રહ્યાં. હંમેશા થોડાંક એવા સરદારો હતા જે બંને ઉત્તરીય તથા દક્ષિણી સભાથી સ્વતંત્ર રહીને નિર્ણયો લેતા. બાદમાં, ઉત્તરાધિકાર માટેના યુદ્ધ દરમ્યાન, આ સ્વતંત્ર લડાકુ સરદારોએ એક ત્રીજા સમ્રાટને ગાદી ઉપર બેસાડ્યાં - સમ્રાટ શોકુ. આનાથી ઉત્તરાધિકાર માટેનું યુદ્ધ ત્રણ પક્ષ વચ્ચેનું થઈ ગયું. યુદ્ધ આગળ વધતા ગાદીની પ્રતિષ્ઠા ઓછી થતી ગઈ, જે "શાહી પરિવાર ને રાજનીતિથી હટાવવા જોઈએ" ના વિચાર માટેનું આધાર બન્યું, અને જેથી રોજ-દરરોજ સરકારને ચલાવવા માટે શોગુન્ ને નિમણુક કરવાની જરૂર દેખાઈ આવી.

ઈ.સ. ૧૩૩૮માં, નવા સમ્રાટ દ્વારા આશિકાગા તાકાઉજી શોગુન્ તરીકે નિમણુક કરવામાં આવ્યાં. તેઓ આશિકાગા શોગુનોની શ્રેણીનાં સૌથી પહેલા શોગુન્ બન્યાં. કેમ્મુ પુનઃસ્થાપન તરીકે ઓળખાતા ગાદીની સ્વતંત્ર સત્તાના પુનઃસ્થાપન માટેના પ્રયાસનો અંત આવ્યો અને આશિકાગા શોગુનોના યુગની શરૂઆત થઈ ગઈ હતી.

ઉત્તરાધિકાર માટેનુ આંતર્યુદ્ધ છેવટે શમ્યું. કરાર પ્રમાણે, ત્રણેય "સમ્રાટો" એ ૬ એપ્રિલ, ૧૩૫૨નાં દિવસે ગાદી છોડી દીધી.[૫૦] આશિકાગા ઈ.સ. ૧૩૫૮માં મૃત્યુ પામ્યાં અને આશિકાગા યોશીઆકિરાએ તેમનાં પછી શોગુનનું પદ સાંભળ્યું.[૫૧] જોકે, ઈ.સ. ૧૩૬૮ સુધી આશિકાગા શોગુનોનું વર્ચસ્વ એટલી હદે વધી ગયું હતું કે આશિકાગા યોશિમિત્સુ સમ્રાટનો ઉલ્લેખ વગર જાપાન પર રાજ કરી શક્યાં.[૫૨] ઈ.સ. ૧૩૯૨માં, ઉત્તરીય અને દક્ષિણી સભાઓ છેવટે એવા કરારના અંતર્ગત એકમાં ભળી ગઈ, કે ત્યારપછીથી, ગાદી પર વારાફરતી ઉત્તરીય અને દક્ષિણી સભાઓનાં ઉમેદવારો બેસશે. જોકે, આ કરાર ક્યારેય અમલમાં મુકવામાં ન આવ્યો.

મુરોમાચી કાળ

ફેરફાર કરો
 
કિન્કાકુ-જી, કિતાયામા કાળ દરમ્યાન, ક્યોતો, ઈ.સ. ૧૩૯૭

મુરોમાચી કાળ દરમ્યાન, આશિકાગા શોગુનોએ ઈ.સ. ૧૩૩૬થી ઈ.સ. ૧૫૭૩ સુધી, ૨૩૭ વર્ષ માટે શાસન કર્યું. આ શાસન આશિકાગા તાકાઉજી દ્વારા સમ્રાટ ગો-દાઇગો પાસેથી રાજકીય સત્તા જપ્ત કરીને સ્થાપિત કરવામાં આવ્યું હતું. યોદ્ધા વર્ગનાં મોટા ભાગના યોદ્ધાઓએ આશિકાગા કુળને ઉત્તરાધિકાર માટેનાં યુદ્ધ દરમ્યાન ટેકો આપ્યો. સમ્રાટ ગો-દાઇગો પાસેથી ક્યોતો લઈ લીધા પછી આશિકાગા કુળે ઈ.સ. ૧૩૩૬ના પછીના ભાગમાં ક્યોતોને આશિકાગા શોગુનોનું પાટનગર બનાવ્યું.[૫૩] ક્યોતો ઉત્તરીય સભાનું નવું પાટનગર બન્યું. ગો-દાઇગો, તે પછી, યોશિનો નગર ગયાં, અને ત્યાં તેઓએ દક્ષિણી સભાના નવા પાટનગરની સ્થાપના કરી. આ રીતે, રાજગાદીની સત્તાના પુનઃસ્થાપનના પ્રયત્ન - કેમ્મુ પુનઃસ્થાપન - નો અંત આવ્યો. મુરોમાચી કાળના પ્રારંભિક વર્ષો ( સન્ ૧૩૩૬ થી સન્ ૧૩૯૨) નામ્બોકુ-ચો (ઉત્તરીય અને દક્ષિણી સભા) કાળ તરીકે ઓળખાય છે કેમ કે શાહી સભા બે ભાગમાં વિભાજિત થઈ ગઈ હતી. સન્ ૧૩૯૨માં, ઉત્તરીય અને દક્ષિણી સભાઓ છેવટે એક થઈ અને સમ્રાટ કોગોન્ ને ગાદી ઉપર બેસાડવામાં આવ્યાં. એક કરાર થયો, જે પ્રમાણે, ત્યારપછી, ઉત્તરીય અને દક્ષિણી સભાનાં ઉમેદવારોને વારાફરતી ગાદીનો ઉત્તરાધિકાર સોંપવામાં આવવાનો હતો. પણ, તે કરાર ક્યારેય અમલમાં મુકવામાં ન આવ્યો.

આશિકાગા બાકુફુનું શાસન કામાકુરા બાકુફુના શાસન જેવું ઘણું લાગ્યું, કેમ કે આશિકાગા કુળ એ પહેલાની સરકારની કચેરીઓ તેમજ પરિષદોમાં ઘણા ફેરફારો કર્યાં.[૫૪] જોકે, આશિકાગા શોગુનોએ શાહી ગાદી પર કામાકુરા કાળના કોઈ પણ સમય કરતા વધારે પ્રભુત્વ જમાવ્યું. તેમ છતાં, આશિકાગા શોગુનો ક્યારેય પણ પ્રાદેશિક લડાકુ સરદારો ને પોતાના કેન્દ્રની સત્તા હેઠળ પહેલાંની કામાકુરા સરકાર જેટલાં ન લાવી શક્યાં. આશિકાગા શોગુનો દેશમાં આવેલા વિવિધ પ્રાદેશિક લડાકુ સરદારોની છુટક બહુમતીના ગઠબંધન ઉપર ટેકાયેલા હતાં. પરિણામ સ્વરૂપે, તેઓ પોતાના દરિયાકાંઠાની નજીક લુંટફાટ કરતા ચાંચિયાઓની સમસ્યાનું, કોરિયા[૫૫] અને મિંગ રાજવંશના સમયના ચીન[૫૬] દ્વારા વારંવાર વિનંતી કરેલી હોવા છતાં, કાંઈ પણ ન કરી શક્યાં. આંતરિક સમુદ્ર ના કિનારા પર રહેવાવાળા કોત્સુના કુળ અને તાઇરા કુળની કિયોમોરી શાખા જેવા લડાકુ સરદારોના કુળો, ચાંચિયાઓથી પૈસા બનાવતાં અને તેઓને ટેકો આપતાં.

 
ઓસાકાનો કિલ્લો

સન્ ૧૩૬૮માં, ચીનમાં મોન્ગોલોના યુઆન્ રાજવંશની જગ્યા મિંગ રાજવંશે લીધી. સન્ ૧૨૮૧ના જાપાન પરના આક્રમણના મોન્ગોલ ચીન દ્વારા કરાયેલા બીજા અને છેલ્લા પ્રયત્ન પછી જાપાને ચીન સાથેનો વેપાર રદ્દ કરી દીધો હતો. હવે ચીનના મિંગ શાસકો સાથે એક નવા વેપારના સંબંધની શરૂઆત થઈ. નવા વેપાર માટે ઝેન બૌદ્ધ સંતોનું જાપાનમાં આવવું કાંઈક અંશે કારણભૂત હતું. આશિકાગા શોગુનોના સમય દરમ્યાન, જાપાનના શાસક વર્ગ ઉપર ઝેન બૌદ્ધ ધર્મનો ઘણો પ્રભાવ પડ્યો.[૫૭]

મુરોમાચી કાળનો સન્ ૧૫૭૩માં અંત આવ્યો જયારે ૧૫માં અને છેલ્લા શોગુન, આશિકાગા યોશિઆકીને ક્યોતોના પાટનગરમાંથી ઓદા નોબુનાગા દ્વારા બહાર તગેડી મુકવામાં આવ્યાં.

સાંસ્કૃતિક ઈતિહાસની દ્રષ્ટિએ, કિતાયામા કાળ (૧૪મી સદીનો અંત – ૧૫મી સદીના પહેલા ૫૦૦ વર્ષ [૫૮]) અને હિગાશિયામા કાળ (૧૫મી સદીનો દ્વીતીયાર્ધ - ૧૬મી સદીનાં પહેલા ૫૦૦ વર્ષ[૫૮]) મુરોમાચી કાળમાં આવે છે.

સેન્ગોકુ કાળ

ફેરફાર કરો
 
હાસેકુરા ત્સુનેનાગા અને સાન્ જુઆન્ બૌતિસ્તા

મુરોમાચી કાળનાં પછીનાં વર્ષો, સન્ ૧૪૬૭ થી ૧૫૭૩, સેન્ગોકુ કાળ (લડતા રાજ્યોનો કાળ) તરીકે ઓળખાય છે. આ તીવ્ર આંતરિક યુદ્ધના સમય દરમ્યાન, પોર્ટુગલના "નામ્બાન્" વેપારીઓના આગમન સાથે, જાપાનનો પશ્ચિમ સાથેનો પહેલો સંપર્ક થયો.

સન્ ૧૫૪૩માં, ચીનના માર્ગે ભૂલા પડેલા પોર્ટુગલના એક વહાણે તાનેગાશિમા ટાપુ પર ઉતરાણ કર્યું. પોર્ટુગલવાસીઓ દ્વારા લઈ આવેલા હથિયાર સેન્ગોકુ કાળની એક પ્રમુખ નવીનતા તરીકે પુરવાર થયા, જેના પરિણામે નાગાશીનોના યુદ્ધમાં અહેવાલ મુજબ ૩,૦૦૦ આર્કેબસ બંદુકો (અસલી અંક ૨,૦૦૦ની આસપાસ કહેવાય છે) એ ધસી આવતી સમુરાઈ સેનાને કાપી નાખી. ત્યારપછીના વર્ષોમાં, પોર્ટુગલ, નેધરલેન્ડ્ઝ , ઇંગ્લેન્ડ અને સ્પેનથી, તેમજ યેસુઇત્, ડોમિનિકન અને ફ્રાન્સિસી ખ્રિસ્તી ધર્મપ્રચારકો આવ્યાં.

આઝુચિ-મોમોયામા કાળ

ફેરફાર કરો

સન્ ૧૫૬૮થી ૧૬૦૩ની વચ્ચેના સમયગાળાને આઝુચિ-મોમોયામા કાળ કહેવાય છે. પછીના લડતા રાજ્યોના કાળ તરીકે પણ ઓળખાતા આ કાળ દરમ્યાન, જાપાનને લગભગ પૂરી રીતે સંગઠિત કરનારા ઓદા નોબુનાગા (સન્ ૧૫૩૪-૧૫૮૨) ના લશ્કરી અભિયાનોથી એક જ શાસક નીચે દેશનું લશ્કરી એકીકરણ અને સ્થિરીકરણ થયું. નોબુનાગાએ બૌદ્ધ સંતોની સત્તાને ઘટાડવાનો પ્રયાસ કર્યો, અને ખ્રિસ્તી ધર્મને રક્ષણ આપ્યું. તેણે ઘણા બૌદ્ધ સંતોને મારી નાખ્યા અને તેઓના કિલ્લેબંધ મંદિરોને કબજે કરી લીધા. તે સન્ ૧૫૮૨ના એક બળવામાં માર્યો ગયો.[૫૯] છેવટે, નોબુનાગાના સેનાપતિ, તોયોતોમી હિદેયોશીએ એકીકરણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી.

 
૫ ફેબ્રુઆરી ૧૫૯૭ના રોજ રોમન કેથોલિક સંતોને અપાયેલા મૃત્યુદંડને દર્શાવતું ચિત્ર

જાપાનનું એકીકરણ કર્યા બાદ, હિદેયોશીએ કોરિયાથી થઈને ચીનના મિંગ રાજવંશ પર વિજય મેળવવા માટેના અભિયાનની શરૂઆત કરી. જોકે, કોરિયા અને ચીનની એકત્રિત થયેલી સેનાઓ સામેના બે નિષ્ફળ પ્રયત્નો અને હિદેયોશીની મૃત્યુ પછી, તેની સેનાઓ પાછી જાપાન આવી ગઈ (બુન્રોકુ-કેઈચો યુદ્ધ). હિદેયોશીની મૃત્યુ પછી, જાપાન એ થોડીક વાર ઉત્તરાધિકાર માટેના યુદ્ધનો સમય જોયો. હિદેયોશીના જુવાન ઉત્તરાધિકારીના કારભારીઓમાંનાં એક, તોકુગાવા ઇએયાસુ, સેકિગાહારા ના યુદ્ધમાં વિજયી થયાં અને તેઓએ રાજકીય સત્તા ઝડપી લીધી.

ખ્રિસ્તી મિશનો

ફેરફાર કરો

સન્ ૧૫૪૯માં ફ્રાન્સિસ ઝેવિઅરની આગેવાની હેઠળ, રોમન કેથોલિક યેસુઈત્ ધર્મપ્રચારકો આવ્યાં અને તેઓનું ક્યોતોમાં સ્વાગત થયું.[૬૦] તેઓના ધર્માંતરણ કરવાના પ્રયાસો ક્યૂશૂમાં સૌથી સફળ રહ્યા, જ્યાં ઘણા દાઈમ્યો સહિત, લગભગ ૧૦૦,૦૦૦ થી ૨૦૦,૦૦૦ ધર્માંતરણો થયાં.[૬૧] સન્ ૧૫૮૭માં, હિદેયોશીએ માર્ગ ઉલટાવીને નક્કી કર્યું કે ખ્રિસ્તીઓની હાજરી વિભાજનવાદી હતી અને યુરોપિયનોને જાપાનમાં ભંગાણ પાડવાની તક આપી શકેત. ખ્રિસ્તી ધર્મપ્રચારકો જોખમ તરીકે જોવાતા ગયાં; પોર્ટુગલના વેપારીઓને પોતાની કામગીરી આગળ વધારવાની અનુમતિ અપાતી ગઈ. ફરમાન તરત અમલમાં મુકવામાં ન આવ્યો પણ તે પછીના ત્રણ દાયકા દરમ્યાન પ્રતિબંધો વધારે અને વધારે સખત થતા ગયા જેના પછી સરકાર દ્વારા સંપૂર્ણ પાયે ઉપાડાયેલા દમન અભિયાને ૧૬૨૦ના દાયકા સુધીમાં ખ્રિસ્તી સમુદાયનો નાશ કરી નાખ્યો. યેસુઇતોને તગેડી મુકવામાં આવ્યાં, સ્કૂલો અને ચર્ચો તોડી પાડવામાં આવી, અને દાઈમ્યોના ખ્રિસ્તી બનવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. ધર્માંતરણ થયેલ ખ્રિસ્તી ધર્મનો અસ્વીકાર ન કરવાવાળા માણસોને મારી નાખવામાં આવ્યાં. ઘણા ખ્રિસ્તીઓ ગુપ્તવાસમાં રહેવા માંડ્યાં, અને છુપાયેલા ખ્રિસ્તીઓ (隠れキリシタン કાકુરે કિરિશિતાન?) બન્યાં, પણ તેઓના સમુદાયો નાશ પામ્યાં. જાપાનમાં ખ્રિસ્તી ધર્મની પુનઃસ્થાપના ફરીથી સન્ ૧૮૭૦ના દાયકા સુધી ન થઈ.[૬૨][૬૩]

એદો કાળ (ઈ.સ. ૧૬૦૩-૧૮૬૮)

ફેરફાર કરો
 
તોકુગાવા ઇએયાસુ, તોકુગાવા શોગુનોની શ્રેણીના પહેલા શોગુન્

એદો, અથવા તોકુગાવા કાળે સત્તાને એક વંશપરંપરાગત શોગુનતના હાથમાં જોઈ, જેણે ધર્મ પર અંકુશ મેળવ્યો, અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરી, અમીર વર્ગને પોતાના અધીન કરી, તથા કરવેરા, સરકારી ખર્ચા અને અમલદારશાહીની એકરૂપ સિસ્ટમની સ્થાપના કરી. શોગુનત અંતરરાષ્ટ્રીય સંડોવણી અને યુદ્ધથી દૂર રહી, અને રાષ્ટ્રીય ન્યાયતંત્ર સ્થાપિત કરવા તેમજ વિરોધ અને ટીકાઓને દબાવવામાં સફળ રહી. તોકુગાવા કાળ શાંતિ લઈ આવ્યો, જેથી ૩૧ મિલિયનની પ્રજાના રાષ્ટ્રને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.

અર્થતંત્ર

ફેરફાર કરો

લગભગ ૮૦% લોકો ડાંગરના ખેડૂત હતાં.[૬૪] ચોખાનું ઉત્પાદન સતત વધતું ગયું, પણ વસ્તી સ્થિર રહી, જેથી સમૃદ્ધિ વધી. ડાંગરની ખેતીનો વિસ્તાર ૧૬ લાખ ચો થી વધીને, સન્ ૧૭૨૦માં, ૩૦ લાખ ચો જેટલો થઈ ગયો.[૬૫] ટેકનોલોજીમાં સુધારાઓને લીધે ખેડૂતો પોતાનાં ડાંગરના ખેતરોની સિંચાઈ માટેના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં સક્ષમ બન્યાં. દાઈમ્યો ઘણા બધા કિલ્લેબંધ નગરો ચલાવતાં, જે સ્થાનિક વેપારનાં કેન્દ્રો બન્યાં. એદો અને ઓસાકાને કેન્દ્ર બનાવતાં ચોખાના મોટા પાયાના બજારો વિકસિત થયાં.[૬૬] નગરો અને શહેરોમાં, વેપારીઓ અને કારીગરોના સંઘો વસ્તુઓ અને સેવાઓની વધતી જરૂરને પૂરી પાડતા. વેપારીઓનો દરજ્જો નીચો હોવા છતાં, સમૃદ્ધ થયાં, ખાસ કરીને જેઓને પ્રોત્સાહન મળતું. તેઓએ પૈસાના લેણ-દેણ માટે ઉધારના સિદ્ધાંતો બનાવ્યા, ચલણ સામાન્યપણે વપરાવવા માંડ્યું, અને મજબૂત થતા ઉધારના બજારે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપ્યું.[૬૭]

ખેતી અને ધંધો કરવાથી પ્રતિબંધિત કરાયેલા, પણ પૈસા ઉધાર ઉપર લેવાની અનુમતિ અપાયેલા સમુરાઈ વર્ગે, બહુ વધારે ઉધાર લઈ લીધું. એક વિદ્વાને નોંધ કરી છે કે, સંપૂર્ણ લશ્કરી વર્ગ "હોટેલમાં રહેતા હોય તે રીતે રહેતો હતો, એટલે કે, અત્યારે વાપરવું અને પૈસા પછી આપવા".[૬૮] બાફુકુ અને દાઈમ્યો ખેડૂતો પર ટેક્સ લાદતા, પણ ધંધા પર નહી, એટલે તેઓ પણ કરજમાં પડી ગયા. સન્ ૧૭૫૦ સુધીમાં વધતા ટેક્સના લીધે ખેડૂતોમાં અશાંતિ વધી અને તેઓ બળવા કરવા પર પણ ઉતરી આવતાં. રાષ્ટ્રને સમુરાઈઓની દરિદ્રતા અને તિજોરીમાં મોટી ખોટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સમુરાઈઓની આર્થિક સમસ્યાઓને કારણે તેઓની તંત્ર પ્રત્યે વફાદારી ઓછી થઈ, અને ખાલી પડેલી તિજોરીના લીધે તંત્ર ભાંગી પડવાની બીક પણ હતી. એક પ્રત્યાઘાતી ઉપાય હતો—ભોગ-વિલાસ પર પ્રતિબંધ લાદવો. બીજા ઉપાયો આધુનિકીકરણ તરફી હતાં, જેમનો ધ્યેય ખેતીની ઉત્પાદકતા વધારવાનો હતો. આઠમાં તોકુગાવા શોગુન, તોકુગાવા યોશિમુને (ઈ.સ. ૧૭૧૬-૧૭૪૫ સુધી સત્તામાં) ને નોંધપાત્ર સફળતા મળી, જોકે તેઓના કાર્યના મોટા ભાગને શોગુનના મુખ્ય સભાસદ, માત્સુદાઇરા સાદાનોબુ (ઈ.સ. ૧૭૫૯-૧૮૨૯) એ ફરીથી કરવું પડ્યું. બીજા શોગુનોએ કરજ ચુકવવા માટે સિક્કાઓનું મૂલ્ય ઘટાડ્યું, જેના લીધે ફુગાવો થયો..[૬૯]

 
કાતિપ્ સેલેબી દ્વારા લખાયેલ શિહાન્નુમા માં જાપાનનો નકશો મળી આવે છે

ઈ.સ. ૧૮૦૦થી અર્થતંત્રમાં વેપારીકરણનો ઝડપથી વધારો થવા લાગ્યો, જેથી વધારે ને વધારે ગામો રાષ્ટ્રીય અર્થતંત્રમાં જોડાઈ ગયાં. પૈસાદાર ખેડૂતો ડાંગર કરતા વધારે નફો કરાવવાવાળા રોકડિયા પાકો તરફ જવા માંડ્યાં, અને સ્થાનિક નાણાં ધિરાણ, વેપાર તથા નાના પાયે ઉત્પાદનમાં વ્યસ્ત થયાં. થોડાંક ધનવાન વેપારીઓએ સામુરાઈ વર્ગમાં લગ્ન કરીને સમાજમાં પોતાનો દરજ્જો વધારવાનો પ્રયત્ન કર્યો.

ચોશૂ અને સાત્સુમા જેવા થોડાંક રાજ્યોએ નવીન પદ્ધતિઓ વાપરીને પોતાની આર્થિક સ્થિતિને ફરીથી વ્યવસ્થિત કરી લીધી, પણ મોટાભાગનાં રાજ્યો વધારે કરજમાં પડી ગયાં. આ નાણાકીય કટોકટીએ મુખ્ય સલાહકાર મીઝુનો તાદાકુની દ્વારા જાહેર કરાયેલ "તેમ્પો સુધારણાઓ" (ઈ.સ. ૧૮૩૦-૧૮૪૩) ના અંત તરફ એક પ્રત્યાઘાતી ઉકેલના રૂપમાં ઉશ્કેર્યો. તાદાકુનીએ કર વધાર્યા, ભોગ-વિલાસ યુક્ત જીવનશૈલીની ટીકા કરી અને વ્યવસાયના વિકાસને અવરોધવાનો પ્રયાસ કર્યો; તેઓ નિષ્ફળ થયાં, અને ઘણા લોકોને લાગ્યું કે તોકુગાવા તંત્રનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું હતું.[૭૦]

સામાજિક સંરચના

ફેરફાર કરો

જાપાની સમાજની સંરચના વિસ્તૃત હતી, જેમાં દરેક જણ પોતાના હોદ્દા તથા પ્રતિષ્ઠાના સ્તરથી વાકેફ હતો. સૌથી ઉપર હતાં સમ્રાટ અને સભાસદ, જે પ્રતિષ્ઠામાં અજેય હતાં પણ સત્તામાં નબળા હતાં. એમની પછી શોગુન્ ના "બુશિ", દાઈમ્યો અને સામન્ત સ્વામીઓનાં સ્તરો આવતાં જેમનાં દરજ્જાઓ તેઓની તોકુગાવાથીની સમીપતાથી સૂચિત થતા. તેઓની પાસે સત્તા હતી. "દાઈમ્યો" માં લગભગ ૨૫૦ જેમનાં "હાન્" પ્રાદેશિક હતાં અને જેઓનું વાર્ષિક ઉત્પાદન ૫૦,૦૦૦ કે વધારે ચોખાનાં બશેલ (અનાજનું માપ) નું હતું. સમાજનું આ ઉચ્ચ સ્તર વિસ્તૃત અને ખર્ચાળ વિધિઓમાં લાગ્યું રહેતું, જેમાં ભવ્ય વાસ્તુશિલ્પ, લૅન્ડસ્કેપ બગીચાઓ, નાટક અને કલાને પ્રોત્સાહન, તથા જાપાનની જગપ્રસિદ્ધ ચાની વિધિનો સમાવેશ થાય છે.[૭૧]

સામુરાઈ

ફેરફાર કરો

આના પછી જાપાની સામાજિક સંરચનામાં આવતા "સામુરાઈ" કહેવાતા ૪,૦૦,૦૦૦ સૈનિક, જેમનાં હોદ્દાઓમાં અનેક કક્ષાઓ તેમજ પદવીઓનો સમાવેશ થતો. કોઈક ઉપરના વર્ગના સમુરાઈ ઉચ્ચ સત્તા માટે યોગ્ય ગણાતા; પણ મોટાભાગના સામુરાઈ નાની-અમથી ફરજ બજાવતા હરતા-ફરતા સૈનિક (આશિગારૂ) હતા. સામુરાઈ વરિષ્ઠ સરદારો સાથે નિયંત્રણની સુસ્થાપિત વ્યવસ્થા પ્રમાણે સંબંધ રાખતા. શોગુન્ પાસે પોતાનાં ૧૭,૦૦૦ અનુયાયી હતાં; દરેક દાઈમ્યો પાસે પોતાનાં સેંકડો હતાં. મોટાભાગના સામુરાઈ પોતાના સ્વામીના મુખ્યાલયની નજીક સામાન્ય ઘરોમાં રહેતા, અને વારસાગત હક્કથી ભાડા અને વૃત્તિકાઓ મેળવીને જીવન-નિર્વાહ કરતા. આમ ભેગા કરીને આ ઉચ્ચ વર્ગના જૂથોનો જાપાની શાસક વર્ગમાં સમાવેશ થતો, જે તે સમયની વસ્તીનો ૬ ટકાનો ભાગ હતો.[૭૨]

નીચલા વર્ગો

ફેરફાર કરો

નીચલા વર્ગો મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલા હતાં—ખેડૂતો—વસ્તીનો ૮૦% ભાગ—જેમની ઉત્પાદકો તરીકેની ઉચ્ચ પ્રતિષ્ઠા તેઓના કરના સૌથી મોટા સ્રોત હોવાના બોજના લીધે અભડાઈ જતી. તેઓ અભણ હતાં અને શાંતિ બનાવી રાખવાવાળા તેમજ કર વસૂલતાં નિમણુંક કરાયેલા અધિકારીઓ દ્વારા નિયંત્રિત કરાયેલા ગામડાઓમાં રહેતાં. ખેડૂતો અને ગ્રામજનોએ વારંવાર ગેરકાનૂની તથા વિચ્છેદક વિરોધ પ્રદર્શનો કર્યાં, ખાસ કરીને ૧૭૮૦ પછી.[૭૩]

વેપારીઓ અને કારીગરો

ફેરફાર કરો

પ્રતિષ્ઠાના માપદંડને તળિયે—પણ આવક તથા જીવનશૈલીની દ્રષ્ટીએ ઘણા ઉપર—નગરો અને શહેરોનાં વેપારીઓ અને કારીગરો આવતાં. તેઓ આગળ જરા પણ રાજકીય સત્તા નહોતી, અને જન્મથી જ દરજ્જો નક્કી કરતા સમાજમાં ધનવાન વેપારીઓને પણ ઉપર આવવું અઘરું લાગતું.[૭૪] સૌથી છેલ્લે આવતાં મનોરંજકો, વેશ્યાઓ, રોજીદારો, ચોર, ભીખારીઓ અને વારસાગત રીતે સમાજથી કઢાયેલા લોકો. તેઓ સ્થાનિક અધિકારીઓ દ્વારા નિયંત્રણમાં રખાતાં અને ઉપલા વર્ગનાં લોકો જોડે હળી-ભળી ન શકતાં.[૭૫]

સાક્ષરતા

ફેરફાર કરો

સાક્ષર હોવું મોટા ગર્વની વાત હતી, ખાસ કરીને લખાણની અઘરી પદ્ધતિને કારણે. ૧૫૦૦ જાપાની મુદ્રકોએ ખસેડી શકાય તેવી ટાઈપ પર પ્રયોગ કર્યા પછી; અક્ષરોનું છાપકામ ફરી લાકડાંનાં ચોસલાઓ પર થવા માંડ્યું, અને આ ઘણા વખત સુધી ચાલ્યું. ૧૮૫૦ નો દાયકો આવતા આવતા પશ્ચિમની વિજ્ઞાન અને ભૂગોળની ચોપડીઓનું ભાષાંતર કરવું એક નવું મુખ્ય વલણ બની ગયું હતું, જે માણસોની મોટી સંખ્યાને પહોંચ્યું. ૧૮૬૦ સુધીમાં ગ્રામ્ય વિસ્તારનાં ૪૦% ભાઈઓ તેમજ ૧૦% બહેનો સાક્ષર હતાં.[૭૬] અને ૧૮૭૦ના દાયકા સુધીમાં (રશિયાની ૪૦૦ની સરખામણીએ) જાપાન દર વર્ષે ૩૦૦૦ ચોપડીઓ પ્રકાશિત કરી રહ્યું હતું. સાર્વત્રિક ફરજીયાત શિક્ષણ ૧૮૭૧માં જ શરૂ થયું.[૭૭]

 
૧૭૧૬-૧૭૪૫ ના શોગુન તોકુગાવા યોશિમુને

તોકુગાવા કાળ તરીકે જણાતા એદો કાળ દરમ્યાન, રાષ્ટ્રનો વહીવટ તોકુગાવા શોગુનત દ્વારા શાસિત ૨૦૦ કરતાં પણ વધારે દાઈમ્યોના સંઘ

સંદર્ભો

ફેરફાર કરો
  1. Jacques Gernet (1996). A History of Chinese Civilization. Cambridge University Press. પૃષ્ઠ 290.
  2. Japanese Palaeolithic Period સંગ્રહિત ૨૦૦૯-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન, Charles T. Keally
  3. Archaeology center sorry for fake finds સંગ્રહિત ૨૦૧૨-૦૭-૧૫ ના રોજ archive.today. Japan Times. November 7, 2000. Retrieved on 2011-10-29.
  4. "The earliest known pottery comes from Japan, and is dated to about 10,600 BC. China and Indo-China followed shortly afterward" ("Past Worlds" The Times Atlas of Archeology. p. 100, 1995).
  5. Habu Junko (2004). Ancient Jomon of Japan (Case Studies in Early Societies). Cambridge University Press. પૃષ્ઠ 34–42. ISBN 978-0-521-77213-6.
  6. "大平山元I遺跡 -日本最古の土器出土-" (Japaneseમાં). Aomori Prefecture. મૂળ માંથી 20 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 June 2012. Unknown parameter |trans_title= ignored (|trans-title= suggested) (મદદ)CS1 maint: unrecognized language (link)
  7. Kaner, S. (2003). "Jomon pottery, Japan". Current World Archaeology. Current Publishing. મેળવેલ 12 June 2012.
  8. Keiji Imamura (1996). Prehistoric Japan: New Perspectives on Insular East Asia. University of Hawaii Press. પૃષ્ઠ 46. ISBN 978-0-8248-1852-4.
  9. John Whitney Hall, સંપાદક (1993). The Cambridge History of Japan: Ancient Japan. Cambridge University Press. પૃષ્ઠ 334. ISBN 9780521223522.
  10. 後漢書, 樂浪海外有東鯷人 分爲二十餘國
  11. Peter G. Stone; Philippe G. Planel (1999). The Constructed Past: Experimental Archaeology, Education and the Public. Psychology Press. પૃષ્ઠ 66. ISBN 9780203205822.
  12. R.H.P. Mason and J.G. Caiger (2004) A History of Japan, Tuttle Publishing, ISBN 080482097X
  13. See Nihon Shoki, volumes 19, Story of Kinmei. [૧] સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૫ ના રોજ વેબેક મશિન"Nihon Shoki
  14. Bowring, Richard John (2005). The religious traditions of Japan, 500-1600. Cambridge, UK: Cambridge University Press. પૃષ્ઠ 15–17. ISBN 0-521-85119-X.
  15. Dykstra, Yoshiko Kurata; De Bary, William Theodore (2001). Sources of Japanese tradition. New York: Columbia University Press. પૃષ્ઠ 100. ISBN 0-231-12138-5.CS1 maint: multiple names: authors list (link)
  16. Sansom (1958) p. 62
  17. ૧૭.૦ ૧૭.૧ Sansom (1958) p. 50.
  18. Book of Sui (隋書 東夷伝 第81巻列伝46): "日出处天子至书日没处天子无恙" [૨]
  19. general editors; John W. Hall... (1988). The Cambridge history of Japan. Cambridge, UK: Cambridge University Press. પૃષ્ઠ 182–183. ISBN 0-521-22352-0. Unknown parameter |author-separator= ignored (મદદ); Invalid |display-authors=2 (મદદ)
  20. ૨૦.૦ ૨૦.૧ Sansom (1958) p. 82.
  21. John W. Hall, Government and Local Power in Japan, 500–1700: A Study Based on Bizen Province (Princeton University Press, 1966) p 63.
  22. ૨૨.૦ ૨૨.૧ Sansom (1958) pp. 83–84.
  23. Hall (1966) p 64
  24. Sansom (1958) p. 128
  25. Sansom (1958) p. 99.
  26. Elmer M. Brown, ed. The Cambridge history of Japan: Ancient Japan: Volume 1 (1993) p. 356 ISBN 0-521-22352-0
  27. Sansom (1958) p. 150.
  28. Sansom (1958) pp. 130–131.
  29. Fairbank, p. 121.
  30. "Heian Period," Metropolitan Museum of Art.
  31. Fairbank, p. 351.
  32. Sansom (1958) p. 155.
  33. Sansom (1958) p. 212.
  34. Fairbank, p. 363.
  35. Sansom (1958) pp. 210–211.
  36. Sansom (1958) p. 257.
  37. Sansom (1958) p. 117.
  38. Sansom (1958) p. 119.
  39. Sansom (1958) p. 224.
  40. Fairbank, p. 362.
  41. ૪૧.૦ ૪૧.૧ Sansom (1958) p. 421.
  42. Rossabi, Morris (1988). Khubilai Khan: his life and times. University of California Press. પૃષ્ઠ 207. ISBN 0-520-06740-1.
  43. Sansom (1961) p. 22.
  44. Sansom (1961) p. 35.
  45. Sansom (1961) p. 37.
  46. Sansom (1961) p. 39.
  47. Sansom (1961) p. 40.
  48. Sansom (1961), p. 55.
  49. Sansom (1961), p. 55.
  50. Sansom (1961), p. 88.
  51. Sansom (1961), p. 106.
  52. Sansom (1961), pp. 141–142.
  53. Sansom (1961), p. 143.
  54. Sansom (1961), pp. 143–144.
  55. Sansom (1961), pp. 178–179
  56. Sansom (1961), p. 168.
  57. Sansom (1961), pp. 157–158.
  58. ૫૮.૦ ૫૮.૧ (Japanese) About Muromachi Culture સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૯ ના રોજ વેબેક મશિન. isu.edu.tw.
  59. John Whitney Hall, ed. (1991) The Cambridge History of Japan, Vol. 4: Early Modern Japan ISBN 0521223555.
  60. Robert Richmond Ellis (2003). "The Best Thus Far Discovered": The Japanese in the Letters of St. Francisco Xavier". Hispanic Review. 71 (2): 155–169. doi:10.2307/3247185. JSTOR 3247185.
  61. Otis Cary (1909) A History of Christianity in Japan: Roman Catholic and Greek Orthodox missions, pp. 13–241
  62. Jurgis Ellisonas (1991) "Christianity and the daimyo," pp. 301–72 in Hall, ed. The Cambridge History of Japan: Early modern Japan Cambridge University Press, ISBN 0-521-22355-5
  63. George Elison (1988) Deus Destroyed: The Image of Christianity in Early Modern Japan, University of Michigan ISBN 0-674-19962-6
  64. Susan B. Hanley and Kozo Yamamura (1977) Economic and demographic change in preindustrial Japan, 1600–1868, pp. 69–90 ISBN 0-691-10055-1
  65. એક ચો, અથવા ચોબુ, ૨.૫ એકર બરાબર છે.
  66. Conrad D. Totman (2000). "ch. 11". A history of Japan. Wiley-Blackwell. ISBN 978-0-631-21447-2.
  67. Tetsuji Okazaki (2005). "The role of the merchant coalition in pre-modern Japanese economic development: an historical institutional analysis" (PDF). Explorations in Economic History. 42 (2): 184–201. doi:10.1016/j.eeh.2004.06.005. મૂળ (PDF) માંથી 2012-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-01-24.
  68. John P. McKay; Bennett D. Hill; John Buckler (1992). A History of World Societies: Since 1500. Houghton Mifflin Company. ISBN 978-0-395-47295-8. મેળવેલ 2012-06-08.
  69. Herman Ooms (1975). Charismatic bureaucrat: a political biography of Matsudaira Sadanobu, 1758–1829. The University of Chicago Press. ISBN 978-0-226-63031-1.
  70. James L. McClain, Japan: A Modern History (2001) pp. 128–29 ISBN 0-393-04156-5
  71. Conrad D. Totman (2000). A history of Japan. Wiley-Blackwell. પૃષ્ઠ 225–230. ISBN 978-0-631-21447-2.
  72. Jonathan Clements, A Brief History of the Samurai, Running Press (2010) ISBN 0-7624-3850-9
  73. Anne Walthall (1991). Peasant uprisings in Japan: a critical anthology of peasant histories. University of Chicago Press. ISBN 978-0-226-87234-6.
  74. Charles Sheldon (1973) The rise of the merchant class in Tokugawa Japan, 1600–1868, Russell & Russell, ISBN 0846217252
  75. Geraldo Groemer (2001). "The Creation of the Edo Outcaste Order". Journal of Japanese Studies. 27 (2): 263–83. doi:10.2307/3591967. JSTOR 3591967.
  76. Cyril E. Black et al., The Modernization of Japan and Russia: A Comparative Study Free Press (1975) pp. 106–9 ISBN 0-02-906850-9
  77. Richard Rubinger (2007). Popular literacy in early modern Japan. University of Hawaii Press. પૃષ્ઠ 139–. ISBN 978-0-8248-3124-0.