જાવંત્રી
જાયફળની સુકાયેલી પતરી
જાવંત્રી અથવા જાયપત્રી એ લીલાં જાયફળના કોચલાની સૂકવેલી પતરી છે. જાયફળ પાકે ત્યારે તેની ઉપરની છાલ ફાટી જાય છે અને અંદરના બીને વીંટાઈ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે. તે છાલને જ જાવંત્રી કહે છે. જાવંત્રી મસાલામાં વપરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. જાવંત્રીમાં સુગંધવાળું તેલ ૮ % પ્રમાણમાં હોય છે. તે સિવાય એક ચીકણો રોગાન પણ હોય છે. જાવંત્રી તેજાના તરીકે પણ વપરાય છે.
આયુર્વેદિક મત અનુસાર જાવંત્રી તીખી, કડવી, મુખને સ્વચ્છ કરનારી, વર્ણકારક, દીપન, લઘુ, કાંતિકારક, રુચિકર, ઉષ્ણ અને કફઘ્ન મનાય છે. તે અંગની જડતા, કફ, રક્તદોષ, દમ, ઉધરસ, ઊલટી, તૃષા, વિષ, વાયુ તથા કૃમિ મટાડનાર મનાય છે. તે અજીર્ણ, આફરો, ચૂંક તથા ઊલટી ઉપર ૫ થી ૩૦ ગ્રેનની અથવા એક વાલની માત્રામાં ઔષધ તરીકે વપરાય છે.[૧]