ત્રિવેદી નવલરામ જગન્નાથ, ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’ (૧૧-૧૦-૧૮૯૫, ૧૮-૫-૧૯૪૪) : વિવેચક, હાસ્યલેખક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦ માં બી.એ. પછી લાલશંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં અવસાન.

એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.

નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો