પ્રમથનાથ મિત્ર
પ્રમથનાથ મિત્ર (પી. મિત્ર; ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ – ૧૯૧૦) એક બંગાળી ભારતીય બેરિસ્ટર અને રાષ્ટ્રવાદી હતા, જેઓ ભારતીય ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિના સૌથી શરૂઆતના સ્થાપક સભ્યોમાંના એક હતા.[૧]
પ્રમથનાથ મિત્ર | |
---|---|
প্রমথনাথ মিত্র | |
જન્મની વિગત | 30 October 1853 નૈહાટી, કલકત્તા, બ્રિટીશ ભારત |
મૃત્યુ | September 23, 1910 | (ઉંમર 56)
અન્ય નામો | પી. મિત્ર |
વ્યવસાય | બેરિસ્ટર, રાષ્ટ્રવાદી |
સંસ્થા | અનુશીલન સમિતિ |
પ્રખ્યાત કાર્ય | અનુશીલન સમિતિના સ્થાપક |
તેઓ એક જાણીતા બેરિસ્ટર હતા જેમણે કલકત્તા હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને ફોજદારી કાયદાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ બંગાળની નવી રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ પશ્ચિમ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાના નૈહાટી ગામમાં થયો હતો. પ્રમથનાથ બારનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા અને ૧૮૭૫માં વતન પાછા ફર્યા.
૧૯૦૨ની શરૂઆતમાં સતીશચંદ્ર બોઝ પ્રમથનાથ પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સતીશને નિવેદિતા દ્વારા એક શારીરિક તાલીમ મંડળી શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જેને બંકિમચંદ્ર ચેટર્જીના પુસ્તકના નામ પરથી, અનુશીલન સમિતિ અથવા કલ્ચરલ સોસાયટી તરીકે ઓળખાવામાં આવતું હતું. મિત્રોએ તેમને કહ્યું કે પ્રમથનાથ કદાચ સંસ્થાનો બોજો ઉઠાવવા તૈયાર થશે. જ્યારે સતિષચંદ્રએ પ્રમથનાથને સમિતિના વડા બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમની દરખાસ્ત સ્વીકારી પ્રમથનાથ ખુશ થઈ ગયા. ૨૪ માર્ચ ૧૯૦૨ના રોજ તેઓ સતીશચંદ્ર બોઝ દ્વારા રચાયેલી ભારત અનુશીલન સમિતિના નિયામક તરીકે ચૂંટાયા હતા અને તેમની નાણાકીય જવાબદારીઓ પણ ઉપાડી હતી. તે અરસામાં જતીન બેનર્જી કલકત્તામાં પોતાની વ્યાયામશાળા સ્થાપી રહ્યા હતા. શ્રી અરવિંદે તેમને સરલા દેવીનો પરિચય પત્ર આપ્યો હતો. જતીન તેમને, પ્રથમનાથ મિત્રને અને શારીરિક તાલીમમાં રસ ધરાવતા અન્ય લોકોને મળ્યા. પી. મિત્રએ સૂચવ્યું કે જતીન અને સતિષચંદ્ર દળોમાં જોડાય. બંને સંમત થયા, અને માર્ચ ૧૯૦૨માં એક નવી, વિસ્તૃત અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી.
ફેબ્રુઆરી ૧૯૦૩માં, શ્રી અરવિંદે પ્રમથનાથ મિત્ર સાથે ચર્ચા કરી, જેમને તેમણે ગુપ્ત સંગઠનમાં દીક્ષા આપી હતી. સમગ્ર પ્રાંતમાં સમિતિઓની સ્થાપના કરવી, શારીરિક તાલીમ પૂરી પાડવી, અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા એવા સમાન દૃષ્ટિકોણ પર બન્ને સંમત થયા.
હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત પ્રમથનાથ રિપન કોલેજમાં અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા હતા. પ્રમથનાથના લખાણોમાં એક નવલકથા – યોગી, તારકતત્ત્વ, જાતિ અને ધર્મ અને હિસ્ટરી ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
પ્રમથનાથ યોગી બેજોય ગોસ્વામીના શિષ્ય હતા અને સ્વામી વિવેકાનંદથી પણ ખૂબ પ્રભાવિત હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Mohanta, Sambaru Chandra (2012). "Mitra, Pramathanath". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
પૂરક વાંચન
ફેરફાર કરો- The great Indians.p256. One India One People Foundation.2006.ISBN 8172733186
- Dictionary of national biography.p127.Siba Pada Sen.Published by Institute of Historical Studies.
- The bomb in Bengal.p31. Peter Heehs. Published by Oxford University Press, 1993.ISBN 0195633504