અનુશીલન સમિતિ
અનુશીલન સમિતિ એ બ્રિટિશ વિરોધી ગુપ્ત ક્રાંતિકારી સશસ્ત્ર સંસ્થા હતી, જેનો ઉપયોગ વાસ્તવમાં અંગ્રેજ વિરોધી ક્રાંતિકારીઓ માટે ભૂગર્ભ સમાજ તરીકે કરવામાં આવતો હતો.[૧] આ સંગઠનનો ઉદ્ભવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ૧૯૦૨માં બંગાળમાં સ્થાનિક યુવા જૂથો અને અખાડાના સમૂહમાંથી થયો હતો. તેણે ભારતમાં બ્રિટીશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે ક્રાંતિકારી હિંસાને સમર્થન આપ્યું હતું. ઢાકા અનુશિલન સમિતિ અને યુગાન્તર એ તેના બે અગ્રણી (અને લગભગ સ્વતંત્ર) જૂથો હતા જે પૂર્વ અને પશ્ચિમ બંગાળમાં સક્રિય હતા.
અનુશીલન સમિતિનું પ્રતિક | |
સ્થાપના | ૧૯૦૨ |
---|---|
પ્રકાર | ગુપ્ત ક્રાંતિકારી સંગઠન |
હેતુ | ભારતીય સ્વતંત્રતા |
સ્થાન |
૧૯૩૦ના દાયકા દરમિયાન તેની રચનાથી માંડીને તેના વિઘટન સુધી સમિતિએ બોમ્બ ધડાકાઓ, હત્યાઓ અને રાજકીય રીતે પ્રેરિત હિંસા સહિત ઉગ્રવાદી રાષ્ટ્રવાદને સામેલ કરીને ભારતમાં બ્રિટીશ શાસનને પડકાર ફેંક્યો હતો. સમિતિએ ભારત અને વિદેશમાં અન્ય ક્રાંતિકારી સંગઠનો સાથે સહયોગ કર્યો. તેનું નેતૃત્વ રાષ્ટ્રવાદી નેતા ઓરોબિંદો ઘોષ અને તેમના ભાઈ બારીન્દ્ર ઘોષે કર્યું હતું, જેઓ ઇટાલિયન રાષ્ટ્રવાદ અને કાકુઝો ઓકાકુરાના અખિલ-એશિયનવાદ જેવી ફિલસૂફીથી પ્રભાવિત હતા. આ સમિતિ ભારતમાં બ્રિટીશ હિતો અને વહીવટ સામે ક્રાંતિકારી હુમલાઓની સંખ્યાબંધ નોંધપાત્ર ઘટનાઓમાં સામેલ હતી, જેમાં બ્રિટિશ રાજના અધિકારીઓની હત્યાના પ્રારંભિક પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ૧૯૧૨માં ભારતના વાઇસરોય પર હુમલાનો પ્રયત્ન કરવામાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અનુક્રમે રાસ બિહારી બોઝ અને જતિન્દ્રનાથ મુખર્જીના નેતૃત્ત્વમાં રાજદ્રોહી કાવતરું રચવામાં સમિતિનો હાથ હતો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીવાદી અહિંસક ચળવળના પ્રભાવને કારણે આ સંગઠન ૧૯૨૦ના દાયકામાં હિંસાની ફિલસૂફીથી દૂર થઈ ગયું હતું. જૂથનો એક વર્ગ, ખાસ કરીને શચીન્દ્રનાથ સાન્યાલ સાથે સંકળાયેલા લોકો ક્રાંતિકારી ચળવળમાં સક્રિય રહ્યા હતા, જેણે ઉત્તર ભારતમાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી હતી. આ સમય દરમિયાન બ્રિટિશ સરકારે બંગાળના અનેક કોંગ્રેસી નેતાઓ, ખાસ કરીને સુભાષચંદ્ર બોઝ પર સંગઠન સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
૧૯૩૦ના દાયકામાં સમિતિની હિંસક અને ઉદ્દામવાદી ફિલસૂફી પુનર્જીવિત થઈ અને તે કાકોરી ષડ્યંત્ર, ચિત્તગોંગ શસ્ત્રાગાર છાપો અને બ્રિટીશ કબજા હેઠળના ભારતમાં વહીવટ સામેની અન્ય કાર્યવાહીમાં સામેલ હતી.
તેની સ્થાપના પછી ટૂંક સમયમાં જ આ સંગઠન એક વ્યાપક પોલીસ અને ગુપ્તચર કામગીરીનું કેન્દ્ર બન્યું, જેના પરિણામે કલકત્તા પોલીસની વિશેષ શાખાની સ્થાપના થઈ. વિવિધ સમયે સમિતિ વિરુદ્ધ પોલીસ અને ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ કરનારા નોંધપાત્ર અધિકારીઓમાં સર રોબર્ટ નાથન, સર હેરોલ્ડ સ્ટુઅર્ટ, સર ચાર્લ્સ સ્ટીવન્સન-મૂરે અને સર ચાર્લ્સ ટેગર્ટનો સમાવેશ થાય છે.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં સમિતિની પ્રવૃત્તિઓ દ્વારા ઉભા થયેલા ખતરા અને પંજાબમાં ગદર વિદ્રોહની ધમકીને કારણે ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) પસાર કરવામાં આવ્યો હતો. આ પગલાંને કારણે સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ ક્રાંતિકારીઓની ધરપકડ, નજરકેદ, પરિવહન અને નિષ્પાદન શક્ય બન્યું જેથી પૂર્વી બંગાળની શાખાને કચડી નાખવામાં બ્રિટીશરોને સફળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, રોલેટ સમિતિએ બંગાળમાં સમિતિના સંભવિત પુનરુત્થાન અને પંજાબમાં ગદર ચળવળને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સંરક્ષણ અધિનિયમને (રોલેટ એક્ટ તરીકે) લંબાવવાની ભલામણ કરી હતી. યુદ્ધ પછી, સંગઠનની પ્રવૃત્તિઓને કારણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં બંગાળ ફોજદારી કાયદામાં સુધારાનો અમલ થયો, જેણે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી કેદ અને અટકાયતની સત્તાને પુનઃસ્થાપિત કરી. જો કે, અનુશિલન સમિતિએ ધીમે ધીમે ગાંધીવાદી ચળવળમાં તેનો પ્રસાર કર્યો. તેના કેટલાક સભ્યો સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા હતા, જ્યારે અન્ય લોકોએ સામ્યવાદ સાથે વધુ નિકટતાથી જોડાણ કર્યું હતું. જુગાન્તર શાખા ૧૯૩૮માં વિધિવત રીતે વિસર્જીત થઈ. સ્વતંત્ર ભારતમાં, પશ્ચિમ બંગાળમાં સંગઠન રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીમાં વિકસિત થયું હતું, જ્યારે પૂર્વીય શાખા પાછળથી વર્તમાન બાંગ્લાદેશમાં શ્રમિક કૃષક સમાજવાદી દળ (કામદારો અને ખેડૂતોની સમાજવાદી પાર્ટી) તરીકે વિકસિત થઈ હતી.
પૃષ્ઠભૂમિ
ફેરફાર કરો૧૯મી સદી દરમિયાન ભારતીય મધ્યમવર્ગના વિકાસને કારણે ભારતીય ઓળખની ભાવનામાં વધારો થયો[૨] જેણે ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારતમાં રાષ્ટ્રવાદની વધતી જતી લહેરને પોષી હતી.[૩] ૧૮૮૫માં એ. ઓ. હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાએ રાજકીય ઉદારીકરણ, વધતી જતી સ્વાયત્તતા અને સામાજિક સુધારણાની માગણીઓ માટે એક મોટું મંચ પૂરું પાડ્યું હતું.[૪] રાષ્ટ્રવાદી ચળવળ બંગાળમાં અને પાછળથી પંજાબમાં પ્રબળ, ઉદ્દામવાદી અને હિંસક બની હતી. ઉલ્લેખનીય છે કે, અન્ય નાની હિલચાલો મહારાષ્ટ્ર, મદ્રાસ અને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.[૪] દેશની અધિકાંશ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ તે પહેલાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈ (અગાઉનું બોમ્બે) અને પૂનામાં ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ હતી. આ ચળવળને બાલ ગંગાધર તિલકે વૈચારિક રીતે ટેકો આપ્યો હતો. ૧૮૭૬માં કલકત્તામાં સુરેન્દ્રનાથ બેનર્જીના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ એસોસિયેશન વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગના ગૃહસ્થોના અનૌપચારિક મતદાર મંડળનું મુખપત્ર બની ગયું. તેણે ૧૮૮૩ અને ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય પરિષદ પ્રાયોજિત કરી હતી, જે પાછળથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળી ગઈ હતી.[૫] કલકત્તા તે સમયે સંગઠિત રાજકારણનું સૌથી આગળ પડતું કેન્દ્ર હતું અને રાજકીય સભાઓમાં ભાગ લેનારા કેટલાક વિદ્યાર્થીઓએ "ગુપ્ત મંડળીઓ"નું આયોજન કરવાનું શરૂ કર્યું, જેણે શારીરિક શક્તિ અને રાષ્ટ્રવાદી લાગણીઓની સંસ્કૃતિને પ્રજ્વલિત કરી હતી.
સમયરેખા
ફેરફાર કરોઉદ્ભવ
ફેરફાર કરો૧૯૦૨ સુધીમાં, કલકત્તામાં ત્રણ ગુપ્ત મંડળીઓ ભારતમાં બ્રિટિશ શાસનને હિંસક રીતે ઉથલાવવાની દિશામાં કામ કરી રહી હતી: એકની સ્થાપના કલકત્તાના વિદ્યાર્થી સતીશચંદ્ર બાસુએ કલકત્તાના બેરિસ્ટર પ્રમથનાથ મિત્રના આશ્રય સાથે કરી હતી, બીજીની આગેવાની સરલા દેવીએ કરી હતી, અને ત્રીજીની સ્થાપના ઓરોબિંદો ઘોષે કરી હતી. ઘોષ અને તેમના ભાઈ બારીન તે સમયે ઉગ્ર ભારતીય રાષ્ટ્રવાદના સૌથી મજબૂત સમર્થકોમાંના એક હતા.[૬][૭] વંદે માતરમ અને યુગાન્તર પત્રિકા સહિતના ઓરોબિંદો અને બારિનના રાષ્ટ્રવાદી લખાણો અને પ્રકાશનોનો બંગાળના યુવાનો પર વ્યાપક પ્રભાવ હતો અને અનુશીલન સમિતિને બંગાળમાં લોકપ્રિયતા મેળવવામાં મદદ કરી હતી. ૧૯૦૫માં બંગાળના ભાગલાએ બંગાળના ભદ્રલોક સમુદાયમાં ઉદ્દામવાદી રાષ્ટ્રવાદી લાગણીઓને ઉત્તેજીત કરી હતી, જેણે સમિતિને સ્થાનિક યુવા સમાજના શિક્ષિત, રાજકીય રીતે જાગૃત અને અસંતુષ્ટ સભ્યોનો ટેકો મેળવવામાં મદદ કરી હતી. સમિતિના કાર્યક્રમમાં શારીરિક તાલીમ, તેની ભરતી કરનારાઓને ખંજર અને લાઠીઓથી તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઢાકા શાખાનું નેતૃત્વ પુલિન બિહારી દાસ કરતા હતા અને તેની શાખાઓ સમગ્ર પૂર્વ બંગાળ અને આસામમાં ફેલાયેલી હતી.[૮] પૂર્વી બંગાળ અને આસામમાં ૫૦૦થી વધુ શાખાઓ ખોલવામાં આવી હતી, જે "નજીકના અને વિસ્તૃત સંગઠન" દ્વારા ઢાકા ખાતેના પુલિનના મુખ્યમથક સાથે જોડાયેલી હતી. તેમની શાખાએ ટૂંક સમયમાં જ કલકત્તામાં તેના પિતૃ સંગઠનને પાછળ છોડી દીધું. જેસોર, ખુલના, ફરીદપુર, રાજનગર, રાજેન્દ્રપુર, મોહનપુર, બરવલી અને બકરગંજમાં ઢાકા અનુશિલન સમિતિની શાખાઓ અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ સભ્યો ઉભરી આવી હતી. બે વર્ષની અંદર, ઢાકા અનુશિલન સમિતિએ સ્વદેશી ચળવળના લક્ષ્યોને બદલે રાજકીય ઉદ્દામવાદમાં પરિવર્તિત કરી દીધા.[૯]
આ સંસ્થાના રાજકીય વિચારો માર્ચ ૧૯૦૬માં અભિનાશ ભટ્ટાચાર્ય, બારીન્દ્ર, ભૂપેન્દ્રનાથ દત્ત અને દેબબ્રત બાસુ દ્વારા સ્થાપવામાં આવેલા જર્નલ 'યુગાન્તર'માં વ્યક્ત કરવામાં આવ્યા હતા.[૧૦] ટૂંક સમયમાં જ તે ઓરોબિંદો અને અન્ય અનુશીલન નેતાઓના ઉદ્દામવાદી વિચારો માટેનું એક અંગ બની ગયું, અને તેના પરિણામે કલકત્તા સમિતિના જૂથને "યુગાન્તર પાર્ટી" તરીકે ઓળખવામાં આવ્યું. શરૂઆતના નેતાઓમાં રાસ બિહારી બોઝ, ભાવભૂષણ મિત્રા, જતિન્દ્રનાથ મુખર્જી અને જદુગોપાલ મુખર્જીનો સમાવેશ થાય છે.[૬] ઓરોબિંદોએ સંધ્યા, નવશક્તિ અને વંદે માતરમ્ જેવા સામયિકોમાં હિંસક રાષ્ટ્રવાદના સમાન સંદેશા પ્રકાશિત કર્યા હતા.
રાષ્ટ્રવાદ અને હિંસા
ફેરફાર કરોક્રાંતિ માટે ધીમે ધીમે સામૂહિક આધાર બનાવવાના મહર્ષિ અરવિંદના અભિગમ સાથેના મતભેદોને કારણે ઢાકા અનુશીલન સમિતિએ પશ્ચિમ બંગાળના જુગાન્તર જૂથ સાથે છેડો ફાડી નાખ્યો હતો. સમિતિની બન્ને શાખાઓ ક્રાંતિકારી ચળવળને આગળ ધપાવવાના હેતુથી પૈસા એકઠા કરવા માટે લૂંટમાં વ્યસ્ત હતી અને સંખ્યાબંધ રાજકીય હત્યાઓ કરી હતી.[૧૧] ડિસેમ્બર ૧૯૦૭માં, બંગાળ શાખાએ ઘોષ બંધુઓની આગેવાની હેઠળના એક કાવતરામાં બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર એન્ડ્રુ હેન્ડરસન લેઇથ ફ્રેઝરને લઈ જતી એક ટ્રેનને પાટા પરથી ઉથલાવી દીધી હતી. એ જ મહિનામાં ઢાકા અનુશીલન સમિતિએ ઢાકાના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડી. સી. એલનની હત્યા કરી નાખી. તે પછીના વર્ષે, સમિતિએ પશ્ચિમ બંગાળમાં અગિયાર હત્યાઓ, સાત હત્યાના પ્રયાસો, બોમ્બ વિસ્ફોટો અને આઠ ધાડ પાડવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેમના લક્ષ્યોમાં બ્રિટિશ પોલીસ અધિકારીઓ અને સનદી અધિકારીઓ, ભારતીય પોલીસ અધિકારીઓ, બાતમીદારો, રાજકીય ગુનાઓના સરકારી વકીલો અને શ્રીમંત પરિવારોનો સમાવેશ થતો હતો.[૧૨] બારીન ઘોષના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યોએ ચંદ્રનાગોરમાં ફ્રેન્ચ વસાહતી અધિકારીઓની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
અનુશીલન સમિતિએ વિદેશમાં ચાલી રહેલી વિદેશી ચળવળો અને ભારતીય રાષ્ટ્રવાદીઓ સાથે પ્રારંભિક જોડાણો સ્થાપિત કર્યા. ૧૯૦૭માં, બારિન ઘોષે હેમચંદ્ર કાનૂનગો ((હેમચંદ્ર દાસ)ને દેશનિકાલમાં રહેલા રશિયન ક્રાંતિકારી નિકોલસ સફ્રાન્સકી પાસેથી બોમ્બ બનાવવાનું શીખવા માટે પેરિસ મોકલ્યા હતા.[૮] ૧૯૦૮માં, નવા ભરતી થયેલા ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને મુઝફ્ફરપુરના અભિયાન પર ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ ડી. એચ. કિંગ્સફોર્ડની હત્યા માટે મોકલવામાં આવ્યા હતા. તેઓએ કિંગ્સફોર્ડની ગાડી ઓળખવામાં થાપ ખાધી અને એક ગાડી પર બોમ્બમારો કર્યો હતો,[૧૧] જેમાં બે અંગ્રેજ મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં. ખુદીરામની ઘટનાસ્થળેથી છટકવાના પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી અને ચાકીએ આત્મહત્યા કરી લીધી હતી. ક્રાંતિકારીઓની પોલીસ તપાસમાં તેમને મણિકતલા (કલકત્તાનું એક ઉપનગર)માં આવેલા બારિનના 'કન્ટ્રી હાઉસ' સાથે સાંકળી લેવામાં આવ્યા હતા અને ઓરોબિંદો અને બારિન સહિત સંખ્યાબંધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.[૧૧] ત્યારબાદની સુનાવણી ચુસ્ત સુરક્ષા હેઠળ યોજવામાં આવી હતી. સુનાવણીમાં બારિન ઘોષને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી જેને બાદમાં આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. તાજના સાક્ષી બનેલા નરેન ગોસાઈને અલીપોર જેલમાં સત્યેન્દ્રનાથ બાસુ અને કનૈયાલાલ દત્તે ગોળી માર્યા બાદ ઓરોબિંદો ઘોષ સામેનો કેસ પડી ભાંગ્યો હતો. નિર્દોષ જાહેર થયા બાદ ઓરોબિંદો સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા હતા.[૧૩] ત્યારબાદ ૧૯૦૯માં ઢાકા ષડ્યંત્રનો કેસ ચાલ્યો હતો, જેમાં ઢાકા અનુશિલન સમિતિના ૪૪ સભ્યો સામે ખટલો ચલાવવામાં આવ્યો હતો.[૧૪][૧૫] નંદલાલ બેનરજી (ખુદીરામની ધરપકડ કરનાર અધિકારી)ની ૧૯૦૮માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ૧૯૦૯માં અલીપોર કેસ માટે ફરિયાદી અને બાતમીદારની હત્યા કરવામાં આવી હતી.
ઓરોબિંદોની નિવૃત્તિ પછી, પશ્ચિમી અનુશીલન સમિતિને અગ્રણી નેતા બાઘા જતીન મળ્યા અને તેઓ જુગાન્તર જૂથ તરીકે ઉભરી આવ્યા. જતીને કલકત્તાના કેન્દ્રીય સંગઠન અને બંગાળ, બિહાર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશની તેની શાખાઓ વચ્ચેના સંબંધોને પુનર્જીવિત કર્યા અને ભૂગર્ભમાં ઊતરી ગયેલા સભ્યો માટે સુંદરવનમાં ગુપ્ત સ્થળો સ્થાપ્યા હતા. અમરેન્દ્ર ચેટર્જી, નરેન ભટ્ટાચાર્ય અને અન્ય યુવાન નેતાઓની મદદથી આ જૂથ ધીમે ધીમે પુનઃ સંગઠિત થયું. તારકનાથ દાસ સહિત તેના કેટલાક યુવાન સભ્યોએ ભારત છોડી વિદેશમાં સમિતિની પ્રવૃત્તિઓ સંભાળી લીધી હતી. એ પછીના બે વર્ષ દરમિયાન આ સંગઠન શ્રમજીબી સમબાયા (મજૂર સહકારી સંસ્થા) અને એસ. ડી. હેરી એન્ડ સન્સ એમ દેખીતી રીતે બે અલગ અલગ જૂથોના આવરણ હેઠળ કામ કરતું રહ્યું.[૧૩] આ જ અરસામાં જતીને કલકત્તાના ફોર્ટ વિલિયમમાં લશ્કરમાં ગોઠવાયેલી ૧૦મી જાટ રેજિમેન્ટ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને નરેન્દ્ર નાથે નાણાં એકઠાં કરવા માટે સંખ્યાબંધ લૂંટફાટો કરી હતી. આ જૂથ વિરુદ્ધ કાવતરાનો કેસ તૈયાર કરી રહેલા બંગાળના એક પોલીસ અધિકારી શમસુલ આલમની જતીનના સહયોગી બિરેન દત્તા ગુપ્તાએ હત્યા કરી હતી. તેમની હત્યાને પગલે ધરપકડો થઈ હતી, જેણે હાવડા-સિબપુર ષડ્યંત્ર કેસને વેગ આપ્યો હતો.[૧૬]
૧૯૧૧માં, ઢાકા અનુશીલનના સભ્યોએ મયમનસિંહ અને બારીશાલમાં જૂથ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓની તપાસ કરી રહેલા બે બંગાળી પોલીસ અધિકારીઓ સબ-ઇન્સ્પેક્ટર રાજ કુમાર અને ઇન્સ્પેક્ટર મેન મોહન ઘોષની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ કલકત્તામાં સીઆઈડીના હેડ કોન્સ્ટેબલ શ્રીશચંદ્ર ડેની હત્યા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૧૯૧૧માં યુગાંતર જૂથે કલકત્તા ખાતે ગાડીમાં એક અંગ્રેજને પોલીસ અધિકારી ગોડફ્રે ડેનહેમ હોવાની બાતમીને આધારે ભળતી જ કાર પર બૉમ્બમારો કર્યો હતો. રાસ બિહારી બોઝે[૧૭] જૂથની પહોંચને ઉત્તર ભારતમાં વિસ્તારી હતી. બોઝે પંજાબ અને સંયુક્ત પ્રાન્તોમાં ઉદ્દામવાદી રાષ્ટ્રવાદીઓ સાથે જોડાણ બનાવ્યું હતું, જેમાં પાછળથી લાલા હરદયાળ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.[૧૮] ૧૯૧૨માં શાહી પાટનગરને નવી દિલ્હી ખાતે ફેરબદલ કરવામાં આવ્યું તે દરમિયાન વાઇસરોય ચાર્લ્સ હાર્ડિંગની અંબાડી પર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો; જેમાં તેમનો મહાવત માર્યો ગયો હતો અને લેડી હાર્ડિંગને ઈજા થઈ હતી.[૧૯]
પ્રથમ વિશ્વયુદ્ધ
ફેરફાર કરોજર્મની અને બ્રિટન વચ્ચે યુદ્ધની શક્યતા જણાતી હોવાથી, દેશ-વિદેશમાં વસતા ભારતીય રાષ્ટ્રવાદીઓએ આ યુદ્ધનો ઉપયોગ રાષ્ટ્રવાદી હેતુ માટે કરવાનું નક્કી કર્યું. ૧૯૦૮માં હરદયાલની ભારત મુલાકાત સાથે કિશનસિંહ દ્વારા બંગાળ સમિતિ સેલની શરૂઆત કરવામાં આવી હતી.[૨૦] દયાલ ઇન્ડિયા હાઉસ સાથે સંકળાયેલા હતા, જેનું નેતૃત્વ તે સમયે વી. ડી. સાવરકર કરતા હતા. ૧૯૧૦ સુધીમાં, દયાલ રાસ બિહારી બોઝ સાથે નજીકથી કામ કરી રહ્યા હતા. [૨૧] ઇન્ડિયા હાઉસના પતન પછી, દયાલ પેરિસ ઇન્ડિયન સોસાયટી સાથે ટૂંકા ગાળા માટે કામ કર્યા પછી સાન ફ્રાન્સિસ્કો ગયા. યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વસાહતીઓ (ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામદાર વર્ગ) વચ્ચે રાષ્ટ્રવાદ પગપેસારો કરી રહ્યો હતો. તારકનાથ દાસ, જેઓ ૧૯૦૭માં બંગાળ છોડીને અમેરિકા ગયા, તેઓ રાજકીય કાર્યમાં રોકાયેલા ભારતીય વિદ્યાર્થીઓમાંના એક હતા. કેલિફોર્નિયામાં દયાલ મુખ્યત્વે પંજાબી વસાહતી કામદારોમાં ભારતીય રાષ્ટ્રવાદના અગ્રણી આયોજક બન્યા હતા અને ગદર પાર્ટીના મુખ્ય સભ્ય હતા.
નરેન ભટ્ટાચાર્ય સાથે જતીન ૧૯૧૨માં કલકત્તાની મુલાકાત દરમિયાન જર્મનીના યુવરાજને મળ્યા હતા અને ખાતરી મેળવી હતી કે તેમને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવામાં આવશે.[૨૨] જતીને વૃંદાવનની યાત્રા પર નિરાલમ્બ સ્વામી પાસેથી રાસ બિહારી બોઝના કાર્ય વિશે જાણ્યું. બંગાળ પાછા ફર્યા પછી તેમણે જૂથનું પુનર્ગઠન કરવાનું શરૂ કર્યું. ૧૯૧૨માં હાર્ડિંગ પરના હુમલાના પ્રયાસ બાદ બોઝ બનારસમાં છુપાઇ ગયા હતા, પરંતુ ૧૯૧૩ના અંતમાં તેઓ જતીનને મળ્યા હતા, જેમાં અખિલ ભારતીય ક્રાંતિની સંભાવનાઓ દર્શાવવામાં આવી હતી. ૧૯૧૪માં, મહારાષ્ટ્રીયન વિષ્ણુ ગણેશ પિંગલે અને શીખ જૂથે ફેબ્રુઆરી ૧૯૧૫માં એક સાથે સૈનિકોના બળવાની યોજના બનાવી હતી. બંગાળમાં અનુશિલન અને જુગંતરે ઇતિહાસકારો દ્વારા જેને "શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આતંકનું સામ્રાજ્ય" તરીકે વર્ણવવામાં આવ્યું છે તેની શરૂઆત કરી હતી. [જે] … વહીવટને લકવાગ્રસ્ત કરવાના તેમના મુખ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવાની નજીક આવ્યા હતા. ભયના માહોલે પોલીસ અને કોર્ટ બંનેના મનોબળને ભારે અસર કરી હતી.[૨૩] ઓગસ્ટ ૧૯૧૪માં જુગાન્તરે કલકત્તાના શસ્ત્રોના વેપારી રોડ્ડા કંપની પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો અને પછીનાં બે વર્ષ સુધી કલકત્તામાં અંગ્રેજ વિરોધી લૂંટફાટમાં તેનો ઉપયોગ કર્યો. ૧૯૧૫ સુધીમાં માત્ર છ ક્રાંતિકારીઓને જ સફળતાપૂર્વક અજમાવવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરી ૧૯૧૫ના અને ડિસેમ્બર ૧૯૧૫ના બન્ને કાવતરા બ્રિટીશ ગુપ્તચર દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. હાલના ઓરિસ્સાના બાલાસોરમાં પોલીસ સાથેની ગોળીબારીમાં જતીન અને સંખ્યાબંધ સાથી ક્રાંતિકારીઓ માર્યા ગયા હતા, જેના કારણે જુગાન્તરનો કામચલાઉ અંત આવ્યો હતો. ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૧૫ને કારણે ક્રાંતિકારી ચળવળના સભ્યોની વ્યાપક ધરપકડો, નજરકેદ, દેશનિકાલ અને ફાંસીની સજા થઈ. માર્ચ ૧૯૧૬ સુધીમાં, વ્યાપક ધરપકડોએ બંગાળ પોલીસને કલકત્તામાં ઢાકા અનુશિલન સમિતિને કચડી નાખવામાં મદદ કરી.[૨૪] ઓગસ્ટ ૧૯૧૬માં સમગ્ર બંગાળમાં રેગ્યુલેશન III અને ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ લાગુ કરવામાં આવ્યા હતા. જૂન ૧૯૧૭ સુધીમાં, ૭૦૫ લોકોને આ કાયદા હેઠળ નજરકેદ કરવામાં આવ્યા હતા અને ૯૯ લોકોને રેગ્યુલેશન III હેઠળ કેદ કરવામાં આવ્યા હતા.[૨૪] બંગાળમાં ૧૯૧૭માં ક્રાન્તિકારી હિંસા ઘટીને ૧૦ ઘટનાઓ બની હતી.[૨૫] સત્તાવાર યાદીઓ અનુસાર, ૧૯૧૮ સુધીમાં ૧૮૬ ક્રાંતિકારીઓની હત્યા કરવામાં આવી હતી અથવા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.[૨૬] યુદ્ધ પછી ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટનેને રોલેટ એક્ટના રૂપમાં લંબાવવામાં આવ્યો હતો જેનું મુખ્ય લક્ષ્ય ગાંધીજીની અસહકારની ચળવળના વિરોધનું હતું. યુદ્ધ પછી ઘણા ક્રાંતિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. વારંવાર જેલમાં પૂરવામાં ન આવે તે માટે તેમાંના કેટલાક બર્મા ચાલ્યા ગયા હતા.[૨૭]
વિશ્વયુદ્ધ બાદ
ફેરફાર કરોરોલેટ સત્યાગ્રહ એટલે કે અસહકારની પ્રથમ ચળવળ ગાંધીજીની આગેવાની હેઠળ ૧૯૧૯થી ૧૯૨૨ સુધી સક્રિય રહી હતી. તેને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી સભ્યોનો વ્યાપક ટેકો મળ્યો હતો. બંગાળમાં, જુગાન્તરને ચિત્તરંજન દાસ દ્વારા હિંસાથી દૂર રહેવાની વિનંતી સાથે સંમતિ આપવામાં આવી હતી. અનુશિલન સમિતિએ આ સમજૂતીનું પાલન ન કર્યું હોવા છતાં, તેણે ૧૯૨૦ અને ૧૯૨૨ની વચ્ચે કોઈ મોટી કાર્યવાહી પ્રાયોજિત કરી ન હતી. એ પછીનાં થોડાં વર્ષો દરમિયાન જુગાન્તર અને અનુશીલન સમિતિ ફરી સક્રિય થયાં. ૧૯૨૦ના દાયકામાં સમિતિ સાથે સંકળાયેલા ઉદ્દામવાદી રાષ્ટ્રવાદના પુનરુત્થાનને કારણે ૧૯૨૪માં બંગાળ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ પસાર થયો. આ કાયદાએ પોલીસને અટકાયતની અસાધારણ શક્તિઓ પુનઃસ્થાપિત કરી હતી; ૧૯૨૭ સુધીમાં આ કાયદા હેઠળ ૨૦૦થી વધુ શકમંદોને કેદ કરવામાં આવ્યા હતા, જેમાં સુભાષચંદ્ર બોઝનો પણ સમાવેશ થાય છે.[૨૮] વર્તમાન બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ અને ઢાકામાં જુગાન્તરની શાખાઓ બનાવવામાં આવી હતી. સૂર્ય સેનની આગેવાની હેઠળની ચિત્તાગોંગ શાખાએ ડિસેમ્બર ૧૯૨૩માં આસામ-બંગાળ રેલવેની ચિત્તાગોંગ ઓફિસને લૂંટી લીધી હતી. જાન્યુઆરી, ૧૯૨૪માં એક યુવાન બંગાળી ગોપી મોહન સહાએ એક યુરોપિયનની ગોળી મારીને હત્યા કરી નાખી. બંગાળી અખબારો દ્વારા હત્યારાની પ્રશંસા કરવામાં આવી હતી અને ગાંધીજીની નારાજગી વચ્ચે કોંગ્રેસની બંગાળ શાખાએ તેને શહીદ જાહેર કર્યો હતો.
૧૯૨૩માં અનુશીલન સમિતિ સાથે સંકળાયેલા અન્ય એક જૂથ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સચિન્દ્રનાથ સાન્યાલ અને જોગેશચંદ્ર ચેટર્જીએ બનારસમાં સ્થાપના કરી હતી, જેણે ઉત્તર ભારતમાં કટ્ટરપંથી કાર્યક્રમ ઘડવામાં મદદ કરી હતી. ટૂંક સમયમાં જ તેની શાખાઓ કલકત્તાથી લાહોર સુધી ખોલવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં શ્રેણીબદ્ધ સફળ લૂંટફાટો બાદ કાકોરીમાં એક ટ્રેન લૂંટ ચલાવવામાં આવી હતી, અને ત્યાર બાદ થયેલી તપાસ અને બે ખટલાઓથી સંગઠન તૂટી પડ્યું હતું. કેટલાંક વર્ષો બાદ તેનો પુનર્જન્મ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન (એચએસઆરએ) તરીકે થયો હતો.
૧૯૨૭માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બ્રિટનથી આઝાદીની તરફેણમાં આવી. ચાર વર્ષના ગાળામાં બંગાળ શાંત પડ્યું હતું, અને જુગાન્તર અને અનુશિલન સમિતિ વચ્ચે જોડાણ સ્થાપવાનો નિષ્ફળ પ્રયાસ કરવા છતાં સરકારે ૧૯૨૫ના કાયદા હેઠળ નજરકેદ કરાયેલા મોટા ભાગનાને મુક્ત કર્યા હતા. કેટલાક યુવાન કટ્ટરપંથીઓએ નવી દિશાઓમાં પ્રવેશ કર્યો, અને ઘણાએ ૧૯૨૮ના સાયમન કમિશન વિરોધ જેવી કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. કોંગ્રેસ નેતા લાલા લજપત રાયનું ઓક્ટોબરમાં લાહોર વિરોધ કૂચમાં પોલીસ દ્વારા કરાયેલી ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા અને ભગતસિંહ અને એચએસઆરએના અન્ય સભ્યોએ ડિસેમ્બરમાં તેમના મૃત્યુનો બદલો લીધો હતો; બાદમાં ભગતસિંહે વિધાનસભા પર પણ બોમ્બમારો કર્યો હતો. તેમની અને એચ.એસ.આર.એ.ના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્રણેય જેલમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા; બંગાળી બોમ્બ બનાવનાર જતિન્દ્ર નાથ દાસે સપ્ટેમ્બર ૧૯૨૯માં તેમના મૃત્યુ સુધી પોતાની હડતાલ ચાલુ રાખી હતી. કલકત્તા કોર્પોરેશને તેમના મૃત્યુ પછી શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમ ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે કોંગ્રેસે પણ કર્યું હતું.
અંતિમ તબક્કો
ફેરફાર કરો૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં કોંગ્રેસની આગેવાની હેઠળની ચળવળે વેગ પકડ્યો ત્યારે કેટલાક ભૂતપૂર્વ ક્રાંતિકારીઓએ ગાંધીવાદી રાજકીય ચળવળ સાથે જોડાઈ ગયા અને પ્રભાવશાળી કોંગ્રેસી નેતા બન્યા. ઘણા બંગાળી કોંગ્રેસીઓએ પણ સમિતિ સાથે જોડાણ જાળવ્યું હતું. એપ્રિલ ૧૯૩૦માં ગાંધીજીની આગેવાની હેઠળની મીઠાના સત્યાગ્રહના અહિંસક વિરોધ પ્રદર્શનોની સાથે સાથે સૂર્ય સેનની આગેવાની હેઠળના એક જૂથે ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર હુમલો કર્યો હતો. ૧૯૩૦ના ડિસેમ્બરમાં બેનોય બાસુ, દિનેશ ગુપ્તા અને બાદલ ગુપ્તા દ્વારા રાઇટર્સ બિલ્ડિંગ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન અગિયાર બ્રિટિશ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. મિદનાપુરમાં એક પછી એક ત્રણ જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યા કરવામાં આવી હતી અને દાયકાના પૂર્વાર્ધમાં ડઝનેક અન્ય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી હતી. ૧૯૩૧ સુધીમાં રેકોર્ડ ૯૨ હિંસક ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ટિપેરા અને મિદનાપુરના બ્રિટિશ મેજિસ્ટ્રેટ્સની હત્યાનો પણ સમાવેશ થાય છે.[૨૯] જો કે તે પછી તરત જ ૧૯૩૪માં બંગાળમાં ક્રાંતિકારી ચળવળનો અંત આવ્યો.
૧૯૩૦ના દાયકામાં સમિતિ ચળવળનો મોટો હિસ્સો ડાબેરી રાજકારણ તરફ આકર્ષાયો હતો. જેઓ ડાબેરી પક્ષોમાં જોડાયા ન હતા તેઓ કોંગ્રેસ અને કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી સાથે જોડાયા હતા. ૧૯૩૦ના દાયકામાં સવિનય કાનૂનભંગની ચળવળને લગતી સામૂહિક અટકાયતો દરમિયાન ઘણા સભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૩૮માં જુગાન્તરનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું; ઘણા ભૂતપૂર્વ સભ્યોએ સુરેન્દ્ર મોહન ઘોષના નેતૃત્વ હેઠળ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેઓ પોંડિચેરીમાં કોંગ્રેસના અન્ય રાજકારણીઓ અને ઓરોબિંદો ઘોષ વચ્ચે સંપર્ક ધરાવતા હતા. ૧૯૩૦ના દશકના ઉત્તરાર્ધમાં સીએસપીમાં સમિતિના માર્ક્સવાદી ઝુકાવ ધરાવતા સભ્યોએ રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (આરએસપી)ની રચનાની જાહેરાત કરી હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kolkata: Five spots linked to the freedom struggle you must know about". The Indian Express (અંગ્રેજીમાં). 2019-08-15. મેળવેલ 2022-03-15.
- ↑ Mitra 2006, p. 63
- ↑ Desai 2005, p. 30
- ↑ ૪.૦ ૪.૧ Yadav 1992, p. 6
- ↑ Heehs 1992, p. 2
- ↑ ૬.૦ ૬.૧ Sen 2010, p. 244
- ↑ Mohanta, Sambaru Chandra (2012). "Mitra, Pramathanath". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
- ↑ ૮.૦ ૮.૧ Popplewell 1995, p. 104
- ↑ Heehs 1992, p. 6
- ↑ Sanyal 2014, p. 30
- ↑ ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Roy 1997, pp. 5–6
- ↑ Popplewell 1995, p. 108
- ↑ ૧૩.૦ ૧૩.૧ Roy 1997, p. 6
- ↑ Popplewell 1995, p. 111
- ↑ Roy 2006, p. 105
- ↑ Roy 1997, pp. 6–7
- ↑ Popplewell 1995, p. 112
- ↑ Popplewell 1995, p. 167
- ↑ Popplewell 1995, p. 114
- ↑ Roy 1997, pp. 7–8
- ↑ Desai 2005, p. 320
- ↑ Samanta 1995, p. 625
- ↑ Popplewell 1995, p. 201
- ↑ ૨૪.૦ ૨૪.૧ Popplewell 1995, p. 210
- ↑ Bates 2007, p. 118
- ↑ Sarkar 2014, p. 107
- ↑ Morton 2013, p. 80
- ↑ Heehs 2010, pp. 171–172
- ↑ Chowdhry 2000, p. 138