રુડૉલ્ફ મોસબાઉઅર
રુડૉલ્ફ લુડ્વિગ મોસબાઉઅર (૩૧ જાન્યુઆરી ૧૯૨૯ – ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧) જર્મન ભૌતિકશાત્રી હતાં, કે જેમને ગેમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન તથા 'મોસબાઉઅર ઘટના'ની શોધ માટે ૧૯૬૧નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
રુડૉલ્ફ મોસબાઉઅર | |
---|---|
મોસબાઉઅર, ૧૯૬૧ | |
જન્મની વિગત | રુડૉલ્ફ લુડ્વિગ મોસબાઉઅર 31 January 1929 મ્યુનિક, વેઈમર રિપબ્લિક |
મૃત્યુ | 14 September 2011 | (ઉંમર 82)
શિક્ષણ સંસ્થા | ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિક |
પ્રખ્યાત કાર્ય |
|
જીવનસાથી | એલિઝાબેથ પ્રિટ્ઝ (લ. 1957) |
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૬૧) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | ભૌતિકશાસ્ત્ર |
કાર્ય સંસ્થાઓ | ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિક કેલિફૉર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી |
ડોક્ટરલ સલાહકાર | હેઇન્ઝ મેયર-લાઇબ્નિઝ |
જીવન
ફેરફાર કરોરુડૉલ્ફ મોસબાઉઅરનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ મ્યુનિકમાં થયો હતો. તેમના પિતાનું નામ લુડ્વિગ મોસબાઉઅર તથા માતાનું નામ ઍર્ના હતું. ૧૯૪૮માં તેઓ મૅટ્રિક થયા[૧] અને ત્યારબાદ તેમણે ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાંથી શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સ પ્લાન્ક મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી માટે સંશોધન કરતા હતા ત્યારે સંશોધનાત્મક અભ્યાસકાળ દરમિયાન મોસબાઉઅર ઘટનાની શોધ ૧૯૫૭માં કરી. ત્યારબાદ કૅલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મ્યૂનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ધારણ કર્યો.[૨]
મોસબાઉઅરે ૧૯૫૭માં એલિઝાબેથ પ્રિટ્ઝ સાથે લગ્ન કર્યા હતાં. તેમને પીટર નામનો એક દિકરો અને રેગીના નામની એક દિકરી તેમજ અન્ય એક દિકરી - એમ ત્રણ સંતાન હતાં.[૩] ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ તેમનું અવસાન થયું હતું.
સંશોધન
ફેરફાર કરોમોસબાઉઅરે પારમાણ્વિક ન્યૂક્લિયસ વડે થતા ગૅમા-વિકિરણની ઉત્સર્જન અને શોષણનો અભ્યાસ કર્યો. રેડિયો-ઍક્ટિવ તત્વનું ન્યૂક્લિયસ ગૅમા-કિરણનું શોષણ કરે ત્યારે તે બળનો અનુભવ કરે છે. આ દરમ્યાન વિકિરણ દ્વારા ઊર્જા ઘુમાવાય છે. ઘન પદાર્થની લૅટિસ રચનામાં ન્યૂક્લિયસ ચુસ્ત રીતે જકડાયેલી હોય તો ગૅમા-કિરણનું ઉત્સર્જન કે શોષણ પ્રત્યાઘાતથી મુક્ત રહે છે, કારણ કે આ પરિસ્થિતિમાં પ્રત્યાઘાતની પ્રક્રિયામાં સમગ્ર ઘન પદાર્થ ભાગ લે છે અને તેનું દળ ઘણું વધારે હોવાથી પ્રત્યાઘાત જેવી અસર થતી નથી, પરિણામે ઊર્જા ઘુમાવાતી નથી. મોસબાઉઅરે જોયું કે ગ્રાહી વડે આવું વિકિરણ ત્યારે જ ગ્રહણ થાય છે, કે જ્યારે પ્રેષક અને ગ્રાહીને એક જ આવૃત્તિ પર સમસ્વરિત કરવામાં આવે. આ ઘટનાને અનુનાદ-શોષણ કહે છે, જ્યારે પરમાણુનું ન્યૂક્લિયસ ગેમ-વિકિરણનું ઉત્સર્જન કરે છે, ત્યારે તે પ્રત્યાઘાત અનુભવે છે અને પરિણામે થોડી ઊર્જા ઘુમાવે છે અને તેની આવૃત્તિમાં ઘટાડો થાય છે. મોસબાઉઅર ઘટનાનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદને ચકાસવા માટે મોસબાઉઅર ઘટનાનો ઉપયોગ મહત્વનો છે. પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રસાયણ શાસ્ત્ર, જીવવિજ્ઞાન વગેરે ક્ષેત્રે આ ઘટનાનો ઉપયોગ થાય છે.[૨]
મોસબાઉઅર એક ઉત્તમ શિક્ષક હતા. તેમણે અનેક વિષયો પર અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપ્યા હતાં જેમ કે, ન્યૂટ્રીનો ભૌતિકશાસ્ત્ર, ન્યૂટ્રીનો ઑસ્સિલેશન, વિદ્યુતચુંબકીય અને નિર્બળ આંતરક્રિયાઓનો એકિકરણ સિદ્ધાંત તેમજ ફોટૉન અને ન્યૂટ્રોનની દ્રવ્ય સાથેની આંતરક્રિયાઓ વગેરે.
સન્માન
ફેરફાર કરોતેમના ગૅમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન (મોસબાઉઅર ઘટના) અને એ ક્ષેત્રે કરેલ આનુષંગિક શોધ માટે તેમને ૧૯૬૧નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ ઉપરાંત તેમને એલિઓટ ક્રેસન મૅડલ (૧૯૬૧) અને લોમોનોસોવ ગોલ્ડ મૅડલ (૧૯૮૪) પ્રાપ્ત થયેલ છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Rudolf Mössbauer - Biographical". Nobelprize.org. ૨૧ મે ૨૦૧૪. મેળવેલ ૧૫ મે ૨૦૧૮.
- ↑ ૨.૦ ૨.૧ પટેલ, આનંદ પ્ર. (જાન્યુઆરી ૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૬૪.
- ↑ Louise S. Sherby (૨૦૦૨). The Who's Who of Nobel Prize Winners, 1901-2000 (ચોથી આવૃત્તિ). Westport, CT: Oryx Press. પૃષ્ઠ 224.[હંમેશ માટે મૃત કડી] – via Questia (લવાજમ જરૂરી)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- રુડૉલ્ફ મોસબાઉઅરનો ઈન્ટરવ્યૂ (૧૮ મિનિટ) nobelprize.org ઉપર