રસાયણ શાસ્ત્ર
રસાયણ શાસ્ત્ર (ગ્રીક: χημεία) એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં તત્વો અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્ર અનેક શાખાઓમાં વિસ્તરેલું છે, જેમાંની મુખ્ય શાખાઓ છે: કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વૈશ્લેષિક રસાયણ, રેડિયો રસાયણ, જૈવરસાયણ, ભૂરસાયણ, ક્વૉન્ટમ રસાયણ, નાભિકીય રસાયણ અને રાસાયણિક સ્પેક્ટ્રમિકી.[૧] રસાયણ શાસ્ત્રનો વિકાસ મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી થયો એમ કહેવામાં આવે છે, પણ તેનો સાચો વિકાસ ફ્રેન્ચ રસાયણવિદ એ. એમ. લેવોઇઝિયરે દહનની પ્રક્રિયાનું સાચું અર્થઘટન કર્યું ત્યારપછી થયો.
રાસાયણિક સમીકરણ
ફેરફાર કરોબે પદાર્થોને ભેગા (મિશ્ર) કરતાં તેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તો તે દર્શાવવા માટે સમીકરણનો ઉપયોગ થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થોને તેમના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આવી પ્રક્રિયા દરમિયાન તત્વોનો જથ્થો (વજન) અચળ રહેતો હોઈ પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયા દ્વારા ઉદભવતા પદાર્થોમાંના પરમાણુઓની સંખ્યા સરખી રહે તે રીતે સમીકરણ લખવામાં આવે છે; દા. ત.,
- NaCl + H2SO4 → NaHSO4 + HCl
આ સમીકરણ એમ દર્શાવે છે કે સોડિયમ ક્લોરાઈડ (NaCl)ની સલ્ફ્યુરિક ઍસિડ (H2SO4) સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ બાઇસલ્ફેટ (અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ) અને હાઇડ્રોક્લોરિક ઍસિડ (અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ) ઉત્પન્ન થાય છે. કેટલાક પદાર્થોમાં પરમાણુઓનો સમૂહ એક એકમ તરીકે વર્તે છે. તેમને સૂત્ર દ્વારા દર્શાવતી વખતે કૌંસમાં મૂકવામાં આવે છે. દા. ત., (NH4)2SO4 (એમોનિયમ સલ્ફેટ). પ્રક્રિયામાં ભાગ લેતા કે તેને લીધે ઉદભવતા અણુઓની સંખ્યા સૂચવે છે; દા. ત.,[૧]
- 2 H
2 + O
2 → 2 H
2O
ધાતુઓ-અધાતુઓ અને આવર્ત કોષ્ટક
ફેરફાર કરોદરેક રાસાયણિક તત્વોનું ધાતુઓ અને અધાતુઓ એમ બે વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. જે ચળકતી હોય અને વિદ્યુત તથા ઉષ્માનું વહન કરતી હોય તેને ધાતુ કહેવામાં આવે છે, અને જેમાં આવા ગુણધર્મોનો અભાવ હોય તેને અધાતુ કહેવામાં આવે છે. તવોના વર્ગીકરણનું એક વિશિષ્ટ સ્વરૂપ એ આવર્ત કોષ્ટક છે. તેમાં સરખા ગુણધર્મોવાળાં તત્વોને એક સમૂહમાં જ્યારે ક્રમશ: બદલાતા જતા ગુણધર્મોવાળાં તત્વોને આવર્તમાં ગોઠવવામાં આવ્યા છે. આવું પ્રથમ આવર્ત કોષ્ટક ૧૮૬૩માં ન્યૂલૅન્ડ્ઝે વિકસાવ્યું હતું, તે પછી દમિત્રી મેન્દેલિયેવ દ્વારા તેને વધુ સારા સ્વરૂપમાં ૧૮૬૯માં રજૂ કરવામાં આવ્યું હતું. આ આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ તેમના સાપેક્ષ પરમાણુભાર અનુસાર કરાયું હતું. તેમાં જે તત્વોના ગુણધર્મોમાં સરખાપણું હોય તેઓ પરમાણુભાર દ્વારા એકબીજા સાથે સંકળાયેલા જણાયા અને તેમને એક સમૂહ અથવા કુટુંબમાં મૂકવામાં આવેલા. આ પ્રણાલીમાં કેટલીક ખામીઓ અને અપવાદો જોવા મળેલા, જે પાછળથી તત્વોની તેમના પરમાણુ ક્રમાંક મુજબ ગોઠવણી કરીને દૂર કરાયા હતા.[૧]
શાખાઓ
ફેરફાર કરોરસાયણ શાસ્ત્રની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવેલ છે:[૧]
- કાર્બનિક રસાયણ: આ શાખામાં કાર્બન નામના તત્વનાં સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે.
- અકાર્બનિક રસાયણ: આ શાખામાં સમગ્ર તત્વો અને તેમનાં સંયોજનોની રાસાયણિક પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે છે.
- ભૌતિક રસાયણ: રાસાયણિક પ્રણાલિઓ અને ફેરફારો માટે ભૌતિક નિયમોના ઉપયોગનો આમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્રની સઘળી શાખાઓમાં આ શાખા ઉપયોગી છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર, વિદ્યુત-રસાયણ, કૉલોઇડ રસાયણ વગેરે તેના પેટાવિભાગો છે.
- વૈશ્લેષિક રસાયણ: સંકીર્ણ પદાર્થોનું સાદા પદાર્થોમાં અલગન અને તેમાંના ઘટકોની પરખ અને માપન - વગેરેનો આ શાખામાં સમાવેશ થાય છે.
- રેડિયો-રસાયણ: વિકિરણધર્મી સમસ્થાનિકોની વર્તણૂક તથા ઉચ્ચ ઊર્જાવાળાં વિકિરણ દ્વારા ઉદભવતી રાસાયણિક અસરોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે.
- જૈવરસાયણ: આ જીવંત પ્રાણીઓ અને જીવન-પ્રક્રમોને લગતું રસાયણ શાસ્ત્ર છે.
- ભૂરસાયણ: ખનિજોનું ઉદભવન, ખડકોનું રૂપાંતરણ જેવી પૃથ્વીમાં બનતી પ્રવિધિઓનો અભ્યાસ આ શાખામાં થાય છે.
પૂરક વાચન
ફેરફાર કરો- દેસાઈ, મહેન્દ્ર નાનુભાઈ, સંપાદક (૧૯૮૦). રસાયણવિજ્ઞાન (વિજ્ઞાન અને યંત્રવિદ્યા કોશ). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ત્રિવેદી, જ. પો. (April 2003). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૭. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૬૫-૩૬૭.