વિનાયક નંદશંકર મહેતા (૩ જૂન ૧૮૮૩ – ૨૭ જાન્યુઆરી ૧૯૪૦) ગુજરાતી લેખક અને નાટ્યકાર હતા. તેઓ ગુજરાતી લેખક નંદશંકર મહેતાના પુત્ર હતા.[૧]

વિનાયક મહેતા

જીવન ફેરફાર કરો

વિનાયક મહેતાનો જન્મ ૩ જૂન ૧૮૮૩ના રોજ સુરતમાં નંદશંકર મહેતાને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન માંડવી (કચ્છ) હતું. પ્રાથમિક શિક્ષણ વડોદરા અને સુરતમાં મેળવ્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા જ્યાંથી તેમણે જીવશાસ્ત્રના વિષય સાથે ૧૯૦૨માં પ્રથમ વર્ગમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેમણે અભ્યાસ દરમિયાન જેમ્સ ટેલર પ્રાઇઝ, નારાયણ વાસુદેવ પ્રાઇઝ, ધીરજલાલ મથુરદાસ સ્કૉલરશિપ, ઍલિસ સ્કૉલરશિપ, ક્લબ મૅડલ વગેરે સન્માનો મેળવ્યા હતા. ૧૯૦૩માં તેઓ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા અને ૧૯૦૬માં ભારત પરત આવીને તેઓ આઈ.સી.એસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.[૧]

અલ્લાહાબાદમાં સરકારી ખાતામાં તેમની પ્રથમ નિમણૂક થઈ હતી. તે પછી તેઓએ લખનૌ, કાશી વગેરે સ્થળોએ રેવન્યૂ કમિશનર તરીકે સેવાઓ આપી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી તેમણે કાશ્મીર રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ ૧૯૩૭થી ૧૯૩૮ સુધી તેમણે રાજસ્થાનના બિકાનેર રાજ્યના દીવાન તરીકે સેવાઓ આપી હતી. તેઓ ઉત્તર પ્રદેશના મહેસૂલ બૉર્ડના વરિષ્ઠ સભ્ય હતા.[૧]

૨૭ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ પ્રયાગરાજ ખાતે તેમનું હ્રદય બંધ પડવાથી અવસાન થયું હતું.[૧]

કાર્યો ફેરફાર કરો

વિનાયક મહેતા સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસી હતા અને તેમણે પંડિત તરીકે નામના મેળવી હતી તથા તેઓ ઉર્દૂ ભાષાના પણ જાણકાર હતા. રાજકીય પ્રવૃત્તિમાં વધારે રોકાયેલા રહેવાથી ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન અલ્પ છે. તેમણે તેમના પિતા નંદશંકર મહેતાનું જીવનચરિત્ર 'નંદશંકર જીવનચરિત્ર' (૧૯૧૬) નામે લખ્યું છે. અંગ્રેજી દૈનિકો તેમજ સામયિકોમાં સાહિત્ય, પુરાતત્ત્વ, રાજકારણ, ગ્રામોદ્ધાર વગેરે વિષયો પર તેમણે છૂટક લેખો લખ્યા છે. તેમણે 'કોજાગ્રી' નામે નાટક લખ્યું છે તથા 'ગ્રામોદ્ધાર' નામે વૈચારિક પુસ્તક લખ્યું છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ રાજગોર, શિવપ્રસાદ (2002). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (મ - મા). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૩૩–૫૩૪.

બાહ્ય કડીઓ ફેરફાર કરો