વ્રોત્સ્વાફના ઠીંગુજીઓ

વ્રોત્સ્વાફના ઠીંગુજીઓ (Wrocław Dwarfs અથવા Wrocław Gnomes) એ નાની ઠીંગુજીની પ્રતિમાઓ (૨૦-૩૦ સે.મી. ) છે જે ૨૦૦૫થી પોલેન્ડના વ્રોત્સ્વાફ શહેરની શેરીઓમાં દેખાય છે. આ પ્રતિમાઓની સંખ્યા વધીને ૬૦૦ થઈ ગઈ છે અને તેઓ શહેર માટે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે, જે પોલેન્ડમાં ચોથું સૌથી મોટું શહેર છે. પ્રવાસીઓ ઘણીવાર નકશા સાથે શહેરની આસપાસ ફરે છે અને તે બધી પ્રતિમાઓને શોધવાનો પ્રયાસ કરે છે.

વ્રોત્સ્વાફના પ્રથમ ઠીંગુજી માનવ આંગળીની ટોચ પર ઊભેલો 'પાપા ડ્વાર્ફ' હતો. તે પોલેન્ડના આંદોલનકારી 'ઓરેન્જ અલ્ટરનેટિવ'ની યાદમાં મૂકવામાં આવેલો.

એપ્રિલ ૨૦૧૯માં શહેરમાં ૬૦૦ પ્રતિમાઓ હતી. તેમાંથી છ શહેરની બહાર બિસ્કુપીસ પોડગોર્નમાં એલજી કંપનીના પ્લાન્ટમાં સ્થિત છે.

૨૦૦૧માં પોલેન્ડની સામ્યવાદી વિરોધી ચળવળ ઓરેન્જ અલ્ટરનેટિવ અને તેના પ્રતીકની યાદમાં સ્વિડનીકા શેરી પર એક ઠીંગુજીનું સ્મારક મૂકવામાં આવ્યું હતું. ૨૦૦૩માં વ્રોત્સ્વાફના મેયરે નવી પરંપરા ચાલુ રાખવાના પ્રયાસમાં 'ધ ડ્વાર્વ્સ મ્યુઝિયમ'ના દરવાજા પર એક નાની તકતીનું અનાવરણ કર્યું. આ તકતી માર્કેટ સ્ક્વેર અને સેન્ટ એલિઝાબેથ ચર્ચની વચ્ચે આવેલા જાશ નામના ઐતિહાસિક મકાનની દિવાલ પર ઘૂંટણ જેટલી ઊંચાઈએ જોવા મળે છે.

શહેરના અન્ય સ્થળોએ મૂકવામાં આવેલી અન્ય ઠીંગુજી પ્રતિમાઓ સ્વિડનીકા શેરી પરના ઠીંગુજી કરતા નાની છે. પ્રથમ પાંચ પ્રતિમાઓ વ્રોત્સ્વાફના એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સના સ્નાતક ટોમાઝ મોકઝેક દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને ઓગસ્ટ ૨૦૦૫માં સ્થાપિત કરવામાં આવી હતી. આ પાંચમાં યુનિવર્સીટી ઓફ વ્રોત્સ્વાફ નજીક ફેન્સર, સ્ટેર જાટકી આર્કેડમાં બુચર, સ્વિડનીકા શેરી પર બે સિસિફિસ, અને પીઆસેક પુલ પાસે ઓડર-વોશર નો સમાવેશ થાય છે. છેલ્લાં ઠીંગુજીનું નામ શહેરની સીમમાં આવેલા જિલ્લા પ્રાક્ઝ ઓડ્ર્ઝાન્સ્કી સાથે સંબંધિત છે. ત્યારથી વ્રોત્સ્વાફના ઠીંગુજીઓની સંખ્યા સતત વધી રહી છે.

૧૮ જૂન ૨૦૦૮ના રોજ ડબલ્યુ-સ્કર્સની બાજુમાં સ્વિડનીકા શેરી પર બે નવા ઠીંગુજીઓના અનાવરણ કરવા માટે એક સમારોહ યોજાયો હતો. આ બે વિકલાંગ ઠીંગુજીઓ પ્રતિનિધિત્વ કરે છે: બહેરા-મૂંગા અને અંધ. તેઓ 'વ્રોત્સ્વાફ વિધાઉટ બેરિયર' ઝુંબેશનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય વ્રોત્સ્વાફમાં રહેતા વિકલાંગ લોકો તરફ ધ્યાન દોરવાનો છે. પાંચ દિવસ પછી બીજા એક ઠીંગુજીને શહેરના હેમેટોલોજી અને પેડિયાટ્રિક ઓન્કોલોજી ક્લિનિકમાં મૂકવામાં આવ્યો. આ ત્રીજી સ્ત્રી ઠીંગુજી માર્ઝેન્કા માટેની રચના મેમ માર્ઝેની ચેરિટીના પ્રતીક પર આધારિત હતી.[]

શહેરમાં દર વર્ષે સપ્ટેમ્બરમાં ઠીંગુજીઓનો ઉત્સવ (ડ્વાર્વ્સ ફેસ્ટિવલ) યોજાય છે.

  1. "Information for Service Foundation's Mam Marzenie". મૂળ માંથી 2021-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-07.