મદ્ર દેશના રાજા શલ્ય (સંસ્કૃત: शल्‍य) પાંડુ રાજાના બીજા પત્ની માદ્રીના ભાઈ હતા. આમ તેઓ નકુળ-સહદેવના મામા હતા.

શલ્ય
માહિતી
સંબંધીઓમાદ્રી, પાંડવો, પાંડુ

જ્યારે શલ્ય યુવાન હતા ત્યારે તેમણે અન્ય રાજા અને રાજ કુમારો સાથે કુંતીના સ્વયંવરમાં ભાગ લીધો હતો, પરંતુ પાંડુ સમક્ષ હારી ગયા હતા. શલ્ય અને પાંડુ વચ્ચે થયેલી ગુપ્ત સંધિ અનુસાર પાંડુએ માદ્રી સાથે લગ્ન કર્યાં.

પાંડવોની ગણના હતી કે શલ્ય તેની મોટી સેના સાથે તેમનો સાથ આપશે. પાંડવોની સહાયાર્થે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરતાં શલ્ય દુર્યોધનની ચાલાકીનો ભોગ બન્યો, જેણે શલ્ય અને તેની સેના માટે મિજબાની ગોઠવી. યજમાનને ભૂલથી શલ્ય યુધિષ્ઠિર સમજી બેઠો અને તેમની રાજસી સેવાના વખાણ કરવા લાગ્યો. પાછળથી જ્યારે દુર્યોધને તેને કુરુક્ષેત્રમાં કૌરવોનો સાથ આપવાની વિનંતી કરી ત્યારે તેઓ ના ન પાડી શક્યા. શલ્યએ આ ભૂલ માટે યુધિષ્ઠિરની ક્ષમા માંગી. યુધિષ્ઠિર જાણતા હતા કે શલ્ય તે વખતના ઉત્કૃષ્ટ સારથિઓમાંના એક હતા, અને કોઈક દિવસ તેમને જરૂર અર્જુન સામેના યુદ્ધમાં કર્ણનો સારથિ બનાવવામાં આવશે. આથી તેમણે શલ્ય પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી કે તે કર્ણના સારથિ તરીકે તેને હતોત્સાહિત કરશે અને તેનો જુસ્સો ઘટાડશે. એ વાત સ્પષ્ટ નથી કે યુધિષ્ઠિર જે એક સત્યવાદી હતા અને પોતાના ચરિત્ર્ય માટે જાણીતા છે, તેમણે શામાટે આટલા નીચે જઈ આવું હીન કાર્ય કર્યું. જે હોય તે, શલ્યએ તે મુજબનુ વચન આપ્યું.

અધૂરા મને શલ્ય કૌરવો તરફથી કુરુક્ષેત્રમાં ઉતર્યો. શલ્યએ ઘણાં પરાક્રમી લદવૈયાઓનો સામનો કર્યો અને ઘણાંઓને માર્યાં. તેમાંનો એક હતો અભિમન્યુનો સાળો ઉત્તર, ઉત્તરાનો ભાઈ અને વિરાટ રાજાનો પુત્ર. એક વખત જ્યારે કૌરવ સેનાએ વિરાટ રાજ્ય પર આક્રમણ કર્યું ત્યારે ઉત્તરે અર્જુનના સરથિ તરીકે ફરજ બજાવી હતી. આ યુદ્ધ કૌરવો હાર્યાં હતાં. યુવાન ઉત્તરનું અદભુત યુદ્ધ કૌશલ જોઈને શલ્ય મુગ્ધ થયો અને તેને પૂછ્યું કે તે કોણ છે. ત્યારે તેણે જવાબ આપ્યો કુરુક્ષેત્રમાં કૃષ્ણ અર્જુનના સારથિ છે પણ વિરાટના યુદ્ધમાં હું તેમનો સારથિ હતો. યુવાન રાજકુમાર જાણતો હતો કે શ્લ્ય ખુદ તે યુગનો એક પ્રખ્યાત સારથિ હતો. છેવટે શલ્યએ ભાલાથી તેનો વધ કર્યો. આનો બદલો અભિમન્યુએ તેના પુત્ર અને ભાઈનો વધ કરીને લીધો અને શલ્યને પણ એટલી હદે ઘાયલ કર્યો કે તે દ્રોણના ચક્રવ્યુહમાં આગળ વધી જ ન શક્યો.

યુદ્ધમં આગળ જતાં અર્જુન સાથેના યુદ્ધમાં શલ્યને કર્ણનો સારથિ બનાવવામાં આવ્યો. આ યુદ્ધ દરમ્યાન આપેલા વચન મુજબ તે સતત પાંડવોના કૌશલ્ય વખાણ કરતો અને કર્ણની ખામી બતાવ્યાં કરતો. યુદ્ધના અઢારમા અને છેલ્લાં દિવસે કર્ણના મૃત્યુ પછી કૌરવ સેનાની કમાન શલ્યને આપવામાં આવી જ્યારે આ વાત સ્પષ્ટ થઈ રહી હતી કે હવે યુદ્ધ માત્ર એક ઔપચારિકતા જ છે અને યુદ્ધ અંતની નજીકમાં જ છે. તે યુધિષ્ઠિરના હાથે ભાલાથી માર્યો ગયો. શલ્ય કૌરવ સેનાનો છેલ્લેથી બીજો સેનાપતિ હતો.