શુકાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હતા. તેઓ ભગવાન સ્વામિનારાયણના અંગત સચિવ હતા તેથી તેમના જમણા હાથ તરીકે પણ ઓળખાતા. ભગવાન સ્વામિનારાયણનો પત્ર વ્યવહાર પણ તેઓ સંભાળતા હતા.

શુકાનંદ સ્વામીનો જન્મ વિ.સં. ૧૮૫૫માં ડભાણ ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જગન્નાથ હતુ. બાળપણથી જ તેઓ ભક્તિમાં રુચિ ધરાવતા હતા. ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મેળાપ થયો અને પરિણામે ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા તેઓ ગઢડા ગયા. દિક્ષા પ્રસંગે સ્વામીનારાયણે તેમને મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા જેમણે તેમને દિક્ષા આપી શુકાનંદ નામ આપ્યું.

તેમની વિદ્વતા, સાધુતા અને લેખનશૈલીથી ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન રહેતા. અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી. શુકાનંદ સ્વામીએ સતત ભગવાન સ્વામિનારાયણના પત્રો અને ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે. વચનામૃતમાં પણ તેમને બહુ મોટા સાધુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શુકાનંદ સ્વામીએ સંસ્કૃતમાં ૭ અને ગુજરાતીમાં ૯ ગ્રંથો લખ્યા છે.


૧૨ વર્ષ સુધી તાવથી પીડાઈ ને સં. ૧૯૨૫ની માગશર વદ પાંચમના રોજ વડતાલમાં તેમનું અવસાન થયું.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Shukanand Swami (Shuk Muni) - Personal Secretary of the Lord". Swaminarayan Vadtal Gadi - SVG (અંગ્રેજીમાં). 2018-02-28. મેળવેલ 2023-05-23.