ગુજરાતી સાહિત્ય પરિષદઃ પરિચય

સ્થાપના
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય શી રીતે ઉપજાવવું, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી સ્વ.રણજિતરામ વાવાભાઈની નિષ્ઠાભરી હૃદયોર્મિમાંથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.


પ્રથમ સંમેલન
અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાત બહાર કરાંચી, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, પૂના, કોઈમ્બતૂર જેવાં અનેક સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજીને ગુજરાતને ખૂણે ખૂણે અને ભારતની દિશાએ દિશાએ પોતાની ભાવના વિસ્તારી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ જ્ઞાનસત્રો અને ૪૫ અધિવેશનો (સંમેલનો) યોજાઈ ગયાં છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ થયા બાદ અનેક મૂર્ધન્ય સાહિત્યકારો તેમજ ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખપદે રહી ચૂકયા છે. પરિષદના સંમેલન પ્રસંગે મળેલાં વિદ્વાન પ્રમુખોનાં મનનીય વ્યાખ્યાનો અને સંશોધનાત્મક નિબંધોએ ગુજરાતી ભાષાસાહિત્યની વૃધ્ધિને વેગ આપ્યો છે.


બંધારણ
અમદાવાદ પછી મુંબઈ, રાજકોટ, વડોદરા, સુરત, અને સુરતની યાત્રા પછી પરિષદનું ફરીવાર ઈ.સ. ૧૯૨૦માં અમદાવાદમાં છઠ્ઠું અધિવેશન મળ્યું ત્યારે, એક પ્રયોગ તરીકે એમાં સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એમ ત્રણ વિભાગો રાખવામાં આવ્યા હતાં અને તેમાં વિભાગીય પ્રમુખ તરીકે શ્રી રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર અને સાંકળચંદ શાહની વરણી થઈ હતી. પરિષદના જીવનનો આ પહેલો વળાંક હતો. ૧૯૨૦ સુધીમાં સ્વ. રણજિતરામ પરિષદના પ્રેરક ચાલક બળ હતા. ૧૯૨૦ થી રમણભાઈ નીલકંઠ અને શ્રી આનંદશંકર ધ્રુવનાં પ્રેરણા અને ઉષ્મા એને છેક ૧૯૨૮ સુધી મળતાં રહ્યાં. ઈ.સ. ૧૯૨૮ પછી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાં ગયું. તે છેક ૧૯૫૫ સુધી રહ્યું. ૧૯૫૫માં પરિષદનો પુનર્જન્મ થયો અને એને લોકશાસનની પ્રણાલિકાનું બંધારણ પ્રાપ્ત થયું.


હેતુઓ
બંધારણમાં પરિષદના આ હેતુઓ જણાવાયા છે.

  1. (૧) ગુજરાતી ભાષાસાહિત્ય અને સંસ્કારની પૂર્વ શાખાઓ અને પ્રવૃત્તિઓને સંરક્ષવી અને વિકસાવવી.
  2. (૨) ગુજરાતી ભાષામાં કે ગુજરાતી ભાષાસાહિત્ય વિશે લખાયેલાં પુસ્તકો સંરક્ષવાં, તૈયાર કરાવવાં, છાંપવા કે પ્રસિધ્ધ કરવા-કરાવવાં.
  3. (૩) ગુજરાતી ભાષા બોલનારાઓનું સાંસકૃતિક ઐક્ય સર્વત્ર જળવાય તે માટેના સર્વ પ્રયાસો કરવા.
  4. (૪) શિક્ષણમાં ગુજરાતી ભાષા સરળ અને પ્રાણવાન બને એ માટે સર્વ પ્રયત્નો કરવા.
  5. (૫) જૂના ગુજરાતી ઢાળોનું અને લોકસાહિત્યનું રેકર્ડિંગ કરાવવું તેમજ અન્ય પ્રકારે સાહિત્યને સંરક્ષવા પ્રયાસો કરવા. પરિષદના આ હેતુઓને પાર પાડવા કે આગળ વધારવામાં સહાયરુપ થઈ પડે તેવાં ટ્રસ્ટફંડો કે દાનો સ્વીકારવાં અને બંધારણ અનુસાર તેનો વહીવટ કરવો.


ક્ષેત્રવિસ્તાર
સંમેલનો અને જ્ઞાનસત્રો પ્રસંગે નિબંધવાંચન ઉપરાંત પુસ્તકો અને સામયિકોનાં પ્રદર્શનો, પાદપૂર્તિ, મુશાયરાઓ જેવાં અન્ય સંસ્કાર અંગો પણ વિકસતાં જતાં હતાં અને એની પુસ્તકપ્રકાશનપ્રવૃત્તિ પણ એકંદરે સંતોષકારક હતી. અમદાવાદ પછી ભાવનગર, મુંબઈ નડિયાદ (બેવાર) અને લાઠીની યાત્રા કરીને ફરીવાર ઈ.સ. ૧૯૩૧માં પરિષદનું ૧૨મું સંમેલન અમદાવાદમાં યોજાયું. ભાવનગરમાં સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાનના વિભાગો ઉપરાંત જૈન વિભાગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જયારે મુંબઈ, નડિયાદ, (બીજીવાર ઈ.સ. ૧૯૩૧ના સંમેલન પ્રસંગે) અને લાઠીમાં અન્ય વિભાગો યોજી શકાયા નહોતા. ૯માં અધિવેશન (નડિયાદ)માં ધર્મતત્ત્વજ્ઞાન, સમાજ અને અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, લલિત કલા અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન આપીને પરિષદે પોતાના ક્ષેત્રને વિસ્તાર્યું હતું. ગાંધીજી જેવા કર્મયોગીની છત્રછાયા અને પ્રવૃત્તિવિસ્તારથી અમદાવાદમાં ૧૯૩૬માં યોજાયેલું બારમું સંમેલન ગાંધીજીના પ્રમુખપદ અને રવીન્દ્રનાથના અતિથિવ્યાખ્યાનથી નોંધપાત્ર રહ્યું હતું.


પ્રવૃત્તિઓ
ગુજરાતી સાહિત્ય અને સંસ્કારની અભિવૃધ્ધિ તેમજ વિસ્તારને પોષવાનું પરિષદનું ધ્યેય સંસ્કૃતિના વિકાસને પણ વેગ આપી રહ્યું છે. મુંબઈથી અમદાવાદમાં પરિષદનું કાર્યાલય આવ્યા બાદ ૧૯૮૦માં એની આધુનિક અને વિશાળ મકાનની યોજના મૂર્તિમંત થઈ. જે ‘ગોવર્ધનભવન’ તરીકે ઓળખાય છે. આ અદ્યતન મકાન આશ્રમમાર્ગ ઉપર સાબરમતી નદીને પશ્ચિમ કિનારે આવેલું છે. પરિષદનું [[માસિક મુખપત્ર ‘પરબ]]’ ૫૨ વર્ષથી પ્રકાશનપ્રવૃત્તિનું મુખ્ય અંગ બનવા પામ્યું છે. ૧૯૭૮થી ૧૯૮૯ સુધી ભાષા વિવેચનનું ત્રૈમાસિક ‘ભાષાવિમર્શ’ પણ પ્રકટ થતું રહેલું.


સર્જનાત્મક કૃતિઓનું વાચન, પરિસંવાદ, પરીક્ષાઓ, ગોષ્ઠિઓ, કાર્યશિબિરો અને વ્યાખ્યાનો પરિષદપ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને છે. ગોવર્ધનભવનમાં ૩૦૦ બેઠકોવાળું અદ્યતન સભાગૃહ, સીમિત પ્રેક્ષકો માટેના પરિસંવાદખંડો છે. બહારગામથી અમદાવાદમાં આવતા કલાપ્રેમીઓ તથા સંશોધકોને એમની કામગીરીમાં સહાયરૂપ થવાના હેતુથી પરિષદનું અતિથિગૃહ ઓછા ખર્ચે ઉતારાની વ્યવસ્થા આપે છે. તેમજ ગોવર્ધનભવનમાં વિશાળ પ્રાંગણની પણ સગવડ છે જે હવે મેઘાણીપ્રાંગણ તરીકે ઓળખાય છે.


દુર્લભ સાહિત્ય
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય જાહેર ગ્રન્થાલય છે. જેને ગુજરાત સરકારે માન્યતા આપેલી છે. ગુજરાતી ભાષાસાહિત્યના સર્વે પુસ્તકો એકત્ર થઈ રહ્યાં છે. દરેક લેખક પોતાનું નવું પ્રકાશન આ ગ્રન્થાલયને ભેટ મોકલાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ગ્રન્થાલયમાં કેટલીક હસ્તપ્રતો અને ૧૯૦૦ પહેલાંના ગ્રન્થો તેમજ દુર્લભ સાહિત્યિક સામાયિકો, સંદર્ભગ્રન્થો અનેક સાહિત્યકારોના ગ્રન્થસંગ્રહો તેમજ અગ્રગણ્ય સાહિત્યકારોના ફોટોગ્રાફનો સંગ્રહ પણ સચવાય છે.

પરિષદ તરફથી ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલયનું સંચાલન પણ થાય છે. આ વિશિષ્ટ ગ્રંથાલયને ગ્રંથાલયોના કેન્દ્ર તરીકે વિકસાવવાની પણ પરિષદની નેમ છે. એમાં ગુજરાતી ભાષાસાહિત્યનાં સર્વ પુસ્તકો વસાવવાનું લક્ષ્ય છે. ગુજરાતી પુસ્તકો અને સામાયિક લેખોની વાર્ષિક સૂચિઓ, સંદર્ભસૂચિઓ પણ આ ગ્રંથાલય પ્રગટ કરશે. નવી પ્રગટ થતી સાહિત્યિક સામગ્રીનાં પ્રદશનો યોજશે અને અન્ય સંસ્થાઓ કે વ્યક્તિઓને યથાશક્ય સંદર્ભસેવા પણ આપશે. ગુજરાતી સાહિત્યનું આ નમૂનેદાર ગ્રંથાલય બને એવી અપેક્ષા છે.


૧૦૫ વર્ષનો વિકાસ
સંવર્ધક, દાતા અને આજીવન સભ્યો મળીને લગભગ સાડા ત્રણ હજાર કરતાં વધુ સાહિત્યિક સભ્યો ધરાવતી ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૦૫ વર્ષના વિકાસમાં કોઈ ને કોઈ ભૂમિકાએ અનેક સાહિત્યિકારોનો સહકાર સાંપડ્યો છે. સાહિત્ય પ્રત્યેનો પરિષદનો અભિગમ પણ ખુલ્લો છે. પરિષદનું મુખપત્ર ‘પરબ’ પરિષદના બધા સભ્યોને ભેટ તરીકે મોકલાય છે. પરિષદમાં પ્રશિષ્ટ સાહિત્ય, લોકપ્રિય સાહિત્ય, લોકસાહિત્ય, સાહિત્યિક પત્રકારત્વ-સહુને સ્થાન છે. માનદ્ સેવા આપનાર હોદ્દેદારોના પુરુષાર્થને કારણે ગુજરાતથી ઘણે દૂર આવેલાં સ્થળો પર પણ અધિવેશનો ભરાયાં છે, જેને કારણે લોકાભિમુખ થવાનો પરિષદનો સંકલ્ય પાર પાડી રહ્યો છે.

--ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૬:૪૬, ૬ મે ૨૦૧૧ (UTC)