PrajapatiHappy
.સોનાલી વિષ્ણુ શિંગટે સોનાલી વિષ્ણુ શિંગટે (જન્મ, 27 મે 1995 મુંબઈ, મહારાષ્ટ્ર) એક પ્રોફેશનલ મહિલા કબડ્ડી ખેલાડી છે. જ્યારે ભારતે 2018માં જાકાર્તામાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2019માં કાઠમંડુમાં સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે તેઓ ભારતીય ટીમનાં સદસ્ય હતાં. શિંગટે હાલમાં ભારતીય રેલવેમાં ફરજ બજાવે છે અને તેમણે નેશનલ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં રેલવેની ટીમ માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. મહારાષ્ટ્ર સરકારે તેમને રાજ્યનો સર્વોચ્ચ રમતગમત ઍવૉર્ડ શિવ છત્રપતિ ઍવૉર્ડથી સન્માનિત કર્યાં હતાં. [1]
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ શિંગટેનો જન્મ મુંબઇના લોઅર પરેલમાં થયો હતો. તેમના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને માતા ભોજનશાળા ચલાવતાં હતાં. મહર્ષિ દયાનંદ કૉલેજમાં અભ્યાસ દરમિયાન તેમણે કબડ્ડી રમવાનું શરૂ કર્યું હતું. શિંગટેએ શિવશક્તિ મહિલા સંઘ ક્લબમાં કોચ રાજેશ પડાવેના માર્ગદર્શનમાં કબડ્ડીની તાલીમ શરૂ કરી હતી. એ દિવસોમાં તેમને ગંભીર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સમયે તાલીમ માટે પગરખાં અને કિટ ખરીદવી પણ તેમના માટે શક્ય ન હતું. તે સમયે તેમના કોચ પડાવેએ તેમને પગરખાં અને કિટ લાવી આપી તેમની મદદ કરી હતી. શિંગટે રમત સાથે અભ્યાસ તરફ પણ ધ્યાન કેંદ્રિત કરતાં. શિંગટે સાંજે રમતની પ્રૅક્ટિસ કરતાં હતાં અને બીજે દિવસે સવારની પરીક્ષા માટે અડધી રાત્રે જાગીને અભ્યાસ કરતાં રહેતાં હતાં. [1] રમતના પ્રારંભિક દિવસોમાં શિંગટે તેમની ક્ષમતા કેળવવા માટે વધારાની મહેનત અને પ્રયાસ કરવા પડતા હતા. રનિંગમાં સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આથી જ તેઓ તેમના પેટ અને પગને મજબૂત કરવા માટે રનિંગ કરતાં હતાં. આ ઉપરાંત પગે વજન બાંધીને તે ઍક્સરસાઇઝ કરતાં રહેતાં હતાં. [1]
વ્યાવસાયિક કારકિર્દી શિંગટેની કારકિર્દીની શરૂઆત 2014માં થઈ હતી જ્યારે તેમણે જુનિયર સ્તરે મહારાષ્ટ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2014-15માં તેમણે જુનિયર નેશનલ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ટીમની કપ્તાની કરી સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ 2015માં ભારતીય રેલવેમાં જોડાયાં હતાં. તેમણે રેલવે માટે 64મી (2016-17),66મી (2018-19) અને 67મી (2019-20) સિનિયર નેશનલ્સમાં ગોલ્ડ અને 65મી (2017-18) સિનિયર નેશનલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. [2] રેલવેની ટીમનાં મુખ્ય રેઇડર તરીકે રમતાં શિંગટે બોનસ પોઇન્ટ જીતવાની તેમની ક્ષમતાને કારણે સારી એવી પ્રતિષ્ઠા હાંસલ કરી ચૂક્યાં છે. જાકાર્તામાં 2018 એશિયન ગેમ્સમાં તેમને ભારતની ટીમ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. આ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. 2019માં કાઠમંડુ ખાતે યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં શિંગટે પણ હતાં. [2] [3]
ઍવૉર્ડ 2020માં મહારાષ્ટ્ર સરકારે શિંગટેને રાજ્યના સર્વોચ્ચ રમતગમત ઍવૉર્ડ શિવ છત્રપતિ ઍવૉર્ડથી સન્માનિત કર્યાં હતાં.
સંદર્ભ https://www.bbc.com/gujarati/india-55710456 [1] https://www.kabaddiadda.com/news/10-things-know-about-sonali-shingate-her-25th-birthday [2] https://khelkabaddi.in/blog/2020/03/07/bonus-queen-sonali-shingate-is-definitely-a-name-to-reckon-with/ [3]
જમણી બાજુનું બૉક્સ અંગત માહિતી નામ: સોનાલી વિષ્ણુ શિંગટે નાગરિકતા: ભારતીય જન્મ: 27 મે 1995 જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર રમત : કબડ્ડી પોઝિશન: રેઇડર શિક્ષણ: ગ્રેજ્યુએટ
મેડલ પ્રતિનિધિત્વ: ભારત ગોલ્ડ: 2019, સાઉથ એશિયન ગેમ્સ, કાઠમંડુ, નેપાળ સિલ્વર: 2018, એશિયન ગેમ્સ, જાકાર્તા, ઇન્ડોનેશિયા