Jump to: navigation, search

બે-પાંચ નહીં 13 લાખની નોટો આગમાં થઈ ગઈ ભસ્મીભૂત!


ગોઝારીયામાં શિવમ કોમ્પલેકસમાં આવેલ એકિસસ બેન્કના એટીએમને ગેસ કટરથી તોડવા જતાં અચાનક લાગેલી આગમાં R ૧૩ લાખ બળીને ખાખ થઈ ગયા : આગ લાગતાં ભયભીત બનેલા તસ્કરો ખાલી હાથે પાછા ફર્યા: લાંઘણજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

ગોઝારીયા ગામે શિવમ કોપ્લેકસમાં શુક્રવાર રાત્રે બેન્કનુ એટીએમ તોડવા જતાં લાગેલી આગને કારણે તેમા ૧૩ લાખ જેટલી રકમ બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગતાં તસ્કરો ઊભી પુંછડીએ ભાગ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ અને બેન્ક સત્તાવાળાઓમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતાં પોલીસે ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામે આવેલા શિવમ કોમ્પેલકસમાં આવેલા એકિસસ બેન્કના એટીએમ ને શુક્રવારની રાત્રીએ તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યું હતું.

જોકે મશીન રાખવાની રૂમ પાછળ આવેલા ભાગમાં જઇને ગેસ કટરથી મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એટીએમની પાછળ એલ આકારમાં કેટલોક ભાગ કટરથી કાપતી વખતે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં અંદર રહેલા રૂ૧૩ લાખ જેટલી રકમ સાથે મશીન પણ સળગવા લાગતા તસ્કરો ભાગી ગયા હતા. વહેલી સવારે આ બનાવની જાણ બેન્ક સત્તાવાળાઓને થતા તેઓએ તાત્કાલિક આ બાબતે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવતા પોલીસવડા આર.જે.સવણીએ ઘટના સ્થળે દોડી ગયા હતા.

વિજાપુરમાં પણ એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો

પંદર દિવસ અગાઉ વિજાપુરના ચક્કર વિસ્તારમાં મુંકવામાં આવેલ એટીએમને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ.ચોર ટોળકીએ આ મશીન ઉચકીને બહાર લાવ્યા બાદ તેનું કેશનું ખાનું તોડવામાં નિષ્ફળ જતા ભાગી ગયા હતા.

એટીએમમાં મોટી રકમ છતાં ચોકીદાર નહી

ગોઝારીયા સ્થિત એકિસસ બેન્કના એટીએમમાં મોટી રકમ બેલેન્સ કરવામા આવતી હોવા છતા અહી ચોકીદાર રખાતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.આ અંગે પોલીસવડા આર.જે.સવાણીએ જણાવ્યું હતુ કે,રિઝર્વ બેન્કની ગાઇડ લાઇન મુજબ જ્યાં મશીન મુકવામાં આવ્યું હોય ત્યાં ત્રણ સિફ્ટમાં ચોકીદાર રાખવો ફરજિયાત છે.આ સંજોગોમાં બેન્ક સત્તાવાળાઓ નિષ્કાળજી બદલ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

સીસી કેમેરા પર ચ્યુંગમ લગાવી પુરાવાનો નાશ કર્યો એટીએમમાં પ્રવશેતંની સાથે જ તસ્કરોએ અંદર લગાવેલા બે સીસી કેમેરાઓ પર ચ્યુંગમ લગાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.તસ્કરોએ ચ્યુગમ લગાવીને પોતાની ઓળખ છુપાવવા પ્રયાસ કર્યો હતો

ઘટના સ્થળેથી પોલીસને શું મળ્યું? પોલીસને તપાસ દરમિયાન પોલીસે ગેસના બે સિલિન્ડર,ગેસ કટિંગનો સામાન,પાનું,ડિસમીસ સહિતના સાધનો મળી આવ્યા હતા.