પરવીન શાકીર

ઉર્દૂ કવયિત્રી, શિક્ષક અને પાકિસ્તાન સરકારમાં સિવિલ સેવા અધિકારી
(સભ્ય:Vijay Barot/Sandbox/પરવીન શાકીર થી અહીં વાળેલું)

પરવીન શાકીર (૨૪ નવેમ્બર ૧૯૫૨ – ૨૬ ડિસેમ્બર ૧૯૯૪) ઉર્દૂ કવયિત્રી, શિક્ષક અને પાકિસ્તાન સરકારમાં સિવિલ સેવા અધિકારી હતા.

પરવીન શાકીર
જન્મપરવીન શાકીર સઈદ
૨૪ નવેમ્બર ૧૯૫૨
કરાંચી, સિંધ, પાકિસ્તાન
મૃત્યુ૨૬ ડિસેમ્બર ૧૯૯૪
ઇસ્લામાબાદ, પાકિસ્તાન
વ્યવસાયઉર્દૂ કવયિત્રી
રાષ્ટ્રીયતાપાકિસ્તાની
શિક્ષણ
  • માસ્ટર્સ ઓફ આર્ટ્સ
  • પી.એચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાકરાંચી વિશ્વવિદ્યાલય
લેખન પ્રકારગઝલ; નઝમ
નોંધપાત્ર સર્જનોખુશ્બૂ (૧૯૭૬)
નોંધપાત્ર પુરસ્કારોઆદમજી સાહિત્યિક પુરસ્કાર (૧૯૭૬)
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ (૧૯૯૦)
જીવનસાથીસૈયદ નસીર અલી
સંતાનોસૈયદ મુરાદ અલી
વેબસાઇટ
perveenshakir.com

અંગત જીવન

ફેરફાર કરો

પરવીનનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૫૨ના રોજ કરાંચી, સિંધ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્ય અને ભાષા વિજ્ઞાનમાં કરાંચી વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.[]૧૯૮૨માં તેઓ CSSની પરિક્ષામાં ઊતીર્ણ થયાં. ૧૯૯૧માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લોક પ્રશાસન વિષયમાં એમ. એ.ની પદવી મેળવી.

તેમના લગ્ન પાકિસ્તાની ડૉ. સૈયદ નસીર અલી સાથે થયા હતા પરંતુ ટૂંકા ગાળામાં જ તેઓ અલગ થઈ ગયાં હતાં. તેમના પરિવારના અન્ય સભ્યોમાં એકમાત્ર સંતાન તરીકે પુત્ર સૈયદ મુરાદ અલીનો સમાવેશ થાય છે.

પ્રાંરભિક કારકિર્દી

ફેરફાર કરો

તેમણે યુવા વયે જ ગદ્ય અને પદ્ય (કવિતા) બન્નેમાં લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ બીના ઉપનામથી ઉર્દૂ તેમજ અંગ્રેજી દૈનિક અખબારોમાં લેખ લખતા હતા.[]પાકિસ્તાની સરકારના સિવિલ સેવા અધિકારી તરીકે સીમા શુલ્ક વિભાગમાં જોડાયા તે પહેલાં નવ વર્ષ સુધી તેઓએ શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી. ૧૯૮૬માં તેઓ ઇસ્લામાબાદમાં ફેડરલ્ બોર્ડ ઓફ રેવન્યુ (કેન્દ્રીય રાજસ્વ બોર્ડ) વિભાગમાં સચિવ તરીકે નિમણૂંક પામ્યા હતા.[]

પરવીન શાકીરએ ૧૯૭૬માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ખુશ્બૂ પ્રગટ કર્યો હતો.[] બાદમાં તેમણે સદબર્ગ (૧૯૮૦), ખુદ કલામી, ઇન્કાર (૧૯૯૦), કાફ-એ-આઇના જેવા અન્ય કેટલાક સંગ્રહો બહાર પાડ્યા હતા જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમણે દૈનિક અખબારોના લેખોનો સંગ્રહ ગોશા-એ-ચશ્મ નામથી પ્રકાશિત કર્યો હતો. સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ૧૯૯૦માં પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કાફ-એ-આઇના સિવાયની તેમની કાવ્યરચનાઓ માહ-એ-તમામ (પૂર્ણિમા) શીર્ષક હેઠળ સંગ્રહિત કરવામાં આવી છે.[]

પરવીનનું મૃત્યુ ૧૯૯૪માં એક માર્ગ અકસ્માતમાં થયું હતું.

કાવ્ય શૈલી

ફેરફાર કરો

પરવીને તેમના સાહિત્યસર્જનને મુખ્યત્ત્વે ગઝલ અને નઝમ સ્વરૂપે પ્રકટ કર્યું છે. તેમની કવિતાના મુખ્ય વિષયો પ્રેમ, નારીવાદ અને સામાજીક કલંક રહ્યા છે પરંતુ પ્રસંગોપાત અન્ય વિષયો પર પણ લખ્યું છે. તેમના કાવ્યોમાં પ્રેમ, સૌદર્ય અને તેના વિરોધાભાસોની અવધારણાઓની શોધ જોવા મળે છે.[]

પરવીનની કવિતાઓને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો હતો. તેમના અકાળે અવસાન બાદ તેમની ગણના ઉર્દૂ ભાષાના સૌથી પ્રમુખ અને શ્રેષ્ઠ આધુનિક કવિઓમાં થવા લાગી. તેમના કાવ્યોની તુલના ઇરાની કવિ ફોરોગ ફેરોખ્ઝાદ સાથે કરવામાં આવે છે. ઉર્દૂ સાહિત્યમાં મહિલા અનુભવો વ્યક્ત કરવાની પરંપરાના દ્યોતક તરીકે તેમનું આગવું સ્થાન રહેલું છે.[]

પાકિસ્તાનના વિખ્યાત સાહિત્યકાર ઇફ્તિખાર આરીફ પરવીનની પ્રશંસા કરતાં કહે છે કે, "પરવીને પોતાની વિષયગત વિવિધતા અને યથાર્થવાદી કવિતાઓના માધ્યમથી યુવા વર્ગને ખૂબ જ પ્રભાવિત કર્યો છે. એક સરળ અને પારદર્શક શૈલીમાં તેમની ભાવનાઓને અભિવ્યક્તિ આપી પ્રેમ જેવા પરંપરાગત વિષયમાં અલગ અલગ તીવ્રતા સાથે વિભિન્ન વિચારોને વ્યક્ત કરવા માટેનું શબ્દવૈવિધ્ય સર્જી એક નવો આયામ જોડ્યો છે."[]

શાકીરના પહેલા પુસ્તક ખુશ્બૂને ૧૯૭૬માં આદમજી સાહિત્યિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ૧૯૯૦માં પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[][][] તેમના અવસાન બાદ તેમના અંગત મિત્ર પરવીન કાદિર આગા દ્વારા પરવીન શાકીર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ એક વાર્ષિક સમારોહનું આયોજન કરી દર વર્ષે સાહિત્યના ક્ષેત્રે અક્સ-એ-ખુશ્બૂ પુરસ્કાર આપે છે.

શાકીરના સર્જનની કેટલીક ચૂંટેલી રચનાઓને ૨૦૧૧માં કવિ રેહાન કયૂમ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી છે.[]

૨૦૧૩માં પાકિસ્તાનના ટપાલ વિભાગ દ્વારા તેમની ૧૯મી પુણ્યતિથિએ ૧૦ રૂ.ની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[]

 
ઇસ્લામાબાદ ખાતે શાકીરનું અંતિમ વિશ્રામસ્થાન

૨૬ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ ઇસ્લામાબાદ ખાતે એક માર્ગ દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું. અકસ્માત થયેલો માર્ગ હાલ પરવીન શાકીર માર્ગ તરીકે ઓળખાય છે.[]

  • ખુશ્બૂ (૧૯૭૬)[][]
  • સદબર્ગ (૧૯૮૦),[][]
  • ખુદ કલામી (૧૯૯૦)[][]
  • ઇન્કાર (૧૯૯૦)[][]
  • માહ-એ-તમામ (પૂર્ણિમા ૧૯૯૪)[]
  • કાફ-એ-આઇના []
  • ગોશા-એ-ચશ્મ ( દૈનિક અખબારોના લેખોનો સંગ્રહ)[]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Profile of Parveen Shakir". urdupoetry.com website. 27 February 2002. મૂળ માંથી 30 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2019.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "Parveen Shakir birth anniversary". 30 May 2013. મૂળ માંથી 30 May 2013 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2019.
  3. Saadia Qamar (23 May 2014). "Parveen Shakir in the eyes of Fatema Hassan". The Express Tribune (newspaper). મેળવેલ 1 June 2019.
  4. ૪.૦ ૪.૧ Parveen Shakir's death anniversary observed Dawn (newspaper), 27 December 2016, Retrieved 1 June 2019
  5. After Parveen Shakir
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ ૬.૬ Postage Stamp to mark Parveen's death anniversary Dawn (newspaper), 23 December 2013, Retrieved 1 June 2019

બાહ્ય કડીઓ

ફેરફાર કરો