સિંહાકૃતિ

ભારતનું રાજચિન્

ભારતનું રાજ ચિહ્ન કે સિંહાકૃતિ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.

ભારતનું રાજચિહ્ન

જ્યાં ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને જ્યાં બુદ્ધ સંઘની સ્થાપના થઈ એ સ્થળે સમ્રાટ અશોકે એક સ્તંભ બંધાવ્યો. તેની ઉપર એક શિલ્પ બનાવડાવ્યું. તે શિલ્પમાં ચાર સિંહ એકબીજાની તરફ પીઠ કરી ઊભેલા છે. આ ચાર સિંહો એક વર્તુળાકાર ઓટલા પર ઊભા છે. તે વર્તુળાકાર ઓટલાની ઊભી બાજુ પર એક હાથી, દોડતો ઘોડો, એક આખલો અને એક સિંહની આકૃતિ કોતરાયેલ છે તે દરેકની વચ્ચે ધર્મચક્ર કે અશોક ચક્ર છે. આ ઓટલો એક ઉલ્ટા કરેલ કમળ આકાર પર ગોઠવાયેલ છે. આ સમગ્ર શિલ્પ એક અખંડ રેતીયા પથ્થરમાંથી કોતરાયેલ છે.

આ ચાર સિંહો (એક પાછળ હોવાથી નથી દેખાતો) એ શક્તિ, બહાદુરી, માન અને આત્મવિશ્વાસનું પ્રતીક છે, જે વર્તુળાકાર ઓટલા પર સ્થિત છે. આ ઓટલાની ચારે તરફ નાના પ્રાણીઓ છે - જે ચાર દિશાના રખેવાળ છે: ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં આખલો અને પશ્ચિમમાં ઘોડો. આ ઓટલો પૂર્ણ ખીલેલા ઉલ્ટા કમળ પર સ્થિત છે, જે જીવનનો ઉત્સ્ફૂર્ત ઝરો અને રચનાત્મકતાનું પ્રતીક છે. તેની નીચે 'સત્યમેવ જયતે' એ સૂત્ર દેવનાગરીમાં લખેલુ છે જેનો અર્થ છે 'સત્યનો જ વિજય થાય છે'.

રાજ ચિહ્ન તરીકે વપરાયેલ આકૃતિમાં ઊલ્ટા કમળનો ભાગ નથી વપરાયો. સિંહોની નીચેના ઓટલાની કેંદ્રમાં ધર્મચક્ર દેખાય છે તેની જમણી તરફ બળદ અને ડાબી તરફ દોડતો અશ્વ દેખાય છે તેની કિનારીએ બે ધર્મ ચક્રની કિનાર દેખાય છે.[]

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આ ચિહ્નને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવાયું હતું જે ભારતનો ગણતંત્ર દિવસ હતો. [].

આ ચિહ્ન દરેક સરકારી કાગળ પર હોય છે અને ભારતની ચલણી નોટો ઉપર પણ હોય છે. ભારતીય ગણરાજ્યના રાજનૈતિક અને રાષ્ટ્રીય પાસપોર્ટ, ડ્રાયવીંગ લાયસંસ પર પણ તે દેખાય છે. આ ચિહ્નના આધાર પર દેખાતું અશોક ચક્ર ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સ્થાન પામ્યું છે.

  1. "State Emeblem of India (Prohibition of Improper Use) Act, 2005, Sch" (PDF). મૂળ (PDF) માંથી 2013-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-17.
  2. "National Emblem of India". મૂળ માંથી 2009-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-17.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો