સીદીઓનું ધમાલનૃત્ય
સીદીઓનું ધમાલનૃત્ય સીદીઓ દ્વારા કરવામાં આવતા પરંપરાગત નૃત્ય, કે જેને ધમાલ તરીકે ઓળખવામાં આવે છે, તે સૂચવે છે.
નૃત્ય
ફેરફાર કરોસીદીઓની જાફરાબાદ પાસે જાંબુર ગામમાં ત્રણસો વર્ષ જૂની વસાહત છે. સીદીઓ મૂળ આફ્રિકાના વતનીઓ અને ધર્મે મુસલમાન છે; તેમણે આફ્રિકાનું ગિલ નૃત્ય જાળવી રાખ્યું છે.[૧] સીદીઓનાં ૨૫ કુટુંબો ભરૂચમાં પણ રહે છે જેમની કુલ વસ્તી ૨૦૦ જેટલી થાય છે.[૨] તેમાંથી મોટા ભાગ લોકો ખેતીનો વ્યવસ્યાય કરે છે, જ્યારે થોડા લોકો ફૂલો અને અગરબત્તીઓ વેચે છે.[૨]
"નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને એના પર લીલું કપડું વીંટાળીને" તાલબદ્ધ રીતે ખખડાવામાં આવે તેને 'મશીરા' કહેવાય છે. આ મશીરાને મોરપીંછનાં ઝુંડ અને નાનાં ઢોલકાં સાથે હાથમાં લઈને સીદીઓ ગોળાકારે આ ધમાલ નૃત્ય કરે છે.[૧] આ નૃત્યમાં સૌથી આગળ સીદીઓનો મુખી ગાતો હોય છે અને અન્યોને ગવડાવતો હોય છે. તે કૂદકો મારે અને બધાના માથે મોરપીંછનો ઝૂડો ફેરવતો જતો હોય છે.[૧]
રજની વ્યાસ અનુસાર, સીદી કોમનો અવાજ "ઘોઘારી" છે અને તેથી "સમૂહગાન વેળાએ પહાડો ને જંગલોમાંથી ઘેરા પડછંદા ઊઠતા હોય તેવું લાગે."[૧] આ નૃત્યમાં તેઓ ટૂંકા આરોહ અને અવરોહે 'હો... હો...'નો નાદ કરે છે અને જ્યારે આ બધી વસ્તુઓનું સંમિશ્રણ થાય ત્યારે જોનાર અને સાંભળનારનાં પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે.[૧]
ઇસવીસન ૨૦૧૮માં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સાથેની અમદાવાદની મુલાકાત વખતે રસ્તા પર ભરૂચથી આવેલા સીદીઓ દ્વારા આ નૃત્ય ભજવાયું હતું.[૨]