સુદર્શન ગદ્યાવલિ એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો 'સુદર્શન' અને 'પ્રિયંવદા'માં ૧૮૮૫થી ૧૮૯૮ દરમિયાન પ્રગટ કરેલાં ગદ્યલખાણોનો સંગ્રહ છે. આ લખાણોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, શિક્ષણ, સમાજસુધારણા તેમજ જીવનનાં બધા જ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરવામાં આવી છે.[૧]

સુદર્શન ગદ્યાવલિ
સુદર્શન ગદ્યાવલિનું મુખપૃષ્ઠ, પ્રથમ આવૃત્તિ, ૧૯૦૯
લેખકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
દેશબ્રિટીશ ભારત
ભાષાગુજરાતી
વિષયધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, શિક્ષણ, સમાજ સુધારણા વગેરે
પ્રકારનિબંધો
પ્રકાશક
  • હિંમતલાલ છોટાલાલ પંડ્યા
  • પ્રાણશંકર ગૌરિશંકર જોશી
પ્રકાશન તારીખ
૧૯૦૯

ઈતિહાસ ફેરફાર કરો

 
'સુદર્શન'નાં અંકમાં છપાયેલ 'સુદર્શન ગદ્યાવલિ'ની જાહેરાત

'સિદ્ધાન્તસાર' અને 'પ્રાણવિનિમય' તથા 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' જેવી સળંગ ગ્રંથરૂપે લખાયેલી કૃતિઓને બાદ કરતાં મણિલાલનું મોટાભાગનું ગદ્યપદ્યસાહિત્ય તેમનાં બે માસિકો 'પ્રિયંવદા' અને 'સુદર્શન'માં પ્રગટ થયું હતું. આ સામયિકોમાં હપ્તાવાર પ્રગટ થયેલ 'ગુલાબસિંહ' અને 'શ્રીમદભગવદગીતા' તેમજ તેમના કાવ્યો 'આત્મનિમજ્જન' નામના સંગ્રહરૂપે મણિલાલના જીવનકાળમાં જ પુસ્તકરૂપે પ્રગટ થયાં હતાં. પરંતુ તેમનું મહત્ત્વનુ પ્રદાન ગણાતા આ માસિકોમાં પ્રગટ થયેલા નિબંધો મણિલાલના મૃત્યું પછી પણ લાંબા ગાળા સુધી અપ્રગટ રહ્યાં હતાં. ૧૯૦૯માં આ નિબંધોને હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરિશંકર જોશી નામના મણિલાલના બે પ્રશંસકોએ આનંદશંકર ધ્રુવની સહાયથી 'સુદર્શન ગદ્યાવલિ' રૂપે સંગ્રહિત કરીને પુસ્તકાકારે પ્રગટ કર્યા હતાં. આ પુસ્તક જંબુસર ખાતેથી પ્રગટ થયું હતું. પુસ્તકમાં ૧૮૮૫થી ૧૮૯૮ દરમિયાન મણિલાલે લખેલ લગભગ બધા ગદ્યલેખો વિષયવાર વર્ગીકૃત કરીને મૂકવામાં આવ્યા હતા. ડબલ ક્રાઉન કદનાં ૧૧૦૦થી વધુ પૃષ્ઠો રોકે તેટલો આ લેખોનો જથ્થો હતો. આ સાથે મણિલાલના માનસ તથા સાહિત્ય ઉપર પ્રકાશ પાડે એવા આનંદશંકર ધ્રુવના બે લેખો પણ આ પુસ્તકમાં સમાવવામાં આવ્યાં હતાં.[૧]

આવકાર અને વિવેચન ફેરફાર કરો

ગુજરાતી વિવેચક વિશ્વનાથ ભટ્ટે 'સુદર્શન ગદ્યાવલિ'ને 'ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર' કહ્યો છે અને મણિલાલને અર્વાચિન યુગના ઉત્તમ નિબંધકાર કહ્યાં છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ઠાકર, ધીરુભાઇ (2008). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૨–૫૯૩. OCLC 259818465.

પૂરક વાચન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો