હરિ:ૐ આશ્રમ

સામાજિક સંસ્થા

હરિ:ૐ આશ્રમ એ જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલી એક સામાજિક સંસ્થા છે જેના દ્વારા મૌન મંદિરનું સંચાલન, આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન, લોકોમાં સાહસ જેવા ગુણોની વૃદ્ધિ થાય તેવી સ્પર્ધાઓ યોજવી, દેશના ટોચના વૈજ્ઞાનિકોને ઍવોર્ડ આપવા, ગામડાઓમાં શાળાઓના ઓરડાઓનું નિર્માણ સહિતની લોકકલ્યાણ તેમજ્ લોકોમાં ગુણ અને ભાવનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ હરિ:ૐ આશ્રમ ગુજરાતમાં સુરત અને નડીઆદ ખાતે આવેલા છે. જેની સ્થાપના પૂજ્ય શ્રી મોટા દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ ૧૯૫૫માં નડીયાદ અને ૧૯૫૬માં સુરત ખાતે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.

હરિ:ॐ આશ્રમ ટ્રસ્ટ
સ્થાપના૧૯૫૫, ૧૯૫૬
હેતુસમાજને બેઠો કરવો
મુખ્યમથકોનડીયાદ, સુરત
વિસ્તારમાં
ગુજરાત
સેવાઓલોક કલ્યાણ
ક્ષેત્રોસેવા
માલિકપૂજ્ય મોટા
વેબસાઇટhariomashram.org, hariommota.org

ભારતના ટોચના વૈજ્ઞાનિકોને અપાતા ઍવોર્ડ ફેરફાર કરો

ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે સંત પૂજ્ય મોટા દ્વારા લોકો પાસેથી રકમ એકઠી કરીને દેશના ટોચના વૈજ્ઞાનિકોને ઍવોર્ડથી સન્માનિત કરવાની શરુઆત કરાઇ હતી. આજે પણ તેમના દ્વારા સ્થપાયેલી સંસ્થા હરિ:ૐ આશ્રમ દ્વારા ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, ભારત સરકારના સહયોગથી હરિ:ૐ આશ્રમ પ્રેરિત સિનિયર સાઇન્ટિસ્ટ ઍવોર્ડ અને હરિ:ૐ આશ્રમ પ્રેરિત વિક્રમ સારાભાઇ ઍવોર્ડ અને પીઆરએલ ઍવોર્ડ આપવામાં આવે છે.[૧] હરિ:ૐ આશ્રમ મારફતે દ્વારા વિદ્યાનગર ઇન્સ્ટીટ્યુટ મારફતે યુવા વૈજ્ઞાનિક/ઇજનેર ઍવોર્ડ પણ આપવામાં આવે છે. [૨]

લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ફેરફાર કરો

પૂજ્ય શ્રીમોટા તરફથી હરિ:ॐ આશ્રમો દ્વારા નીચે મુજબની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે દાન અપાય છે:

  1. ભક્તિ પરત્વેના અને આધ્યાત્મિક સાહિત્યના મૌલિક સર્જનો.
  2. બાળકોમાં ગુણ અને ભાવ પ્રગટાવે એવી મૌલિક વાર્તાના સર્જનો.
  3. બહેનો અને માતાઓના જીવન પરત્વે સમાજના માનસમાં સદ્દભાવ, આદર અને માન પ્રગટે એવા મૌલિક વાર્તાના સર્જનો.
  4. ’જ્ઞાનગંગોત્રી’-સંદર્ભ ગ્રંથો (Book of Knowledge) નુ સર્જન. ‘બાલભારતી’ ‘કિશોરભારતી’ વિજ્ઞાન શ્રેણીના ગ્રંથો તથા સર્વધર્મી તત્વજ્ઞાનદર્શન શ્રેણીના ગ્રંથો વગેરેની પ્રકાશન યોજના.
  5. માનવ સમાજમાં સાહસ, હિંમત, પરાક્રમ, પ્રામાણીકતા, ત્યાગ, સહનશક્તિ વગેરે ગુણોની કદરભાવનાના પ્રતિક રૂપે ચંદ્રકો આપવા.
  6. સ્ત્રીઓના શરીર સુદ્રઢ બને અને તેમનામાં ગુણ તથા ભાવનાના સંસ્કાર પ્રગટે એવી સક્રિય યોજનાઓ.
  7. વિદ્યાર્થીઓમાં ગુણ તથા ભાવના પ્રગટે તેવા નિબંધોની હરીફાઈઓ.
  8. નાના નાના ગામડાઓની શાળાઓમાં ગુણ અને ભાવના પ્રગટે તેવા પુસ્તકોની વહેચણી.
  9. જુના જર્જરિત થઇ ગયેલા ઓવારાની દુરસ્તી અને સામાજિક સંસ્થાઓને સહાય.
  10. પછાત વર્ગની બહેનોમાં એસ.એસ.સી. ઈત્યાદીમાં પ્રથમ આવનારી બહેનોમાં શિષ્યવૃત્તિઓ.
  11. ખેડા જિલ્લામાં અસ્પૃશ્યતાનીવારનાનું સારામાં સારું કામ કરે તેણે દર વર્ષે ચાંદીનો મોટો શિલ્ડ.
  12. નડીયાદ, રાજપીપળા અને સુરતમાં સ્નાનાગારો, તાપી નદી અને નર્મદા નદીમાં તરણસ્પર્ધાઓ, અખિલ હિન્દ ધોરણે સમુદ્ર તરણ સ્પર્ધાઓ, રાજ્ય કક્ષાએ હોળી હરીફાઈઓ તથા મેરેથોન દોડ-રેસ યોજના.
  13. યુનિવર્સિટી દ્વારા શ્રીઅરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અને બીજી વ્યાખ્યાન માળાઓ.
  14. ફળાઉ વ્રુક્ષારોપન, પરબ, તિતિક્ષા હરીફાઈ, વિદ્યાર્થીઓને મદદ, પક્ષીઓને ચણ, દવા-મદદ વગેરે.
  15. વેદની રુચાઓના અર્થો આમજનતાને સુલભ બને તે માટેના પ્રકાશનો.
  16. વિજ્ઞાન, ખેતી, મેડીસીન, સર્જરી, ઇલેક્ટ્રોનીક્સ, પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સીઝ, ગામડા અને શહેરોમાં રસ્તા અને મજબુત મકાનોના બાંધકામ આદિ ક્ષેત્રે એન્ડાઉમેન્ટના વ્યાજમાંથી પ્રતિ વર્ષે મોટી રકમોના અખિલ હિન્દ કક્ષાએ માતબર પારિતોષિકની યોજનાઓ.
  17. વિદ્યાર્થીઓમાં શ્રમનું મહત્વ પ્રગટે ત્રષ્ટો અને કન્યા વ્યાયામ શાળાઓને ઉત્તેજન.
  18. હાઈસ્કુલ કક્ષાના છાત્રો માટે સાઈકલ અને દોડ સ્પર્ધા પારિતોષિક ટ્રસ્ટો.
  19. પર્યટનો, પર્વતારોહણો, બોટિંગ, પગપાળા પ્રવાસો અને રમતગમતો દ્વારા ગુજરાતની બધી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓમાં સાહસ, હિંમત, નીડરતા આદિ ગુણના વિકાસાર્થે જુદા-જુદા ટ્રસ્ટો અને યોજનાઓ.
  20. સંગીત-વાદ્ય-નૃત્ય અને ચિત્ર જેવી લલિત કલાઓની સ્પર્ધાની યોજનાઓ અને વાર્ષિક પારિતોષિકો.
  21. બ્રિટીશ એન્સાઈકલોપીડીઆની ઢબની કક્કાવારી કોશની ગ્રંથ શ્રેણીઓ અને ગુજરાતી સાહિત્ય કોશ.
  22. ગુજરાત સ્ટેટ કક્ષાએ બધી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે જુદા-જુદા વિષયોની પ્રતિભાશોધ અને ઉત્કર્ષ માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ દ્વારા પારિતોષિકોની યોજના.
  23. રામાયણ, મહાભારત, ભાગવત આડી ગ્રંથોની ત્રિરંગી, સચિત્ર અને સરળ શૈલીમાં વાર્તાઓના પ્રકાશન ટ્રસ્ટોની યોજનાઓ.
  24. ગુજરાત કક્ષાએ લીલીસૂકી ખેતી, બાગાયત, રેશમ અને તેના રેસા, સમુદ્રશાસ્ત્ર પુરાતત્વવિદ્યા, બાયો-જીયો-સૈલ-કેમેસ્ટ્રી, બોટની પ્લાન્ટ પેથોલોજી, ટ્રોપિકલ ડીસીસીઝ, એન્જીનીયરીંગ અને ટેકનોલોજી વિષયો, રંગ અને રંગની બનાવટો, પ્રાણવિજ્ઞાનશાસ્ત્ર આદિ જુદા-જુદા વિષયોની ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા સ્પર્ધાત્મક પારિતોષિકની યોજનાઓ.[૩]

શાળાઓના ઓરડાઓનું બાંધકામ ફેરફાર કરો

પૂજ્ય મોટાએ અવસાન સમયે પોતાના વસિયતનામા રુપે લખેલા પત્રમાં લખ્યું હતું કે, મારું કોઇ પણ ઈંટ કે ચુનાનું સ્મારક બનાવવું નહિ. આ શરીર છૂટ્યા બાદ એ નિમિત્તે જે પણ રકમ એકત્રિત થાય તેનો ઉપયોગ શાળાઓના ઓરડા બનાવવા માટે કરવો. જેથી તેમના દેહત્યાગ બાદ આ પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી જે હજુ પણ ચાલુ છે. ૨૩મી જુલાઇ ૧૯૭૬ના પૂજ્ય મોટાએ દેહત્યાગ કર્યા બાદ ૨૦૦૯ સુધીમાં જ્યાં પ્રાથમિક શાળાનો એક્પણ ઓરડો ન હોય તેવા આર્થિક પછાત ગામોને પ્રાધાન્ય આપીને કરોડો રુપિયા શિક્ષણ વિભાગને અપાયા છે. જેમાંથી ૨૦૦૯ સુધીમાં ૧૦,૦૦૦ જેટલા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું હતું.[૩]

મૌન મંદિર ફેરફાર કરો

હરિ:ૐ આશ્રમની મુખ્ય પ્રવૃત્તિ મૌન મંદિરનું સંચાલન છે. સુરત અને નડીયાદ ખાતે આવેલા હરિ:ૐ આશ્રમોમાં આ મૌન મંદિરો આવેલા છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઋષિઓ ગુફાઓમાં એકાંત સ્થળે બેસીને તપ કરતા હતા. હાલના સમયમાં તપ, જપ, સાધના કે યોગ વગેરે કરનાર એકાંતની સાથે ભોજન, પાણી જેવી આવશ્યક સેવાઓ સરળતાથી મળી રહે અને આધ્યાત્મિક સાધના કરી શકાય તે માટે આ મૌનમંદિરોમાં સાધકો પ્રવેશ મેળવે છે. તેમાં સાત અથવા તો ગમે તેટલા સપ્તાહ માટે ૯અગાઉથી કરાવેલી નોંધણી મુજબ) રહી શકાય છે. આ સમય દરમિયાન એકાંત રુમને બહારથી તાળું મારી દેવાય છે અને સાધકો બિલકુલ બહાર આવતા જ નથી. મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, વર્તમાનપત્રો, લોકોનો સંપર્ક, ટીવી, લેપટોપ વગેરેથી આ સમય દરમિયાન સંપૂર્ણ દુર રહે છે.[૪]

પુસ્તક પ્રકાશન ફેરફાર કરો

હરિ:ૐ આશ્રમ દ્વારા લોકોમાં ગુણ અને ભાવનો વિકાસ થાય તેવા અને ભાષાને લગતા પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં છે તેવો એન્સાઇક્લોપીડિયા (જ્ઞાનકોશ) ગુજરાતીમાં પણ તૈયાર થાય તે માટે પૂજ્ય મોટા દ્વારા શરુઆત કરાઇ હતી અને આ વિચારને મૂર્તિમંત કરવા માટે દાન પણ આપ્યું હતું. [૫] આ ઉપરાંત ચારવેદોનો ગુજરાતીમાં અનુવાદ કરવા પણ દાન આપીને કાર્ય કરાવાયું હતું. ગુજરાતી ભાષાના વ્યાકરણના ગ્રંથો, બાળકોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા બાળગ્રંથો, આધ્યાત્મિક ગ્રંથો વગેરેનું પ્રકાશન કરવામાં આવે છે.

સ્પર્ધાઓ ફેરફાર કરો

ગુજરાતમાં લોકોમાં સાહસ જેવા ગુણોની વૃદ્ધિ થાય તે માટે પૂજ્ય મોટા દ્વારા સમુદ્રતરણ સ્પર્ધા અને શઢવાળી હોડીની સ્પર્ધાઓ યોજવાની શરુઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં દર વર્ષે સમુદ્ર તરન સ્પર્ધા અને હોડી સ્પર્ધા યોજવામાં આવે છે.[૬]

સંદર્ભો ફેરફાર કરો

  1. ભારતીય અનુસંધાન પ્રયોગશાળાનું અધિકૃત જાળસ્થળ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન, પ્રાપ્ય; ૨ મે ૨૦૧૬
  2. ઍવોર્ડ મેળવનારા યુવા વૈજ્ઞાનિકો, ઇજનેરોની યાદી સંગ્રહિત ૨૦૨૧-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન, પ્રાપ્ય:- ૨ મે ૨૦૧૬
  3. ૩.૦ ૩.૧ હરિ:ૐ આશ્રમ. નડીયાદ, સુરત: હરિ:ૐ આશ્ર્મ. ૨ મે ૨૦૧૬. મૂળ માંથી 2013-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-02.
  4. મૌન મંદિર વિષે માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૫ ના રોજ વેબેક મશિન, પ્રાપ્ય: ૨ મે ૨૦૧૬
  5. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના જાળસ્થળ પર ઉલ્લેખ પ્રાપ્ય: ૨ મે ૨૦૧૬
  6. ચિત્રલેખા પર હરિ:ૐ આશ્રમ પ્રેરિત તરણસ્પર્ધાનો અહેવાલ[હંમેશ માટે મૃત કડી], પ્રાપ્ય: ૨ મે ૨૦૧૬

બાહ્ય કડીઓ ફેરફાર કરો