અંબારામ

રમણભાઈ નીલકંઠ કૃત નવલકથા 'ભદ્રંભદ્ર'નું પાત્ર

અંબારામ (પુરું નામ: અંબારામ કેવલરામ મોદકીયા) એ રમણભાઈ નીલકંઠ કૃત 'ભદ્રંભદ્ર' નવલકથાનું પાત્ર અને કથક (narrator) છે. અંબારામ નવલક્થાના મુખ્યપાત્ર ભદ્રંભદ્રનો સાથી, અનુયાયી, મિત્ર, સલાહકાર અને સાક્ષી છે. આ પાત્ર દ્વારા નવલકથા આત્મકથાશૈલીમાં કહેવામાં આવી છે.[]

અંબારમનું પુરું નામ અંબારામ કેવલરામ મોદકીયા છે.[] 'ભદ્રંભદ્ર' નવલકથામાં આવતા ભદ્રંભદ્રીય પાત્રો કરતા આ પાત્ર જુદુ તરી આવે છે. નવલકથામાં માત્ર અંબારામ જ 'નોર્મલ' પાત્ર છે. મોટા ભાગનાં અન્ય પાત્રો 'ઍબ્નોર્મલ છે. લેખકે આ પાત્ર દ્વારા પ્રથમપુરુષ કથનપદ્ધતિનો ઉપયોગ કરીને કથા કહી છે. આ પાત્ર વાંચકને આંખે દેખ્યો હેવાલ આપે છે.[] ભદ્રંભદ્ર માધવભાગની સભામાં પ્રયાણ કરે છે ત્યારથી અંબારામ તેનો સાક્ષી છે. પ્રવાસમાં, નિવાસમાં, અને જેલવાસમાં તે ભદ્રંભદ્રની સાથે રહે છે. તેની સેવા-ચાકરી વિના ભદ્રંભદ્રને જેલમાં અગવડ પડે, તેથી ભદ્રંભદ્ર તેને પંદર દિવસ વધુ જેલમાં રહેવાનું કહે છે.[]

ભદ્રંભદ્ર અને અંબારામ પરસ્પર વિરોધી સ્વભાવના પાત્રો છે. ભદ્રંભદ્રનું ભદ્રત્વ કે ભદ્રંભદ્રીયતા અંબારામમાં નથી. તે સ્વસ્થ અને વ્યાવહારિક છે તેમજ સ્થિર પ્રકૃતિનો છે. તે સમય અને સંજોગો પ્રમાણે કેમ વર્તવું તે જાણે છે તથા સ્વભાવે નમ્ર અને સેવાભાવી છે. ભદ્રંભદ્ર દંભી, ચંચળ, અસ્થિર, ભ્રમિતચિત્ત, મોટાઈનાં સ્વપ્નોમાં રાચનાર, શઠ અને ભોળો છે. તો બીજી તરફ અંબારામ નિખાલસ, નિર્મળ, સ્થિર, સ્વસ્થ, સુનમ્ય, વાસ્તવિક માણસ છે. તે ભદ્રંભદ્રને અણીની વેળાએ સાચી સલાહ આપી ઉગારી લે છે. તે ભદ્રંભદ્રની ક્યાંક મશ્કરી પણ કરી લે છે; તેને કટાક્ષદ્રષ્ટિએ જુએ છે અને વર્ણવે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ નવલકથા: સ્વરૂપ અને વિકાસ ('ભદ્રંભદ્ર' અને 'અશ્રુઘર'ના સવિસ્તર અભ્યાસ સહિત) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ૧૯૯૬. પૃષ્ઠ ૧૪૦–૧૪૧.
  2. બોરીસાગર, રતિલાલ; દરુ, મનોજ (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. 309. OCLC 163822128.