અરુણા આસફ અલી

ભારતીય સ્વાતંત્ર્યસેનાની

અરુણા આસફ અલી (૧૬ જુલાઇ ૧૯૦૯ — ૨૯ જુલાઇ ૧૯૯૬) ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા.

અરુણા આસફ અલી
જન્મની વિગત
અરુણા ગાંગુલી

(1909-07-16)16 July 1909
કાલકા, પંજાબ, બ્રિટીશ ભારત
મૃત્યુ29 July 1996(1996-07-29) (ઉંમર 87)
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાબ્રિટીશ ભારતીય (૧૯૦૯-૧૯૪૭), ભારત (૧૯૪૭-૧૯૯૬)
શિક્ષણ સંસ્થાસેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર
વ્યવસાય
  • રાજકીય કાર્યકર્તા
  • શિક્ષણશાસ્ત્રી
  • પ્રકાશક
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
જીવનસાથી
આસફ અલી
(લ. 1928; અવસાન ૧૯૫૩)
માતા-પિતા
  • ઉપેન્દ્રનાથ ગાંગુલી (પિતા)
  • અંબાલિકા દેવી (માતા)
પુરસ્કારોઆંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર (૧૯૬૪)
જવાહરલાલ નહેરુ પુરસ્કાર (૧૯૯૧)
પદ્મવિભૂષણ (૧૯૯૨)
ભારત રત્ન (૧૯૯૭)

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

તેમનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૦૯ના રોજ હરિયાણા (તત્કાલીન પંજાબ)ના કાલકા નામના સ્થળે એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી પૂર્વ બંગાળ (હાલ બાંગ્લાદેશ)ના વતની હતા પરંતુ તેઓ સંયુક્ત પ્રાંતમાં આવીને વસ્યા હતા. તેઓ એક રેસ્ટોરન્ટના માલિક હતા. તેમની માતા અંબાલિકા દેવી બ્રહ્મોસમાજના પ્રસિદ્ધ નેતા ત્રિલોકનાથ સાન્યાલના પુત્રી હતા.[] અરુણાના બહેન પૂર્ણિમા બેનરજી બંધારણ સભાના સભ્ય હતા.

તેમનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર અને ઓલ સેન્ટ'સ કોલેજ નૈનિતાલમાં થયો. સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. ઉંમર અને ધર્મ સંબંધે માતાપિતાના વિરોધ છતાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. (આસફ અલી મુસ્લિમ હતા અને તેમનાથી ઉંમરમાં ૨૦ વર્ષ મોટા હતા.)[]

કારકિર્દી

ફેરફાર કરો

ભારતીય સ્વતંત્રતા આંદોલન

ફેરફાર કરો

તેઓ આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અહીં તેમએ રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.

ભારત છોડો આંદોલન

ફેરફાર કરો

૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ભારત છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બ્રિટીશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ મોટા નેતાઓની ધરપકડ કરી આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. મોટા નેતાઓની ગેરહાજરીમાં ૯ ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરુણા આસફ અલીએ ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસ પક્ષનો ઝંડો લહેરાવ્યો અને આંદોલનની વિધિવત શરૂઆત કરી. પ્રત્યક્ષ નેતૃત્ત્વના અભાવ છતાં ભારતીય યુવાઓની આઝાદી મેળવવાની અદમ્ય ઇચ્છાની અભિવ્યક્તિના રૂપમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયાં. અરુણાના નામના ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યા પરંતુ ધરપકડથી બચવા તેઓ ભૂગર્ભવાસમાં ચાલ્યા ગયા અને ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી અને આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.

મેયર તથા પ્રકાશક

ફેરફાર કરો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સમાજવાદ તરફ ઝુકાવ ધરવતા કાર્યકર્તા તરીકે તેઓ કોંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય હતા. સમાજવાદ પરત્ત્વે કોંગ્રેસ પક્ષની પ્રગતિથી મોહભંગ પામીને તેઓ ૧૯૪૮માં સમાજવાદી પક્ષ સાથે જોડાયા. બાદમાં ૧૯૫૦માં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના સભ્ય બન્યા. ૧૯૫૪માં તેમણે સીપીઆઇની મહિલા પાંખના નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન બનાવવામાં મદદ કરી પરંતુ ૧૯૫૬માં નિકિતા કુશ્ચેવ સ્ટાલીનથી વિમુખ થતાં તેમણે પણ આ પક્ષ છોડી દીધો. ૧૯૫૮માં તેઓ દિલ્હીના મેયર બન્યા. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ અને વિકાસ માટે કૃષ્ણ મેનન, વિમલા કપૂર, ગુરુ રાધા કિશન, પ્રેમસાગર ગુપ્તા, સરલા શર્મા, સુભદ્રા જોશી જેવા સમકાલીન સામાજીક અને ધર્મનિરપેક્ષ કાર્યકર્તાઓ સાથે નિકટતાથી જોડાયેલાં રહ્યાં.

તેમણે નારાયણન સાથે મળીને લિંક પબ્લીકેશનની શરૂઆત કરી તથા તે જ વર્ષે દૈનિક સમાચારપત્ર પેટ્રીઓટ અને સાપ્તાહિક લિંકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું. જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેનન તથા બીજુ પટનાયક જેવા નેતાઓના સંરક્ષણને પરિણામે પ્રકાશન પ્રતિષ્ઠિત બનતું રહ્યું. બાદમાં આંતરિક રાજનીતિને કારણે તેઓ પ્રકાશનથી અલગ થઈ ગયાં. ૧૯૬૪માં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહ્યા.

૨૯ જુલાઇ ૧૯૯૬ના રોજ ૮૭ વર્ષની ઉંમરે દિલ્હી ખાતે તેમનું અવસાન થયું.[]

પુરસ્કાર અને સન્માન

ફેરફાર કરો

અરુણા આસફ અલીને ૧૯૬૪માં આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર[] તથા ૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય સમજ માટે જવાહરલાલ નહેરુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.[] ૧૯૯૨માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં તથા ૧૯૯૭માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યાં.[] ૧૯૯૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. નવી દિલ્હીમાં તેમના સન્માનમાં એક માર્ગનું નામ અરુણા આસફ અલી માર્ગ આપવામાં આવ્યું છે. અખિલ ભારતીય અલ્પસંખ્યક મોરચો પ્રતિવર્ષ ડૉ. અરુણા આસફ અલી સદ્‌ભાવના પુરસ્કાર વિતરીત કરે છે.

  1. G. N. S. Raghavan (1999). Aruna Asaf Ali: A Compassionate Radical. National Book Trust. ISBN 9788123727622.
  2. Radha Kumar (1993). The History of Doing: An Illustrated Account of Movements for Women's Rights and Feminism in India, 1800–1990. Zubaan. પૃષ્ઠ 68. ISBN 9788185107769.
  3. Singh, Kuldip (31 July 1996). "Obituary: Aruna Asaf Ali". The Independent. મેળવેલ 21 August 2015.
  4. "Lenin Peace Prize". The Item. 14 August 1965. મેળવેલ 18 July 2018.
  5. "List of the recipients of the Jawaharlal Nehru Award". ICCR website. મૂળ માંથી 5 July 2010 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2010.
  6. "Padma Awards Directory (1954–2007)" (PDF). Ministry of Home Affairs. મૂળ (PDF) માંથી 10 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2010.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો