આખ્યાન

મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર

સાબદી

વ્યુત્પત્તિ અને વ્યાખ્યા

ફેરફાર કરો

આખ્યાન એટલે સંસ્કૃતમાં કહેવું અથવા વર્ણન કરવું. ૧૨મી સદીના સાહિત્યકાર હેમચંદ્રાચાર્યએ તેમના કાવ્યાનુશાસનમાં તેની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે આખ્યાન એટલે ધાર્મિક પુસ્તકની ઉપકથા જેને ગ્રંથિક અથવા વ્યવસાયી કથાકાર દ્વારા ગાયન અને નાટક દ્વારા પ્રેક્ષકો સમક્ષ રજુ કરવું. જોકે આ વ્યાખ્યામાં બિનધાર્મિક કથાઓ જેવી કે નરસિંહ મહેતાની કથાના પઠનનો સમાવેશ થતો નથી. ટૂંકમાં, આખ્યાન એટલે કથાકાર દ્વારા ધાર્મિક હેતુથી પ્રેક્ષકોને ગાયન અને નાટ્યશૈલીથી કથા સંભળાવવી. ડોલરરાય માંકડે તેને કવિતાનો એવો પ્રકાર જણાવ્યો છે જેમાં સંગીતસુરો અને નાટ્યનો અવકાશ હોય.[૧]

આખ્યાનના વાંચનાર પાઠક અથવા વ્યવસાયી કથાકારને માણભટ્ટ અથવા ગાગરિયાભટ્ટ કહે છે. તેઓ કાવ્યને સંગીતસૂરબદ્ધ કરે છે અને સાથે સાથે બેઠાબેઠા એકપાત્ર અભિનય પણ કરે છે. તેઓ આંગળીઓમાં પહેરેલી વીંટીઓ વડે ઊંધા તાંબાના માટલા પર ઠપકારથી સૂર પેદા કરતા જાય છે. આથી જ તેમનું નામ માણ અથવા ગાગર પરથી આવ્યું છે જેનો અર્થ માટલું થાય છે.[૧][૨]

આખ્યાનોનું પઠન માત્ર બ્રાહ્મણ જ્ઞાતિના માણભટ્ટ દ્વારા જ થતું હતું જેથી અન્ય જ્ઞાતિના લેખકો દ્વારા લખાતા આખ્યાનો તેમને પઠન માટે આપવામાં આવતા હતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નાકર આવા જ એક બ્રાહ્મણ સિવાયના વાણિયા લેખક હતા.[૧]

આ રચનાઓ મોટે ભાગે પૌરાણિક કથાઓ અને રામાયણ, મહાભારત અને ભાગવત જેવા મહાકાવ્યોના ધાર્મિક પ્રસંગો પર આધારિત હોય છે. ક્યારેક બિનપૌરાણિક પ્રસંગો જેવા કે નરસિંહ મહેતા જેવા ધાર્મિક વ્યક્તિત્વના જીવન પ્રસંગો આધારિત રચનાઓનું પણ પઠન થતું.[૧][૨]

આખ્યાનના પ્રકરણો હોય છે જેને કડવું કહે છે. જેનો ઉચ્ચાર "કડ઼વું" (કળવું) એમ થાય. કડવું શબ્દ સંસ્કૃત શબ્દ કડવક પરથી આવ્યો છે જેનો અર્થ 'જુદા જુદા સંગીતસૂર અને પદરચના ધરાવતી પંક્તિઓના સમૂહમાંથી તારવેલું' એવો થાય છે. જેની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય.[૩] આ રચના પદ્ય રચના છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી હોય છે.[૩]

દરેક કડવું ત્રણ ભાગમાં વિભાજીત હોય છે: મુખબંધ એટલે કે પરિચય, પ્રસ્તાવના કે આમુખ. ઢાળ એટલે કે વર્ણન. વલણ એટલે કે સારાંશ. મુખબંધ એ શરૂઆતની બે પંક્તિઓ છે જે પઠનના વિષય અથવા પ્રસંગની પ્રસ્તાવના બાંધે છે. ઢાળમાં પ્રસંગને લંબાણપૂર્વક વર્ણવવામાં આવે છે. વલણ એ છેલ્લી બે પંક્તિ છે જેમાં પ્રથમ પંક્તિમાં જે વર્ણન થઇ ગયું તેનો સારાંશ હોય છે અને બીજી પંક્તિમાં હવે જેનું વર્ણન થવાનું છે એનો સારાંશ હોય છે. તમામ આખ્યાન આ ત્રણ ભાગમાં વર્ણવવામાં આવે છે. કેટલીક વખત જયારે ભાવુક પ્રસંગ હોય ત્યારે આખ્યાનના વર્ણન અને પઠન વચ્ચે પદ કાવ્યરચનાઓનો પણ ઉપયોગ થાય છે.[૧]

આખ્યાન ધાર્મિક કાવ્યપ્રકાર સાથે સંકળાયેલ છે તેથી આખ્યાનની શરૂઆત વિધ્નહર્તા ગણેશની સ્તુતિથી થાય છે. ત્યારબાદ જ્ઞાનની દેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ માણભટ્ટ જેનું પઠન કરવાનું હોય તે પૌરાણિક, મહાકાવ્ય આધારિત કે ધાર્મિક વ્યક્તિત્વના જીવન આધારિત પ્રસંગની પ્રસ્તાવના બાંધે છે. સંપૂર્ણ પ્રસંગનું વર્ણન થઇ જાય પછી અંતે રચયિતા કે પાઠક અંગેની માહિતીનું પઠન થાય. તેમાં લેખકનું નામ, રચનાનો સમય, કેટલીક આત્મચરિત્રાત્મક માહિતી જેવી કે તેમનું નિવાસસ્થળ, પિતા અથવા ગુરુનું નામ, પરિવારની માહિતી વગેરે જણાવવામાં આવે છે. સૌથી અંતે એક કે તેથી વધુ ફલશ્રુતિ, એટલે કે આખ્યાન સાંભળવાથી થતા લાભ, જણાવવામાં આવે છે. ફલશ્રુતિનો આશય પ્રેક્ષકોને આકર્ષવાનો છે. તેમાં ઘણીવાર પ્રેક્ષકોને તમામ પાપોના નાશ, મોક્ષ, શારીરિક તકલીફોનો અંત, સંતાનજન્મ અને ધનપ્રાપ્તિના વચન આપવામાં આવે છે. કેટલીકવાર કથનને વિશ્વસનીય જતાવવા કથનના મૂળ સ્ત્રોતની, કેટલીકવાર સર્ગ કે કાંડ સહિત, માહિતી આપવામાં આવે છે. કથન પૌરાણિક કથાઓ કે મહાકાવ્યોમાંથી લેવામાં આવ્યું હોવા છતાં તેમાં પ્રેક્ષકોને રસ ઊભો કરવા કે મનોરંજન માટે જુદી રીતે પણ રજુ કરવામાં આવતી. કેટલીકવાર વર્તમાનને અનુરૂપ બનાવવા કથનમાં ફેરફાર કરી વર્તમાનમાં ચાલતી પ્રથાઓ અને સંસ્કૃતિ ઉમેરવામાં આવતી. તમામ આખ્યાનોનો અંત સંસ્કૃત નાટ્યશાસ્ત્રની માફક  સુખદ જ હોય.[૧]

આખ્યાનની લંબાઈમાં ઘણું વૈવિધ્ય છે જેમકે સુદામાચરિત ત્રણથી ચાર કલાકમાં પૂર્ણ થઇ જાય તો નળાખ્યાન કેટલાય દિવસો સુધી ચાલે.[૧]

બારમી સદીમાં હેમચંદ્રાચાર્ય દ્વારા કાવ્યાનુશાસનમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૫મી સદીના કવિ ભાલણે ઘણા આખ્યાનની રચના કરી હતી જેમાં ખુબ જ જાણીતા નળ-દમયંતીની કથા આધારિત નળાખ્યાનનો સમાવેશ થાય છે. ૧૬મી સદીના કવિ નાકર બ્રાહ્મણ ન હોય તેવા જુજ આખ્યાન કવિ હતા. સત્તરમી સદીમાં ભોજા ભગત અને શામળ ભટ્ટે આખ્યાનો લખ્યા હતા. સત્તરમી સદીના કવિ વીરજીએ બલિરાજાનું આખ્યાન લખ્યું હતું. સોળમી અને સત્તરમી સદી આખ્યાનનો સુવર્ણ યુગ હતો. તે સમયના તેના સૌથી જાણીતા માણભટ્ટ પ્રેમાનંદ ભટ્ટ હતા. તેમણે કૃષ્ણ પુત્ર અનિરુદ્ધ અને ઉષાની કથા આધારિત ઓખાહરણની રચના કરી હતી.[૧][૪] ત્યારબાદ આખ્યાન પરંપરાનો લોપ થવા લાગ્યો અને ઓગણીસમી સદીના અંત સુધીમાં તો તે લગભગ વિલુપ્ત થઇ ગઈ. અંતે આધુનિક સમયના કેટલાક કવિઓ જેવા કે બાલમુકુન્દ દવેએ કાવ્યપ્રકાર સ્વરૂપે આખ્યાનો લખ્યા પરંતુ તેના જાહેર કથન-મંચન ક્યારેય પુનર્જીવિત ન થયું.

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; agનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. ૨.૦ ૨.૧ Mukherjee, Sujit (૧૯૯૯). A Dictionary of Indian Literature: Beginnings-1850. Orient Blackswan. ISBN 8125014535.
  3. ૩.૦ ૩.૧ ભ.ગો.મં./કડવું
  4. Dalal, Roshen. Hinduism: An Alphabetical Guide. પૃષ્ઠ ૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો