ભારતમાં આવીને હિંદુઓ સાથે ભળી ગયેલા પારસીઓનો ધર્મ અનોખો છે. કેટલાક પારસીઓની લગ્ન રીત ઉમરગામ તાલુકામાં સ્થાનિક લોકો તથા હિંદુ સંસ્કૃતિથી મળતી આવતી હોય છે. હિંદુ બ્રાહ્મણો જે રીતે જનોઇ પહેરે છે, તેવી જ રીતે પારસીઓ પણ પોતાના ધાર્મિક રીત રીવાજ મુજબ જનોઇ પહેરતા હોય છે. તેઓએ જનોઇને કસ્તી તરીકે ઓળખે છે.


બાળક ૬થી ૯ વર્ષનું થયા બાદ પારસીઓ પોતાના છોકરા કે છોકરીને પારસી ધર્મ ક્રિયા મુજબ નવજોતની ઉજવણી કરતા હોય છે. નવજોત એટલે પારસીઓ પોતાના બાળકને પારસી કોમમાં સ્વીકારે તેના માટેની ધાર્મિક ક્રિયા. આ પરંપરાગત વિધિ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. અગિયારીમાંના દસ્તુરજી (ધર્મગુરુ) નવજોત દરમિયાન ભણીને પહેલા સદરો પહેરાવ્યા બાદ કસ્તી પહેરાવવામાં આવતી હોય છે. સદરો એટલે કે મખમલની કફની સફેદ રંગની પારસી કોમમાં કસ્તી અહીં મહત્વ ધરાવતી ચીજ છે. જે નવજોત બાદ મરણ સુધી સાથે રહે છે.


કસ્તી એટલે ધેટાના ઉનમાંથી વિશેષ રીતે કાંતીને તૈયાર કરવામાં આવતી સફેદ રંગની જનોઇ. કસ્તી બનાવવા માટે ખૂબજ કુશળતા હોવી જરૂરી છે. કસ્તી તૈયાર કરવામાં વિશેષ સાધનોમાં સીસમના લાકડામાંથી બનાવેલ જણતર, ચાત્રી, ચાતરડો, કતેલી વગેરે સાધનો વાપરવામાં આવતાં હોય છે. કસ્તી ૬થી ૭ ગજ (અંદાજે ૨૮થી ૩૦ ઇંચ) બનાવવામાં આવતી હોય છે. તેમજ જાડી-પાતળી બનાવાતી હોય છે.


કસ્તી પારસીઓ માટે ખૂબજ અગત્યની છે. પારસીઓ જાતે અગિયારીમાં જતા હોય છે, ત્યારે અંદર આવેલ ધાર્મિક મકાનમાં પ્રવેશતા પહેલા ભણીને કસ્તી કરી અંદર જવું પડે છે. તો બીજી તરફ પારસીઓની ખૂટતી જતી સંખ્યાના કારણે આવનારા દિવસોમાં કસ્તી કોણ પહેરશે અને કોણ બનાવશે તેની પણ ચિંતા સેવાઇ રહી છે.