કૃષ્ણાગિરિ
કૃષ્ણાગિરિ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના કૃષ્ણાગિરિ જિલ્લામાં આવેલું નગર છે. કૃષ્ણાગિરિ નગર ખાતે કૃષ્ણાગિરિ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. કૃષ્ણાગિરિ શહેર બેંગલોરથી ૭૦ કિલોમીટર, હોસુરથી ૪૫ કિલોમીટર તેમ જ પોલુપલ્લી-કુંદારાપલ્લીથી ૭ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. કેરી આ જિલ્લાનું મુખ્ય ખેત ઉત્પાદન છે તેમ જ આ શહેર કેરીનું જન્મસ્થળ તરીકે દક્ષિણ ભારતમાં જાણીતું છે. અહીંની જમીન ખુબ જ ફળદ્રુપ, પિયતની સગવડવાળી તેમ જ ખેતી માટે સાનુકૂળ છે.
કૃષ્ણાગિરી એ બે શબ્દો કૃષ્ણ અને ગિરી મળીને બન્યો છે. કૃષ્ણ એટલે કાળા રંગનો અને ગિરીનો મતલબ પહાડ એવો થાય છે. આમ કૃષ્ણાગિરીનો શાબ્દિક અર્થ કાળો પહાડ એમ થાય છે. અહિયાં કાળા ગ્રેનાઇટ પથ્થરોના પહાડો આવેલા છે. આ કારણથી આ શહેરનું નામ કૃષ્ણાગિરી પડ્યું છે. આ નામ પાછળ એક અન્ય વાયકા પણ પ્રચલિત છે. આ ક્ષેત્ર એક સમયમાં વિજયનગરના શાસક કૃષ્ણદેવ રાયના સામ્રાજ્યનો એક ભાગ હતો. આથી આ સ્થાનનું નામ એમના નામ પરથી કૃષ્ણાગિરી પડ્યું છે.
કૃષ્ણાગિરિ ઝડપથી વિકસી રહેલું શહેર છે, અહીં ધંધાકીય તેમ જ રહેઠાણક્ષેત્રે વિકાસ જોવા મળે છે. અહીં આવેલા કૃષ્ણાગિરિ બંધ ખાતે વર્તમાન સમયમાં વિસ્તાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. અહીં નજીકમાં આવેલા પોલુપલ્લી ખાતે લઘુ ઉદ્યોગોનો વિસ્તાર આવેલો છે. રહેઠાણ માટેની વસાહતો તેમ જ સંકુલોના બાંધકામને કારણે જમીનની કિંમતમાં ભારે વધારો થયો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |