ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા છે. ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય ઉપજાવવા, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી રણજિતરામ મહેતાના પ્રયત્નોથી ઈ.સ. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.

ગુજરાતી સાહિત્ય પરિષદ
Formation૧૯૦૫
Founderરણજિતરામ મહેતા
Location
  • અમદાવાદ, ગુજરાત, ભારત
Coordinates23°02′02″N 72°34′16″E / 23.0339°N 72.5710°E / 23.0339; 72.5710
Leaderપ્રકાશ ન. શાહ[૧]
Websitewww.gujaratisahityaparishad.com
ગુજરાતી સાહિત્ય પરિષદનું મકાન
પરિષદ ખાતેનો રા. વિ. પાઠક હૉલ

પ્રથમ સંમેલનફેરફાર કરો

અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાત બહાર કરાંચી, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, પૂના, કોઈમ્બતૂર જેવાં અનેક સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ જ્ઞાનસત્રો અને ૪૫ અધિવેશનો (સંમેલનો) યોજાઈ ગયાં છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ થયા બાદ અનેક મૂર્ધન્ય સાહિત્યકારો તેમજ ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખપદે રહી ચૂકયા છે.

બંધારણફેરફાર કરો

અમદાવાદ પછી મુંબઈ, રાજકોટ, વડોદરા, સુરત અને સુરતની યાત્રા પછી પરિષદનું ફરીવાર ઈ.સ. ૧૯૨૦માં અમદાવાદમાં છઠ્ઠું અધિવેશન મળ્યું ત્યારે, એક પ્રયોગ તરીકે એમાં સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એમ ત્રણ વિભાગો રાખવામાં આવ્યા હતાં અને તેમાં વિભાગીય પ્રમુખ તરીકે રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર અને સાંકળચંદ શાહની વરણી થઈ હતી. પરિષદના જીવનનો આ પહેલો વળાંક હતો. ૧૯૨૦ સુધીમાં સ્વ. રણજિતરામ પરિષદના પ્રેરક ચાલક બળ હતા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી રમણભાઈ નીલકંઠ અને શ્રી આનંદશંકર ધ્રુવનું નેતૃત્વ મળ્યું ત્યાર બાદ પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાં આવ્યું તે છેક ૧૯૫૫ સુધી રહ્યું. ૧૯૫૫માં પરિષદે લોકશાસનની પ્રણાલિકા અપનાવી અને બંધારણ નિર્ધારિત કર્યું.

ક્ષેત્રવિસ્તારફેરફાર કરો

મુખ્યત્વે સંમેલનો અને જ્ઞાનસત્રોમાં નિબંધવાંચન ઉપરાંત પુસ્તકો અને સામયિકોનાં પ્રદર્શનો, પાદપૂર્તિ, મુશાયરાઓ જેવાં વિભાગો શરૂઆતથી જ વિકસતાં જતાં હતાં અને સાથેસાથે પુસ્તકપ્રકાશનપ્રવૃત્તિ પણ એકંદરે સંતોષકારક હતી. ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં પ્રથમ વખત સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાનના વિભાગો ઉપરાંત જૈન વિભાગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. નડીઆદમાં યોજાયેલા ૯માં અધિવેશનમાં ધર્મતત્ત્વજ્ઞાન, સમાજ અને અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, લલિત કલા અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન આપીને પરિષદે પોતાના ક્ષેત્રને વિસ્તાર્યું હતું.

પ્રવૃત્તિઓફેરફાર કરો

 
બુધ સભા

૧૯૮૦માં પરિષદનું કાર્યાલય મુંબઈથી ખસેડીને અમદાવાદ લાવવામાં આવ્યું જ્યાં ગોવર્ધન ભવન તરીકે ઓળખાતા અદ્યતન મકાનમાં આજે પણ સંસ્થાઓની પ્રવૃત્તિઓ ચાલે છે. સંસ્થાનું આ મુખ્યાલય અમદાવાદ શહેરના આશ્રમ માર્ગ ઉપર સાબરમતી નદીને પશ્ચિમ કિનારે આવેલું છે. પરિષદનું માસિક મુખપત્ર પરબ ૫૨ વર્ષથી પ્રકાશન પ્રવૃત્તિનું મુખ્ય અંગ રહ્યું છે. ૧૯૭૮થી ૧૯૮૯ સુધી ભાષા વિવેચનનું ત્રૈમાસિક ‘ભાષાવિમર્શ’ પણ પ્રકટ થતું રહેલું.

સર્જનાત્મક કૃતિઓનું વાચન, પરિસંવાદ, પરીક્ષાઓ, ગોષ્ઠિઓ, કાર્યશિબિરો અને વ્યાખ્યાનો પરિષદપ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને છે. ગોવર્ધનભવનમાં ૩૦૦ બેઠકોવાળું અદ્યતન સભાગૃહ અને સીમિત પ્રેક્ષકો માટેના પરિસંવાદ ખંડો છે. બહારગામથી અમદાવાદમાં આવતા કલાપ્રેમીઓ તથા સંશોધકોને એમની કામગીરીમાં સહાયરૂપ થવાના હેતુથી પરિષદનું અતિથિગૃહ ઓછા ખર્ચે ઉતારાની વ્યવસ્થા આપે છે. તેમજ ગોવર્ધન ભવનમાં વિશાળ પ્રાંગણની પણ સગવડ છે જે હવે મેઘાણી પ્રાંગણ તરીકે ઓળખાય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં. ગ્રંથાલય જાહેર ગ્રંથાલય છે જેને ગુજરાત સરકારે માન્યતા આપેલી છે. અહીં ગુજરાતી ભાષાસાહિત્યના સર્વે પુસ્તકો એકત્ર થઈ રહ્યાં છે. આ ગ્રંથાલયમાં કેટલીક હસ્તપ્રતો અને ઈ.સ. ૧૯૦૦ પહેલાંના પુસ્તકો તેમજ દુર્લભ સાહિત્યિક સામાયિકો, સંદર્ભગ્રંથો અનેક સાહિત્યકારોના ગ્રંથસંગ્રહો તેમજ અગ્રગણ્ય સાહિત્યકારોના ફોટોગ્રાફનો સંગ્રહ પણ સચવાય છે.

દર બુધવારે પરિષદના "વિશ્વ કવિતા કેન્દ્ર" ખાતે બુધ સભા નામની કાર્યશાળા ચાલે છે જે નવોદિત કવિઓને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Prakash N Shah elected as new President of Gujarati Sahitya Parishad". DeshGujarat. 23 October 2020. મેળવેલ 25 October 2020.

બાહ્ય કડીઓફેરફાર કરો