નાનપણથી જ વાચનના શોખીન અને પહેલેથી જ કુદરતના સાનિધ્યમાં રહેનાર ધૂમકેતુ (ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી: ઇ.સ. ૧૮૯૨ થી ઇ.સ. ૧૯૬૫)નો ‘પ્રથમ પ્રેમ’ ટૂંકી વાર્તા લેખનનો હતો. વાર્તા લેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને તેમને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ બનાવ્યા. ૧૯૨૬ માં તેમનો ‘તણખા’ નામે વાર્તા સંગ્રહ પ્રગટ થયો અને ગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન થયું. લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી.

જીવનફેરફાર કરો

વ્યક્તિવિકાસના તબક્કા ધૂમકેતુ ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા બનેલા કથાસર્જક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ ઇ.સ. ૧૮૯૨ માં સૌરાષ્ટ્રમાં આવેલા ગુજરાતના પ્રખ્યાત સંત શ્રી જલારામબાપાવાળા વીરપુર ગામમાં થયો હતો. સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતના સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિના સૌંદર્યને માણતા ગૌરીશંકરને આમ પહેલેથી જ કુદરત તરફ સહજ અનુરાગ બંધાયો હતો. વીરપુરમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી અંગ્રેજી ચોથી કરવા બીલખા ગયા. અંગ્રેજી પાંચમી ચોપડી કરવા જેતપુરમાં અને છઠ્ઠી ચોપડી કરવા પોરબંદરમાં ગયા. ત્યાંથી જ તેમણે ૧૯૧૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેટ્રિક થયા ત્યાં સુધીમાં તેમણે ઘરમાં કારમી ગરીબીનો અનુભવ કર્યો હતો. કૌટુંબિક પરિસ્થિતિ ઘણી સંઘર્ષમય છતાં અભ્યાસની સાથે સાથે અથવા રજાઓમાં છૂટક નોકરી કરતા રહી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તેમણે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન જૂનાગઢ પાસે આવેલ બીલખા આનંદ આશ્રમના શ્રી મન્નથુરામ શર્માના સાનિધ્યમાં તેમને આવવાનું થયું અને અહીં તેમને અભ્યાસ, મનન અને ચિંતનની સુંદર તક મળી. લેખક - સર્જનની એક પરોક્ષ ભૂમિકા અહીં જ સર્જાઇ ગઇ. રવીન્દ્રનાથ ટાગોર તથા ખલીલ જિબ્રાનના અધ્યાત્મસભર તત્વચિંતનના પુસ્તકોએ પણ તેમને પ્રેરણાબળ પૂરું પાડ્યું. પોતાને પ્રાપ્ત અવલોકન અને અનુભવનું ભાથુ બાંધી ગૌરીશંકર અમદાવાદ આવ્યા ત્યારે શરૂઆતમાં અંબાલાલા સારાભાઈને ત્યાં અને બે - ત્રણ વર્ષ પછી ચિનુભાઈ ર્બરોનેટને ત્યાં ખાનગી શિક્ષક તરીકે તેમણે કામ કર્યુ. અંબાલાલા સારાભાઈને ત્યાંના સમૃદ્ધ પુસ્તકાલયનો તેમને લાભ મળ્યો અને અહીં જ પ્રવાસની પણ નવી તક મળી. આ કુટુંબો સાથે ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇને તેમને કુદરતના સાનિધ્યનો અને નિસર્ગશ્રીનો જે નિકટતાથી અનુભવ થયો તે રંગદર્શી પ્રકૃતિના ધૂમકેતુના જીવનમાં ચિરસ્થાયી બન્યો, તથા ભાવિસર્જન માટેનું પ્રેરણાબળ બની રહ્યો. આ દરમિયાન જ તેમને રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી અને પંડિત મનમોહન માલવિયાને મળવાની તક પ્રાપ્ત થઇ. અહીં જ તેમને ચિત્ર, શિલ્પ, સંગીત અને નાટક ક્ષેત્રના ઉત્તમ શિક્ષકોનો નિકટતાથી પરિચય. થયો. ગુજરાતના કલાગુરૂ શ્રી રવિશંકર રાવલ તેમના નિકટના મિત્ર હતા. આમ, સર્જક ધૂમકેતુના વ્યક્તિત્વ - ઘડતરનાં અનેક પરિબળો રહ્યા છે. તેઓ સ્વમાની, સમભાવશીલ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની અને એકલવિહારી પણ હતા. ટૂંકી વાર્તા - નવલિકાના સર્જક તરીકે તેમને ચિરંજીખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને ઇ.સ. ૧૯૬૫ માં તેમનું અવસાન થયુ હતુ.

સાહિત્ય સર્જનફેરફાર કરો

‘તણખા - મંડળ : ૧ થી ૪’, ‘અવશેષ’ , ‘પ્રદીપ’ , ‘વનકુંજ’ , ‘ચંદ્રરેખા’ , ‘છેલ્લો ઝબકારો’ વગેરે મળી પચીસ જેટલા વાર્તાસંગ્રહો : ‘ચૌલાદેવી’, ‘આમ્રપાલી’, ‘મહામાત્ય ચાણક્ય’, ‘પ્રયદર્શી અશોક’, ‘અવંતીનાથ’, વગેરે મળી ૩૫ જેટલી નવલકથાઓ : ‘પડઘા’ , ‘ઠંડી કૂરતા’ , ‘એકલવ્ય’ વગેરે નાટકો ઉપરાંત જીવનચરિત્ર, આત્મવૃતાંત, ચિંતન, સંપાદન, બાળસાહિત્ય, અનુવાદ એમ વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જીને સવાસો ઉપરાંત પુસ્તકો ધૂમકેતુએ આપ્યા છે.

નવલિકાઓફેરફાર કરો

તણખા, પોસ્ટ ઓફિસ, ભૈયાદાદ, જન્મભૂમિનો ત્યાગ, પ્રેમાવતી, મદભર નેનાં, હૃદય પલટો, સોનેરી પંખી, રજપૂતાણી, મશહૂર ગવૈયો, એક ભૂલ, આંસુની મૂર્તિ, એક ટૂંકી મુસાફરી, લખમી, જીવનનું પ્રભાત, ગોવિંદનું ખેતર, જેવી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહે તેવી છે. તેમની વાર્તાઓમાં વૈવિધ્ય ઘણું છે. ગ્રામજીવન, સમાજના નીચલા સ્તરના અવગણાયેલ માનવીઓને તેમની વાર્તાઓમાં સ્થાન મળ્યું તે એક કલા સર્જકની આંતરિક જરૂરિયાત અને પીડિતશોષિત લોકો પ્રત્યેના હમદર્દીભર્યા વલણમાંથી પ્રાપ્ત થયેલ છે. ધૂમકેતુની આ પાત્ર સૃષ્ટિ અને ગ્રામ જીવન પ્રત્યેનો અભિગમ એ સર્જકની માનવી માત્રા પ્રત્યેની વિશાળ ભીની ભીની લાગણીનો સહૃદય વાચકોને અનુભવ કરાવે છે. ટૂંકી વાર્તા એ ક્ષણાર્ઘની લીલા છે. ધૂમકેતુએ પોતાના આરંભકાળના વાર્તા સંગ્રહોને ‘તણખા’ નામ આપવાનું વિચાર્યુ. ટૂંકી વાર્તા એટલે તણખો - ઊર્મિ અને વિચારનો. તેમની વાર્તામાં પ્રેમ, સ્વાતંત્ર્ય, દલિલપ્રીતિ, કલાપ્રેમ, માનવસ્વભાવ, ધર્મ, પ્રકૃતિ વગેરે પ્રત્યેનો અનુરાગ એ વિષય બનીને આવે છે. જેવું વિષય વૈવિધ્ય છે એવી જ ભાતીગળ એમણે આપેલી પાત્રસૃષ્ટિ છે. હિમાલયની ગિરીકંદરાથી માંડી છેક ગ્રામ જીવનની નિકટ પહોંચી જતું વાર્તા સર્જનને ઉપકારક આલેખન ધૂમકેતુ સફળતા પૂર્વક કરી શકે છે. ધૂમકેતુ પ્રકૃતિએ રંગદર્શી કલાકાર છે. તેમની પાત્ર પસંદગી તેમની આસપાસના વાતાવરણમાંથી થતી જોવા મળે છે. એક કલાકાર હોવાથી ધૂમકેતુ કરુણ પરિસ્થિતિને વધુ કરુણ બનાવવા પ્રયાસ કરે છે. તેમની અવલોકન શક્તિ ગજબની છે. તેમણે નિહાળેલ માનવીના રૂપ અને અનુભવેલુ જ્ઞાન તેમજ મન ભરીને માણેલું પ્રકૃતિ સૌંદર્ય તેમની વાર્તાઓમાં છુટ્ટા હાથે વેરાયું છે. નવલિકા સ્વરૂપ ખમી શકે તેટલું, ઉપકારક હોય તેટલું ચિત્રણ ધૂમકેતુ કરે છે. જયાં કલાકારની પીંછી ફરી હોય તેવો અનુભવ થાય છે, ત્યાં તેમની વાર્તા કલા નિખરી આવે છે. ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતુ ભાષાનું બળ અનોખુ છે. તેમની ઉત્તમ વાર્તાઓમાં સર્જનાત્મક ગદ્યની છટા જોવા મળે છે. આથી જ ગુજરાતી ભાષાની ગુંજાયશ તેમના વાર્તાલેખન ગદ્યથી વધી છે. ધૂમકેતુએ લગભગ પોણા પાંચસો જેટલી વાર્તાઓ રચી છે, પણ એક સર્જક તરીકે તેમની વાર્તાઓની કેટલીક મર્યાદા નજરે પડે છે. જે આ પ્રકારની છે. ધૂમકેતુની વાર્તાઓમાં બધો વખત કરૂણરસ એક સરખું ગૌરવ ધારણ કરતો નથી. ચિંતનશીલ પ્રકૃતિના ધૂમકેતુએ ઘણી વાર્તામાં કલાકાર ધૂમકેતુને દબાવી નિબંધકાર ધૂમકેતુને આગળ આણ્યા છે. તેથી તેમની વાર્તાઓ કથા અથવા નિબંધ રહે છે. પણ ટૂંકી વાર્તાની કલાકૃતિ બનતી નથી. અહેવાલ કે કૃતિને અંતે સાર આપવાની પદદ્વિતિ પણ ધૂમકેતુને સારા વાર્તાકાર તરીકે સ્થાપતી નથી. આ બધી મર્યાદાઓ છતાં વાર્તાકાર ધૂમકેતુની જે મોહિની છે, તે આગળ દર્શાવ્યા તે ચિરંજીવ તત્વોને લીધે છે.

નવલકથાફેરફાર કરો

ધૂમકેતુએ ટૂંકી વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ લખી છે. તેમાં પચીસ જેટલી ઐતિહાસિક નવલકથાઓ અને સાત સામાજિક નવલકથાઓ છે. ધૂમકેતુની સામાજિક નવલકથાઓ મનોરંજક એટલે કે સાહિત્યિક આનંદ માટે રચાયેલી છે. ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાના સર્જનના મૂળમાં તેમનામાં રહેલી ઇતિહાસ પ્રત્યેની રુચિ છે. તેઓ ગુજરાતના સુવર્ણકાળ સમા સોલંકીયુગની તેમજ ભારતના સુવર્ણયુગ સમા ગુપ્તયુગની કથા પસંદ કરી ઐતિહાસિક નવલકથા રચે છે. તેઓ ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ પ્રત્યેની વફાદારી જાળવે છે. તેમને સામાજિક નવલકથા કરતા ઐતિહાસિક નવલકથામાં વધુ સફળતા મળી છે.

ચૌલાદેવી એ ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા છે. તેનું કથા વસ્તુ એવુ આકર્ષક હતુ કે બીજા કથાકારોએ આ જ કથા વસ્તુને નિમિત્ત બનાવી નવલકથા રચી છે. આ કથાનું કેન્દ્રવર્તી પાત્ર ચૌલાદેવી છે. ગુજરાતના રાજા ભીમદેવ બાણાવણીના શાસનમાં ચૌલાદેવી સોમનાથ મંદિરમાં નૃત્ય કરતી નર્તકી હતી. તે એક વીરાંગના હતી. એક વિશિષ્ટ પ્રસંગ મૃદંગવાદનમાં તે પોતાની કલાનું સામર્થ્ય વ્યક્ત કરે છે, ત્યારે પ્રજા અને ભીમદવે તેના પર વારી જાય છે. ભીમદેવ તેને રાણીપદ આપવા તૈયાર થાય ત્યારે ચૌલા ભીમસેનને વિજય પ્રસ્થાન માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે ધૂમકેતુએ હેમચંદ્રાચાર્યનું ચરિત્ર લખવા ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ કર્યો તેના પરિણામે તેમને આ નવલકથાની પ્રેરણા મળી.

અન્ય ગદ્યસાહિત્યફેરફાર કરો

ધૂમકેતુએ પડઘા, ઠંડી કૂરતા, એકલવ્ય નાટકો લખ્યા છે. આ ઉપરાંત તેમણે નિબંધલેખન કર્યુ છે. પગદંડી એમના પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. પાનગોષ્ઠિ, જીવનવિચારણા, સાહિત્યવિચારણામાં પણ એમના ભિન્ન કોટિના નિબંધ લખાણો ગ્રંથસ્થ થયા છે. તેમણે હેમચંદ્રાચાર્ય વિશે લખેલું ચરિત્ર ઇતિહાસની હકીકતો પર આધારિત છે. જીવનપંથ અને જીવનરંગ એ બે પુસ્તકોમાં નિરાંતની ક્ષણોમાં આનંદ પામવા ગાળેલા અનુભવો ગુંથાયા છે, જેને ધૂમકેતુએ આત્મકથા ઓળખાવ્યા છે. જીવનવસ્થા દરમિયાનના સંસ્મરણો લેખકના જીવનની ઘડતરકથા બની રહ્યા.

ધૂમકેતુનુ સમગ્ર સર્જન ગદ્ય સ્વરૂપમાં છે. ધૂમકેતુનું ગદ્ય નવલિકાઓમાં સર્જનાત્મક રૂપમાં પ્રગટ થયું છે. એમની લલિત કૃતિઓમાં ઊર્મિનું બળ વિશેષ હોય છે, તેમના ગદ્યમાં કલ્પના, ચિંતન અને ઊર્મિનો સમન્વય સધાય છે. ધૂમકેતુનું અન્ય સાહિત્ય કાળના પ્રવાહમાં ભૂલાશે, પરંતુ ટૂંકી વાર્તાઓનું સર્જન જયાં સુધી ગુજરાતી ટૂંકી વાર્તાનું સ્વરૂપ અસ્તિત્વ ધરાવશે ત્યાં સુધી ટકી રહેશે.