ચોરલા ઘાટ
ચોરલા ઘાટ (અંગ્રેજી: Chorla Ghat) એક પ્રાકૃતિક સ્થળ છે, જે ભારત દેશના ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યોના ત્રિભેટાના સરહદી વિસ્તારમાં આવેલ છે. ચોરલા ઘાટ પણજી, ગોવા (લગભગ ૫૦ કિલોમીટર સડક માર્ગ દ્વારા)ની ઉત્તર-પૂર્વ દિશામાં તેમ જ બેલગામ, કર્ણાટક થી લગભગ ૫૫ કિલોમીટર અંતરે આવેલ છે. આ સ્થળ પશ્ચિમ ઘાટમાં સહ્યાદ્રી પર્વત શ્રેણીનો એક ભાગ છે અને તેની દરિયાઇ સપાટી થી ઊંચાઈ ૮૦૦ મીટર જેટલી છે. આ ઘાટમાં તેના ઉપ-ઉષ્ણકટિબંધીય જંગલો ખાતે વન્યજીવન પૈકીની કેટલીક દુર્લભ પ્રજાતિઓ જેમ કે બેર્રડ વુલ્ફ સ્નેક (Lycodon striatus) જોવા મળે છે.
ચોરલા ઘાટ ખાતે પ્રકૃતિ સંરક્ષણ સુવિધાની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં સંશોધન સુવિધા અને પશ્ચિમ ઘાટના સહયાદ્રિ પ્રદેશ તેમ જ તેની જૈવવિવિધતાના લાંબા ગાળાના અવલોકન માટેની જગ્યા પૂરી પાડે છે. આ સ્થળ પર્યાવરણ વિજ્ઞાનીઓ તેમ જ વન્યજીવન જીવવિજ્ઞાનીઓ માટે માર્ગ દ્વારા સંપૂર્ણપણે સજ્જક્ષેત્ર તરીકે આ વિસ્તારમાં એક મંચ પૂરો પાડે છે.
આ વિસ્તારનાં જોવાલાયક સ્થળોમાં જોડિયા વજ્ર ધોધ તેમ જ લાસની ટેંબ શિખરનો સમાવેશ થાય છે. આ સ્થળ ખાતે પ્રવૃત્તિઓમાં કેડી ભ્રમણ (ફૂટ ટ્રેઇલ), વન ભ્રમણ (જંગલ વોક), પર્વત આરોહણ અને શિખરવેધ, માંચડાઓ અને છુપાં સ્થાનોનો સમાવેશ થાય છે.