ટોળું

સામાન્ય લક્ષ કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ

ટોળું (અંગ્રેજી: Crowd) એ સામાન્ય લક્ષ કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ છે. ટોળામાં જોડાયેલી વ્યક્તિઓએ થોડા સમય માટે પરસ્પર તાદાત્મ્ય સાધ્યું હોય છે અને તે સમાન આવેગો અનુભવતી હોય છે. મોટાભાગે ટોળામાં જોડાયેલા લોકો એકબીજાની નજીક હોય છે અને સમાન વિષય પ્રત્યે ઉત્સુકતા કે નિસબત ધરાવતા હોય છે. આવા ટોળાં અલગ અલગ પ્રકારના જોવા મળે છે; જેમ કે રેલવેમાં આવનજાવન કરતા પ્રવાસીઓનુ ટોળું, રાજકીય સભા, ભક્તોનું વૃંદ, રોગચાળાના ભયથી નાસભાગ કરતા લોકો, ચૂંટણી જીતેલા નેતાના ટેકામાં કિકિયારીઓ પાડતા અનુયાયીઓ, મનોરંજક કાર્યક્રમનો આનંદ માનતા શ્રોતાગણ, યાત્રાળુઓનો સંઘ, કામદારો.[૧]

ટોળું

ટોળું અચાનક એકઠું થયેલું જૂથ છે, જે થોડા વખત પૂરતું જ એક સ્થાને ભેગું થયેલું હોય છે. ટોળાનું વર્તન એમાં ભાગ લેતી વ્યક્ર્તિઓના વર્તનથી જુદું હોતું નથી, પરંતુ વ્યક્તિ કરતાં ટોળાનું વર્તન વધુ પ્રગટ અને ઉગ્ર હોય છે. આવેગનો અતિરેક, આત્યંતિક સૂચનક્ષમતા, બેજવાબદારીપણું અને શક્તિનું ભાન વગેરે ટોળાના વર્તનની વિશેષતાઓ છે.

મોટાભાગનાં ટોળામાં નીચેના લક્ષણો જોવા મળે છે:[૧]

 1. ટોળામાં વ્યક્તિ પોતાની મરજીથી જોડાય છે. ટોળું કુદરતી રીતે બને છે. કૃત્રિમ રીતે રચાયેલા ટોળામાં કુદરતી ટોળા જેવું સ્વાભાવિક વર્તન જોવા મળતું નથી.
 2. વિવિધ વ્યક્તિઓને સમાન વિષય કે પ્રવૃત્તિઓમાં રસ પડવાથી તે ટોળામાં ભેગી થાય છે.
 3. મહદંશે ટોળું ગતિશીલ અને ઠીકઠીક પરિવર્તનશીલ હોય છે. તેના કદ, ઘટકો અને પ્રવૃત્તિઓમાં ફેરફાર થતો રહે છે.
 4. ટોળું મહદંશે અસંગઠિત હોય છે.
 5. ટોળાનાં અસ્તિત્વનો આધાર તેમાં જોડાયેલી પરસ્પર થતી ઉત્તેજના ઉપર હોય છે.
 6. ટોળામાં વ્યક્તિઓ ભૌતિક અને માનસિક એમ બંને રીતે એકબીજાની નજીક હોય છે.
 7. ટોળું લાંબા સમય સુધી ટકી શકતું નથી. તે ભેગું થાય છે, વિકસે છે અને વિખેરાઈ જાય છે.

ટોળાના પ્રકારો

ફેરફાર કરો
 
ટોળાના વિવિધ પ્રકારો

ટોળાના મુખ્ય બે પ્રકાર છે: સક્રિય ટોળું (active crowd) અને નિષ્ક્રિય ટોળું (passive crowd). બીજા પ્રકારનું ટોળું તદ્દન નિર્દોષ હોય છે. રસ્તામાં દીવાલ ઉપર સિનેમાની જાહેરખબર કોઈ ચોંટાડતું હોય, અને તે વાંચવા-જોવા માટે લોકો ભેગા થાય છે તે આ પ્રકારના ટોળાનું ઉદાહરણ છે. તેઓ ફક્ત કુતૂહલને લીધે ભેગા થયા હોય છે. પહેલા પ્રકારનું ટોળું — સક્રિય ટોળું — વધારે ચેતનવંતુ હોય છે. એમની પ્રવૃત્તિમાં ઉશ્કેરાટ, ગુસ્સો, બીક, આક્રમક વૃત્તિ અને કેટલીકવાર સ્નેહ અને પ્રશંસાનો અતિઉત્સાહ પણ વ્યક્ત થાય છે.[૨]

બ્લુમરે ટોળાના મુખ્ય ચાર પ્રકારો દર્શાવ્યા છે: (૧) આકસ્મિક ટોળું. જેમ કે રેલ્વે-પ્લેટફોર્મ પર ભેગા થયેલા લોકો. (૨) નિયમબદ્ધ ટોળું. જેમ કે ફૂટબોલની મેચ જોવા ભેગા થયેલા લોકો. (૩) સક્રિય ટોળું. જેમ કે કોઈ વસ્તુ મેળવવા ક્રિયાશીલ બનેલા લોકો. (૪) અભિવ્યક્તિવાળા ટોળાં. જેમ કે નૃત્ય, ભજનમંડળીમાં ભેગા થયેલા લોકો. આ ઉપરાંત બ્રાઉને પણ ટોળાનાં ચાર પ્રકારો દર્શાવ્યા છે: (૧) આક્રમક ટોળું (Aggressive Mob) (૨) ભયભીત ટોળું (Escape - Mob Panic) (૩) લૂંટફાટ કરતું ટોળું (Acquisitive Mob) અને (૪) અભિવ્યક્તિવાળુ ટોળું (Expressive Mob).[૩]

ટોળાનું લક્ષ બદલાતા તેનો પ્રકાર પણ બદલાય છે. જેમ કે, નેતાના સમર્થનમાં નીકળેલું સરઘસ આગળ જતાં વિનાશક ટોળું બની શકે છે. જો સામેનું ટોળું આક્રમક ટોળા પર પ્રતિઆક્રમણ કરે તો આક્રમક ટોળું ભયભીત ટોળું બની જાય ― એમ પણ બને. રમતનો પ્રેક્ષકગણ પોતાના માનીતા ખેલાડીઓની અણધારી હારને લીધે વિનાશક ટોળું બની શકે છે. આમ ટોળાનાં સ્વરૂપ અને પ્રકારમાં કૈંક અંશે તરલતા જોવા મળે છે.[૧]

ટોળાનું બંધારણ

ફેરફાર કરો

ટોળાનું બંધારણ વિશેષ પ્રકારનું હોય છે. આ બંધારણમાં બહું વ્યવસ્થા હોતી નથી. ટોળું એક અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જૂથ છે. સામાન્ય લક્ષની તદ્દન પાસે ઊભેલા માણસો વધુ ઉશ્કેરાયેલા અથવા ઉદ્દીપ્ત અને વધુ સક્રિય હોય છે. વચ્ચેના માણસો આગળ આવવાનો પ્રયત્ન કરે છે, અથવા છેડાના માણસો તેમને ધક્કા મારીને પાછળ હડસેલી પોતે લક્ષની નજીક જવાનાં પ્રયત્નો કરતાં હોય છે. આમ, ટોળામાં ગડમથલ અને ધક્કામુક્કી ચાલતી રહે છે.[૨]

ટોળાનું વર્તન

ફેરફાર કરો

સ્પ્રોટ નામના મનોવૈજ્ઞાનિકે ટોળાના વર્તનની ચાર લાક્ષણિકતાઓ જણાવી છે:[૨]

 1. ટોળાના માણસોના વર્તનમાં આવેગનો અતિરેક જોવા મળે છે. ટોળાના માણસો જે કૃત્ય કરે તેમાં ઢીલાપોચાપણું હોતું નથી. ગુસ્સામાં આવી તે પોતાના લક્ષ ઉપર ગુસ્સો પૂરેપૂરો ઠાલવશે અને બીકમાં જો તે નાસવા માંડશે તો જીવ લઈને નાસશે. આમ, ટોળાના વર્તનમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ હોતી નથી.
 2. ટોળાના વર્તનનું બીજું લક્ષણ આત્યંતિક સૂચનક્ષમતા છે. એટલે કે ટોળામાં ભલેળા લોકોની વિચારશક્તિનો લોપ થાય છે; અને ટોળાનો એકાદો પ્રભાવી માણસ એક વિચાર વહેતો મૂકે તો તે વિચારથી બધા માણસો પ્રભાવિત થાય છે અને વગર વિચાર્યે એનો વિચાર અપનાવી લે છે.
 3. ટોળાનું ત્રીજું લક્ષણ જવાબદારીના ભાનનો અભાવ છે. ટોળાના માણસોનું વર્તન બેજવાબદારી ભર્યું હોય છે. સામાન્ય નીતિનિયમો અને શિષ્ટાચાર અને સારાનરસાના વિવેકનું પાલન ટોળામાં થતું નથી.
 4. ટોળાનું ચોથું લક્ષણ શક્તિનું ભાન છે. ટોળામાં શક્તિની મસ્તી હોય છે. કેટલાક પ્રમાણમાં નિર્ભયતા પણ દેખાય છે. જાણે દુનિયામાં આપણને રોકનારી કોઈ શક્તિ નથી એવા ઉન્માદમાં ટોળું રાચતું હોય છે.

ટોળાનું મનોવિજ્ઞાન

ફેરફાર કરો

ફ્રેન્ચ વિચારક ગુસ્તાવ લ બોંના મત પ્રમાણે, શરૂઆતમાં વ્યક્તિ કુતૂહલથી ટોળામાં ભળે છે. બધા વ્યક્તિઓના ભેગા થવાથી તેમના વિચારોમાં એકતા આવે છે અને છેવટે એમાંથી ટોળાનું સમૂહમન વિકસે છે.[૧]

હતાશામાંથી આક્રમણનો ઉદભવ થતો હોવાથી, ટોળાનું આક્રમક વર્તન પણ ટોળાના સભ્યોની હતાશાઓમાંથી ઉદભવે છે. જેમ ટોળાના સભ્યોની નિષ્ફળતાઓ અને અપમાનિત થયાની લાગણી વધારે તીવ્ર હોય, તેમ ટોળું વધારે હિંસક બને છે અને હતાશા ઉપજાવનાર પર હુમલો કરે છે.[૧]

ટોળાનું સમાજશાત્ર

ફેરફાર કરો

સમાજશાસ્ત્રી ટર્નર અને કિલિયનના મતે ટોળું એક જૂથ છે. આંતરક્રિયાને કારણે તેમાં વિચાર, વાણી અને ક્રિયાનાં નવાં ધોરણો વિકસે છે. નવા વિકસતાં ધોરણો ટોળાનાં સભ્યો પર દબાણ લાવે છે કે ટોળામાં અમુક જ રીતે વિચારવું, બોલવું અને વર્તવું જોઈએ; તેમજ ટોળાની વિરુદ્ધમાં ન જવાય. ટોળાનાં જુસ્સાવાળા સભ્યો ટોળાનાં ધોરણને અનુરૂપ વર્તે છે, અને બીજા સભ્યો તેમને ટેકો આપે છે. ટોળાના સભ્યો પોતાના વર્તનને વિકૃત માનતા નથી પણ યોગ્ય અને જરૂરી ગણે છે.[૧]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ દવે, ચંદ્રાંશુ ભાલચંદ્ર (1997). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. VIII. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ ૨૩૧–૨૩૩. OCLC 164810484.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૪૧–૧૪૮.
 3. કામદાર, નાનકભાઈ; તલાજિયા, નરેશભાઈ; ડુંગરાણી, અરવિંદભાઈ (૨૦૧૩). સમાજલક્ષી મનોવિજ્ઞાન (બીજી આવૃત્તિ). અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૬૨–૧૬૯.

પૂરક વાચન

ફેરફાર કરો