દુર્ગાબાઈ દેશમુખ

ભારતેય સ્વાતંત્ર્યસેનાની, વકીલ, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા

દુર્ગાબાઈ દેશમુખ (૧૫ જુલાઇ ૧૯૦૯ — ૯ મે ૧૯૮૧) સ્વાતંત્ર્યસેનાની, વકીલ, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. તેઓ ભારતીય સંવિધાન સભા અને યોજના આયોગના સદસ્ય હતા.

દુર્ગાબાઈ દેશમુખ
જન્મની વિગત(1909-07-15)15 July 1909
રાજમુંદરી, આંધ્ર પ્રદેશ, ભારત
મૃત્યુ9 May 1981(1981-05-09) (ઉંમર 71)
નારસનપેટા, શ્રીકાકુલમ, આંધ્ર પ્રદેશ, ભારત
શિક્ષણ સંસ્થામદ્રાસ વિશ્વવિદ્યાલય
જીવનસાથી
સી. ડી. દેશમુખ (લ. 1953)
પુરસ્કારોપદ્મવિભૂષણ

સામાજીક કાર્યકર્તા તરીકે ૧૯૩૭માં મહિલાઓની સ્વતંત્રતા માટે આંધ્ર પ્રદેશ મહિલા સભાની સ્થાપના કરી. તેઓ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના સંસ્થાપક પણ હતા. ૧૯૫૩માં તેમના લગ્ન ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ ગવર્નર અને ૧૯૫૦–૧૯૫૬ દરમિયાન ભારતના નાણામંત્રી રહી ચૂકેલા સી. ડી. દેશમુખ સાથે થયાં હતા.

કારકિર્દી

ફેરફાર કરો
 
દુર્ગાબાઈ દેશમુખની પ્રતિમા (રાજમુંદરી

દુર્ગાબાઈ શરૂઆતના વર્ષોથી જ ભારતીય રાજકારણ સાથે જોડાયેલાં હતાં. ૧૨ વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજી માધ્યમની શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાના વિરોધમાં શાળા છોડી દીધી. બાદમાં તેમણે બાલિકાઓ માટે હિન્દી માધ્યમના શિક્ષણને ઉત્તેજન આપવા માટે રાજમુંદરી ખાતે બાલિકા હિન્દી પાઠશાળા શરૂ કરી.[]

૧૯૨૩માં તેમના વતન કાકીનાડા ખાતે યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સ્વયંસેવક તરીકે હાજરી આપી તથા ખાદી પ્રદર્શનના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી.[][] અંગ્રેજો વિરુદ્ધની આઝાદીની લડતમાં તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા.[] તેઓ એક પ્રમુખ સમાજ સુધારક હતા જેમણે સવિનય અવજ્ઞા આંદોલન દરમિયાન ગાંધીજીના નેતૃત્ત્વમાં આયોજીત મીઠાના કાયદા વિરૂદ્ધની સત્યાગ્રહ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.[] ૧૯૩૦ થી ૧૯૩૩ના સમયગાળા દરમિયાન અંગ્રેજ સરકાર દ્વારા તેમની ત્રણ વાર ધરપકડ કરી કારાવાસની સજા ફરમાવવામાં આવી.[]

જેલમાંથી છૂટ્યા બાદ દુર્ગાબાઈએ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૩૦ના દશકમાં આંધ્ર વિશ્વવિદ્યાલયમાંથી રાજનીતિ વિજ્ઞાન વિષયમાં સ્નાતક તેમજ અનુસ્નાતકની પદવી મેળવી.[] ૧૯૪૨માં તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાની પદવી મેળવી તથા મદ્રાસ ઉચ્ચ ન્યાયલયમાં વકીલ તરીકે જોડાયા.[] તેઓ નેત્રહીન રાહત સંઘના અધ્યક્ષ હતા જેના ભાગરૂપે તેમણે છાત્રાલયોની સ્થાપના કરી તથા અંધ વિદ્યાર્થીઓ માટે ઇજનેરી કાર્યશાળાઓની પણ વ્યવસ્થા કરી. તેઓ ભારતીય સંવિધાન સભાના સભ્ય હતા. સંવિધાન સભાની અધ્યક્ષ સમિતિમાં તેઓ એકમાત્ર મહિલા સદસ્ય હતા.[] તેમણે સમાજ કલ્યાણના વિવિધ કાયદાઓ ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

૧૯૫૨માં તેઓ સંસદસભ્ય બનવામાં નિષ્ફળ રહ્યા. બાદમાં તેમને યોજના આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.[] આ ભૂમિકમાં તેમણે સામાજીક કલ્યાણ માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાનું સમર્થન કર્યું. જેના પરિણામસ્વરૂપે ૧૯૫૩માં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે તેમણે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો તેમજ વિકલાંગોના પુનર્વાસ અને શિક્ષણ-પ્રશિક્ષણની કામગીરી કરી. ૧૯૫૩માં તેમની પહેલી ચીન યાત્રા બાદ તેમણે પૃથક પરિવાર ન્યાયાલયની (ફેમિલી કોર્ટ) સ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો તથા આ સંદર્ભે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના તત્કાલીન ન્યાયાધીશ એમ. સી. ચાગલા તથા પી. બી. ગજેન્દ્રગઢકર તેમજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે વિચારવિમર્શ કર્યો.[] મહિલા સંગઠનો દ્વારા પારિવારિક મામલામાં ત્વરિત ન્યાયની માંગણીઓના ઉપલક્ષમાં ૧૯૮૪માં ફેમિલી કોર્ટ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો.

તેઓ ૧૯૫૩માં ભારત સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના પ્રથમ અધ્યક્ષ બન્યા.[] ૧૯૫૯માં સમિતિએ સુપરત કરેલ ભલામણો આ મુજબ છે :

  1. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કન્યા કેળવણીને પ્રાથમિકતા આપવી.
  2. કેન્દ્રિય શિક્ષા મંત્રાલયમાં અલગ મહિલા શિક્ષા વિભાગ બનાવવો.
  3. કન્યાઓના યોગ્ય શિક્ષણ માટે દરેક રાજ્યમાં મહિલા શિક્ષા નિદેશકની નિયુક્તિ કરવી.
  4. ઉચ્ચ સ્તર પર સહશિક્ષણના આયોજનને સુદૃઢ કરવું.
  5. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી) દ્વારા કન્યા કેળવણી માટે અલગ ધનરાશિ નિશ્ચિત કરવી.
  6. ગ્રામીણ ક્ષેત્રોમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.
  7. વિભિન્ન સેવાઓમાં મહિલાઓ માટે આરક્ષણ.
  8. વયસ્ક મહિલાઓના શિક્ષણ કાર્યક્રમોનો વ્યાપ વધારવો.[]

૧૯૬૩માં વોશિંગટન ડી.સી. ખાતેની વિશ્વ ખાદ્ય કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ભાગ લીધો.[] આંધ્ર વિશ્વવિદ્યાલય, વિશાખાપટ્ટનમ ખાતે મહિલા અધ્યયન વિભાગનું નામ તેમના સન્માનમાં ડૉ. દુર્ગાબાઈ દેશમુખ સેન્ટર ફોર વુમન સ્ટડીઝ રાખવામાં આવ્યું છે.[]

અંગત જીવન

ફેરફાર કરો

દુર્ગાબાઈનો જન્મ આંધ્ર પ્રદેશના રાજમુંદરી જિલ્લાના કાકીનાડા ખાતે[૧૦] એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[] આઠ વર્ષની ઉંમરે તેમના લગ્ન તેમના પિતરાઈ સુબ્બા રાવ સાથે થયા હતા.[૧૧][૧૨] પુખ્ત થયા બાદ તેમણે સુબ્બા રાવ સાથે રહેવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમના પિતા તથા ભાઈએ તેમના આ નિર્ણયનું સમર્થન કર્યું હતું.[૧૧] ૧૯૫૩માં તેમના લગ્ન તત્કાલીન નાણામંત્રી સી. ડી. દેશમુખ સાથે થયાં.

૯ મે ૧૯૮૧ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના નારસનપેટા ખાતે તેમનું અવસાન થયું.

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Smith, Bonnie G. (2008-01-01). The Oxford Encyclopedia of Women in World History: 4 Volume Set. Oxford University Press, USA. ISBN 9780195148909.
  2. Dedicated to cause of women સંગ્રહિત ૨૦૦૩-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન, The Hindu. 4 November 2002
  3. ૩.૦ ૩.૧ Suguna, B. (2009). Women's Movement. Discovery Publishing House. પૃષ્ઠ 127. ISBN 9788183564250.
  4. ૪.૦ ૪.૧ Rao, P. Rajeswar (1991). The Great Indian Patriots. Mittal Publications. પૃષ્ઠ 133. ISBN 9788170992806.
  5. Jayapalan, N. (2001). History Of India (from National Movement To Present Day). Atlantic Publishers & Dist. પૃષ્ઠ 73. ISBN 9788171569175.
  6. Government of India, e-courts Mission Mode Project. "Maharashtra Family Courts". District Courts of India. મેળવેલ 24 June 2018.
  7. Government of India (1959). Report of the National Committee on Women's Education. New Delhi: Government of India.
  8. Deka, B. (2000-01-01). Higher Education in India: Development and Problems. Atlantic Publishers & Dist. પૃષ્ઠ 47. ISBN 9788171569243.
  9. "Durgabai Deshmukh centennial inaugurated". The Hindu. 16 July 2009. મેળવેલ July 3, 2015.
  10. Deshmukh, Durgabai (1980). Chintaman and I. Allied. પૃષ્ઠ 1. I was born on 15 July 1909 in Rajahmundry in the coastal district of East Godavari in Andhra
  11. ૧૧.૦ ૧૧.૧ Forbes, Geraldine; Forbes, Geraldine Hancock (1999). Women in Modern India. Cambridge University Press. ISBN 9780521653770.
  12. Woman, Her History and Her Struggle for Emancipation