પ્રતીપ (સંસ્કૃત: प्रतीप) હિંદુ રાજાઓમાં નામાંકિત રાજા હતો. તે હસ્તિનાપુરના ચંદ્રવંશી રાજા હતો. તે શંતનુના પિતા અને ભીષ્મ,[]ચિત્રાંગદ (શંતનુનો પુત્ર), વિચિત્રવીર્ય (શંતનુનો પુત્ર), સોમદત્ત અને પૌરવી (બહ્લિકની પુત્રી, વાસુદેવની પત્ની, શ્રીકૃષણની અપર મા)ના દાદા હતો. રાજા પ્રતીપનો ઉલ્લેખ હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં થયો છે.

પ્રતીપ
ગ્રંથોમહાભારત, પુરાણ
લિંગપુરુષ
ક્ષેત્રહસ્તિનાપુર
વંશચંદ્રવંશ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસુનંદા
બાળકોદેવાપિ, બહ્લિક, અને શંતનુ
માતા-પિતાભીમસેન અથવા દિલીપ અને સુકુમારી
કુળચંદ્રવંશ

પુરાણો પ્રમાણે, પ્રતીપ ભીમસેનનો પ્રપૌત્ર હતો અને દિલીપનો પુત્ર હતો.[] જો કે મહાભારતમાં વર્ણન કર્યા મુજબ તે ભીમસેન અને કેકેયની રાજકુમારી સુકુમારીનો પુત્ર હતો. પ્રતીપનાં લગ્ન શિબીની રાજકુમારી સુનંદા સાથ થયાં હતાં જેનાથી તેમને દેવાપિ, બહ્લિક અને શંતનુ નામના ત્રણ પુત્રો થયા.[]

ગંગા સાથેની મુલાકાત

ફેરફાર કરો

એકવાર રાજા પ્રતીપ ગંગા નદીના કિનારે સૂર્યદેવની પ્રાર્થના અને ધ્યાન કરી રહ્યા હતા, તેવામાં બ્રહ્માના શ્રાપથી યુક્ત સ્વયં દેવી ગંગા માનવ સ્વરુપે તેમની જમણી સાથળ પર બેસી ગયાં. તેનાથી પ્રતીપનું ધ્યાન તુટી ગયું અને તેમણે ગંગાજીને આમ કરવાનું કારણ પુછ્યું.ગંગાજીએ રાજાને તેમની સાથે લગ્ન કરવાની વિનંતી કરી. પ્રતીપે કહ્યું કે, "દેવી જો તમે પત્ની સ્વરૂપે આવ્યાં હોત તો તમે મારી જમણી જંઘા પર નહીં પણ ડાબી જંઘા પર બેઠાં હોત. પત્ની વામભાગે જ શોભે. પણ તમે જમણી તરફ બેઠાં એટલે હું તમારો પત્ની તરીકે સ્વીકાર ન કરી શકું. માટે, હું તમારો પુત્રવધુ તરીકે સ્વીકાર કરવા તૈયાર છું." ગંગાજીએ આ વાત સ્વીકારી અને પ્રતીપનાં પુત્રવધુ બનવાનું કબુલ રાખ્યું. પરંતુ રાજા પ્રતીપ અને તેમનાં પત્ની સુનંદાને કોઈ સંતાન હતું જ નહીં. તેથી, તેમણે ગંગાજીને રાહ જોવા વિનંતી કરી. ગંગાજી એ વાતમાં પણ પોતાની હામી ભરી. ત્યારબાદ રાજા પ્રતીપે તપ દાન ધર્મકાર્ય વધારીને ઈશ્વરકૃપા મેળવી. આમ રાજા ને દેવાપિ નામનો પુત્ર થયો. જો કે, દેવાપિને કોઢ હતો. ત્યારબાદ તેમને બહ્લિક નામનો પુત્ર થયો, પણ બહ્લિક તેના મોસાળમાં રહેવા લાગ્યો અને વખત જતાં તેને મોસાળ પક્ષેથી મળેલા રાજ્યને બહ્લિક પ્રદેશ (હાલ કશ્મીર પાસે આવેલો વાહલિક અથવા વાહિક નામનો પ્રદેશ) તરીકે વિકસાવ્યો. પ્રતીપને વૃદ્ધાવસ્થાના આરે ત્રીજો પુત્ર થયો જેનું નામ શંતનુ રાખવામાં આવ્યું. દેવાપિ પોતાના કર્મથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરીને ઋષિ જીવન જીવે છે, બહ્લિક પોતાના વાહિક પ્રદેશમાં રાજ્ય કરે છે. તેથી પ્રતીપ પોતાના વારસદાર તરીકે હસ્તીનાપુરનું રાજ્ય શંતનુને આપે છે અને તેમને આદેશ કરે છે કે તેઓ ગંગા સાથે લગ્ન કરે. આમ, શંતનું ગંગા સાથે લગ્ન કરે છે અને તેમને આઠ પુત્રો થાય છે. તેમાંથી સાત ગંગાજી ગંગા નદીમાં વહેવડાવી દે છે. અને આઠમો પુત્ર દેવવ્રત મોટો થઈને ભીષ્મ તરીકે ઓળખાય છે.[][]

  1. Monier Williams Sanskrit-English Dictionary (Oxford, 1899), p. 674.1
  2. M.M.S. Shastri Chitrao, Bharatavarshiya Prachin Charitrakosha (Dictionary of Ancient Indian Biography, in Hindi), Pune 1964, p. 469
  3. Mbhr. 1.90.45–46 (Pune Critical Edition)
  4. www.wisdomlib.org (2019-01-28). "Story of Gaṅgā". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-12-18.
  5. Mbhr. 1.92

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • J.A.B. van Buitenen, Mahabharata Book 1, Chicago 1973, pp. 214–220