ભવાઇ

ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ

ભવાઇ ‌‍(અન્ય નામ: વેશ અથવા સ્વાંગ )એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

ભવાઇ

વ્યુત્પતિ

ફેરફાર કરો

‘ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા. અહીં તેને જગતની માતા એટલે કે જગદંબા ગણી છે. ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. આજે પણ અંબાજી ખાતે દર નવરાત્રીએ ભવાઇ દ્વારા મા અંબાની પૂજા કરવામાં આવે છે.[][][][]

ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે જેમાં સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવે છે. તેમાં પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી અને સ્‍થાનિક કથાવસ્‍તુ પર ધ્યાન આપવામાં આવે છે. ભવાઇમાં મુખ્યત્વે ભૂંગળ, તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા અને સારંગી વગેરે વાજીંત્રો વપરાય છે. ભવાઇ મોટે ભાગે ખુલ્‍લા મેદાનમાં અથવા નાના ચોક જેવી જાહેર જગ્યાએ ભજવવામાં આવે છે.

ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને ‘નાયક’ તરીકે ઓળખવામાં આવે છે. તે નાટકની જરૂરીયાત મુજબ સંવાદો, સંગીત અને વેશભૂષા માટે નિર્દેશન આપે છે. ભવાઇના સંવાદો પહેલાથી નક્કી નથી હોતા પણ કલાકારો પ્રસંગ મુજબ જાતે જ સંવાદો બોલે છે અને સાથે સાથે નૃત્‍યમય શૈલીમાં અભિનય પણ કરે છે. ભવાઇના મુખ્‍ય પાત્રને ‘રંગલો’ કહેવામાં આવે છે.

અન્‍યાય, સ્‍ત્રીનો દરજ્જો, સામાજીક અસમાનતા, અંધશ્રદ્ધા અને જાતિવાદ જેવી સામાજિક અને અન્ય બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવા પણ ભવાઇનો ઉપયોગ કરાય છે.

મોટા ભાગના વેશોમાં બેથી ત્રણ પાત્રો એકસાથે ચાચર (શેરી કે ખુલ્‍લી જગ્‍યા) માં આવે છે : નાયક, નાયિકા અને મશ્‍કરો. મશ્‍કરો જુદા જુદા વેશમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. ‘કાનગોપી’ ના વેશમાં સુખાજી, ‘ઝંડા ઝૂલણ’ માં અડવો અને ‘જસમા-ઓડણ’માં રંગલો વગેરે. ભવાઇના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની અસર દેખાય છે. ‘ઝંડા ઝૂલણ’માં તરવરાટવાળી તેજી વાણિયણનાં લગ્‍ન એક વૃદ્ઘ સાથે થાય છે, તે ઊંઝાના યુવાન મુસ્લિમ સૂબાના પ્રેમમાં પડે છે. આ ઉપરાંત ‘મિયાંબીબી’, ‘મણિયાર’,‘જૂઠણ’ અને ‘છેલબટાઉ’ જેવા વેશોમાં પણ મુસ્લિમોની અસર છે. નાનાં હિદું રજવાડાંના ઠાકોરો વિશેના વેશોમાં ‘રાજા દેઘણ’, ‘વીકો સિસોદિયો’, ‘રાજદેવ’, ‘મણીબા સતી’ વગેરે મુખ્‍ય છે. ધાર્મિક વેશોમાં ‘કાન-ગોપી’, ‘કાળકા’, ‘પતાઇ રાવળ’, ‘ગણપતિ’ વગેરે મુખ્‍ય છે. કંસારો, સરાણિયો, અડવો, વાળંદ વગેરે કોમોની ખાસિયતો, ધંધો, બોલી, રીતરિવાજો અને સામાજિક દૂષણો ઉઘાડા પાડતા વેશો ‘કજોડાનો વેશ’, ‘બાવાનો વેશ’ વગેરે છે. મોટા રાજવીને લગતા વેશોમાં ‘સઘરા જેસંગ’ અને ‘જસમા-ઓડણ’ જાણીતા છે.

સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્‍ન વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરાં પાડવામાં આવતાં. આ ભવૈયાઓને સામાજિક દરજ્જો ઊંચો હતો. તેઓ જયારે ગામમાં પ્રવેશતાં ત્‍યારે લોકો ઢોલ-નગારાં સાથે તેમનું સામૈયું કરતા. ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી. આમ, ભવાઇ લોકજીવનના તાણા-વાણા સાથે વણાઇ ગઇ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુકતપણે વિહરતી હતી. શાસ્‍ત્રકારોએ ભવાઇને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.

ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.[] ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે.

અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્‍યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્‍ચેના સંવાદોને જોડતો, હસાવતો અને કટાક્ષ કરતો હોય છે.

૧૪મી સદીમાં ઊંઝાના એક નાયક (મુખી) હેમા પટેલની પુત્રી ગંગાનું એક મુસ્લિમ સુબેદાર દ્વારા અપહરણ કરાયું હતું. તેમનાં પરિવારનાં બ્રાહ્મણ પુરોહિત અસાઈત ઠાકર સુબેદાર પાસે જાય છે અને ગંગા એ તેની પુત્રી છે એવો દાવો કરે છે. આ બાબતને સાબિત કરવા માટે સુબેદાર એમને ગંગા સાથે જમવા કહે છે. એ દિવસોના બ્રાહ્મણ નીચી જાતનાં લોકો સાથે જમતા ન હતાં. તેઓ તેણીને બચાવવા માટે તેની સાથે જમ્યા પણ પરિણામે તેમને બ્રાહ્મણો દ્વારા નાત બહાર મુકવામાં આવ્યા. તેમણે પોતાના જીવન નિર્વાહ માટે નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ બધાં નાટકના વિશિષ્ટ સ્વરૂપમાં ઉન્નતિકરણ પામ્યાં જેને ભવાઈ કહે છે. આભાર વ્યક્ત કરવા સિવાય હેમા પટેલે એમને જમીનનો એક ટુકડો આપ્યો અને નાણાકીય સહાય પણ કરી જે ભવૈયાઓ (ભવાઈ ભજવનાર કલાકારો)નું આશ્રય સ્થાન બન્યું. એવું માનવામાં આવે છે કે અસાઈત ઠાકર દ્વારા ૩૬૦ ભવાઈ લખવામાં આવી હતી પણ વર્તમાનમાં માત્ર ૬૦ જ પ્રાપ્ય છે. તે પૈકીનાં એક નાટકમાં તેમને પોતાની કૃતિને ઇસ ૧૩૬૦ની દર્શાવી છે.[][][][]

  1. Varadpande, Manohar Laxman (1992). History of Indian Theatre. 2. Abhinav Publications. પૃષ્ઠ 173–174. ISBN 9788170172789.
  2. ૨.૦ ૨.૧ Sarah Diamond, Margaret Ann Mills, Peter J. Claus (2003). South Asian Folklore: An Encyclopedia : Afghanistan, Bangladesh, India, Nepal, Pakistan, Sri Lanka. Taylor & Francis. પૃષ્ઠ 63. ISBN 9780415939195.
  3. ૩.૦ ૩.૧ Martin Banham, James R. Brandon (1997). The Cambridge Guide to Asian Theatre. Cambridge University Press. પૃષ્ઠ 81–82. ISBN 9780521588225.
  4. ૪.૦ ૪.૧ P, G (2004). Lal, Ananda (સંપાદક). The Oxford Companion to Indian Theatre. New Delhi: Oxford University Press. ISBN 0195644468. OCLC 56986659 – Oxford Reference વડે.
  5. ૫.૦ ૫.૧ Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 236. ISBN 978-81-260-1803-1.