ભાવભાવેશ્વર મહાદેવ, બરુમાળ

ભગવાન ભાવભાવેશ્વર મહાદેવનું ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા પાંચ તાલુકાઓ પૈકીના એક એવા ધરમપુર તાલુકામાં આવેલા બરુમાળ ગામમાં આવેલું છે.

સહ્યાદ્રી પર્વતમાળાની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા આ સુંદર યાત્રાધામ ખાતે ત્રયોદશ એટલે કે તેરમા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવાયેલા ભગવાન ભાવભાવેશ્વરનું અષ્ટધાતુમાંથી બનાવવામાં આવેલું શિવલિંગ છે, જેનાં દર્શન માટે લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે.


શિવલિંગ

ફેરફાર કરો

અહીં આવેલા શિવલિંગની પહેલી વિશેષતા તેરમા જ્યોતિર્લિંગ તરીકેની છે. મહાદેવજીના શિવલિંગની બીજી વિશેષતા એના અષ્ટ ધાતુમાંથી કરવામાં આવેલા નિર્માણની છે. આ શિવલિંગ સુવર્ણ, પારદ, જસત, તામ્ર, સીસું, રજત, લોહ અને બંગ એમ આઠ પવિત્ર ધાતુઓમાંથી બનાવવામાં આવેલું છે. આ વજનદાર શિવલિંગ પર અભિષેક કરી તેનું પાણી ગ્રહણ કરવાથી આયુર્વેદિક અસર થવાને કારણે રોગો પણ નિયંત્રણમાં રહે છે એમ કહેવાય છે.

સંકુલમાં અન્ય મંદિરો

ફેરફાર કરો

ભાવભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ સંકુલમાં ૪૫ જેટલાં દેવીદેવતાઓની મનોહર પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિવત રીતે કરવામાં આવેલ છે. મંદિરની પાછળના ભાગમાં એક જ સ્થાને દ્વાદશ જ્યોતિર્લિંગની સાથે ભાવભાવેશ્વર મહાદેવ એમ તેર મહાદેવનાં શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવેલાં છે.

અન્ય પ્રવૃત્તિઓ

ફેરફાર કરો

બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આશરે ૧૦ વર્ષ પૂર્વે સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી દ્વારા આ ધામની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાનંદજીના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારમાં શિક્ષણ માટેના ઘણાં સંકુલો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અહીં ૧૧પ જેટલી ગાયો સાથેની અદ્યતન એવી ગૌશાળા પણ તૈયાર થઇ રહી છે.