મરેનો જરૂરિયાતનો ખ્યાલ

અમેરિકન મનોવૈજ્ઞાનિક હેન્રી એલેક્ઝાંડર મરેએ જરીયાત વિશે આપેલી મનોવૈજ્ઞાનિક વિભાવના અને સમજૂત

અમેરિકન મનોવૈજ્ઞાનિક હેન્રી એલેક્ઝાંડર મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતના ભાગ રૂપે જરૂરિયાતનો ખ્યાલ આપ્યો હતો. મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જરૂરિયાતના ખ્યાલને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે.

જરૂરિયાતની વ્યાખ્યા

ફેરફાર કરો

મરેએ પોતાના પુસ્તક Explorations in Personality (૧૯૩૮)માં જરૂરિયાતની વ્યાખ્યા આપતા કહ્યું છે: "જરૂરિયાત એક એવો ખ્યાલ છે જે મનુષ્યના મસ્તિષ્કમાં એક શક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તે મનુષ્યના વર્તનને એક ચોક્કસ દિશા તરફ પ્રેરિત કરે છે કે, જેને લીધે તેની માનસિક તંગદિલી તેટલા સમય પૂરતી નષ્ટ થાય છે.[]

મરેએ જરૂરિયાતના લક્ષણો નીચે મુજબ જણાવ્યા છે:[]

  • જરૂરિયાત એ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવી કોઈ વસ્તુ કે હકીકત નથી, પરંતુ વર્તનનાં કેટલાંક પાસાં કે લક્ષણોની સમજૂતી મેળવવા માટે રચવામાં આવેલ એક વૈજ્ઞાનિક ખ્યાલ એટલે કે પરિકલ્પના છે.
  • જરૂરિયાત નિષ્ક્રિય નથી, તે સક્રિય છે. તે હંમેશાં વ્યક્તિમાં વર્તન ઉત્પન્ન કરવા જેટલી શક્તિ કે જુસ્સો ધરાવતી હોય છે.
  • આ જરૂરિયાતનુ ઉદભવસ્થાન મસ્તિષ્ક છે. તેથી ગમે તેવી શારીરિક જરૂરિયાત કે માનસિક જરૂરિયાતનો પ્રથમ અનુભવ મસ્તિષ્કમાં થાય છે.
  • જરૂરિયાત વર્તનને વ્યવસ્થિત અને અર્થપૂર્ણ બનાવે છે. તેથી વર્તન જ્યારે અવ્યવસ્થિત તેમજ અર્થપૂર્ણ ન લાગતું હોય ત્યારે તે જરૂરિયાત સાથે સંકળાયેલું વર્તન નથી એમ મરે માને છે.
  • જરૂરિયાત જે વર્તન જન્માવે છે તે એક ચોક્કસ દિશામાં વળેલું હોય છે. એટલે કે વ્યક્તિનું ધ્યાન અને પ્રવૃત્તિ એક ચોક્કસ ધ્યેયને અનુલક્ષીને વ્યવસ્થિત રીતે આયોજિત થયેલાં હોવાથી આ વર્તન અન્ય વર્તન કરતાં જુદુ પાડી શકાય છે.

ઉપરનાં મુખ્ય લક્ષણો ઉપરાંત મરેએ જરૂરિયાતના કેટલાક ગૌણ લક્ષણો જણાવ્યા છે, જે નીચે મુજબ છે:[]

  • જરૂરિયાત મોટેભાગે એક વખત ઉત્પન્ન થાય પછી સતોષાય નહિ ત્યાં સુધી ચાલુ રહે છે, અથવા તો એક ચોક્કસ વર્તનને ઉત્પન્ન કરે છે અને જો એ પણ શક્ય ન હોય તો કલ્પના અને દિવાસ્વપ્નોમાં પરિણમે છે. અહિં મરે એ સ્પષ્ટ કરે છે કે જરૂરિયાત-પ્રેરિત વર્તન બાહ્ય અને પ્રગટ અથવા માનસિક ક્ષેત્રે અસ્તિત્વ ધરાવતું પણ હોઈ શકે છે.

દબાણનો ખ્યાલ

ફેરફાર કરો

મરેએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જરૂરિયાતના ખ્યાલ જેટલું જ મહત્ત્વ દબાણના ખ્યાલને આપ્યું છે. મરેના મત મુજબ દબાણ એ વ્યક્તિના વર્તનનાં નિર્ણાયક પરિબળોમાંનું પારિસ્થિતિક પરિબળ છે. મરે કહે છે કે, દબાણ એટલે કોઈપણ પારિસ્થિતિક પરિબળ, સંજોગ કે જે વ્યક્તિના વર્તનમાં મર્યાદા લાવે છે. દબાણ અને જરીરિયાત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા મરેએ કહ્યું છે કે, જરૂરિયાત એક એવી પરિસ્થિતિ છે જે સંતોષવાથી વ્યક્તિને શારીરિક તેમજ માનસિક સંતોષ મળે છે. તેથી વિરુદ્ધ દબાણ એ એવી પરિસ્થિતિ છે કે જે વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટેની ફરજ પાડે છે. આ પ્રકારની ફરજ મોટેભાગે બાહ્ય હોવાથી જો તે અમલમાં મૂકવામાં ન આવે તો વ્યક્તિ કોઈ ભયજનક પરિસ્થિતિમાં મુકાય તેવી શક્યતા રહે છે. સામાન્ય રીતે ભૌતિક સહીસલામતી માટેની પ્રવૃત્તિઓના મૂળમાં જરૂરિયાત હોય છે. દબાણ અને જરૂરિયાત બંનેનું કાર્ય વ્યક્તિના વર્તનને દિશાસૂચન કરવાનું હોવાથી, મરેના મંતવ્ય પ્રમાણે વર્તન ઉપરની અસરની દ્રષ્ટિએ દબાણ અને જરૂરિયાત એકસરખી જ અગત્યતા ધરાવે છે.[]

જરૂરિયાતનો સંઘર્ષ

ફેરફાર કરો

ઘણી વખત વ્યક્તિમાં બે જરૂરિયાતો એક સાથે ઉદભવે છે, તે બંને સરખી જ તીવ્ર હોય છે, પરંતુ બંનેનું એકસાથે સંતોષાવું શક્ય હોતું નથી. જેમ કે, વિદ્યાર્થીને વ્યવસાય કરવાની તેમજ ઉચ્ચ અભ્યાસ કરવાની બંને જરૂરિયાતો એક સાથે સંતોષવી શક્ય હોતી નથી. આવી પરિસ્થિતિમાં વ્યક્તિમાં સંઘર્ષ જન્મે છે. એક જરૂરિયાતના સંતોષ માટેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હોય તેમાં બીજી જરૂરિયાતના સંતોષ માટેની પ્રવૃત્તિ વિધ્નરૂપ બને છે. તેથી વ્યક્તિ એક પણ જરૂરિયાતને યોગ્ય રીતે સંતોષી શકતી નથી.[]

મરેના મત મુજબ આધુનિક સામાજિક જીવનનું માળખું એ પ્રકારનું છે, જેમાં વ્યક્તિને આ પ્રકારના સંઘર્ષો વારંવાર અનુભવવા પડે છે. ઘણી વખત વ્યક્તિમાં માત્ર બેથી પણ વધુ જરૂરિયાતો એક સાથે ઉદભવે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કોઈ યોગ્ય ઉકેલ ન લાવી શકે તો માનસિક વિકૃતિનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ભટ્ટ, કુસુમબેન કે. (2014). "મરેનો વ્યક્તિત્વ-સિદ્ધાંત". વ્યક્તિત્વના સિદ્ધાંતો (3rd આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ 210–225.

પૂરક વાચન

ફેરફાર કરો