મોહનલાલ દલપતરામ કવિ (૧૮૭૨ થી ૧૯૦૩ દરમ્યાન હયાત) : કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર.

જીવનના બાવીસ વર્ષ દરમિયાન છૂટકછૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-કાવ્યદોહન’ (૧૮૮૮)માં દલપતરામની રીતિની કાવ્યરચનાઓ હોવા છતાં તેમના જેટલું વૈપુલ્ય કે સામર્થ્ય નથી.

લક્ષ્મીનો મહિમા કરતી દીર્ઘ કાવ્યરચના ‘લક્ષ્મીમહિમા’ (૧૮૭૨) આખ્યાન પ્રકારની કૃતિ છે. તો, સરસ્વતીનો મહિમા સ્થાપતું ને ‘લક્ષ્મીમહિમા’ને મુકાબલે વિશેષ સૌષ્ઠવ ને પ્રૌઢ દાખવતું દીર્ઘકાવ્ય ‘વિદ્યામહિમા’ (૧૮૭૪) એમાંના પ્રસંગનિરૂપણને લીધે વિશેષ આસ્વાદ્ય બને છે, ‘પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપા’ (૧૯૦૩) અને ‘સૂરતના પુરનો ગરબો’ એ એમની અન્ય કૃતિઓ છે. એમણે પંચાંકી નાટક ‘મીણકદેવી’ (૧૮૯૧) પણ લખ્યું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય