વિવેક ચૂડામણિ
વિવેક ચૂડામણિ એ આદિ શંકરાચાર્ય દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલો એક પ્રાચીન ગ્રંથ છે, જેમાં અદ્વૈત વેદાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મનિષ્ઠનું મહત્વ, જ્ઞાનોપલબ્ધિના ઉપાયો, પ્રશ્ન નિરુપણ, આત્મજ્ઞાનનું મહત્વ, પંચપ્રાણ, આત્મ નિરુપણ, મુક્તિ કેવી રીતે થશે, આત્મજ્ઞાનનું ફળ વગેરે ભારતીય તત્વજ્ઞાનના વિભિન્ન વિષયોનું સુંદર રીતે નિરુપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથને ચારેય વેદોનો સાર માનવામાં આવે છે. આદિ શંકરાચાર્યએ બાળપણમાં જ આ ગ્રંથની રચના કરી હતી.
ગ્રંથના રચયિતા આદિ શંકરાચાર્ય | |
લેખક | આદિ શંકરાચાર્ય |
---|---|
દેશ | ભારત |
ભાષા | સંસ્કૃત |
વિષય | હિંદુ આધ્યાત્મ |
પ્રકાર | અદ્વૈત વેદાંત |
પ્રકાશક | મૂળ: ૮મી સદી આસપાસ; આધુનિક: ટી.કે. બાલાસુબ્રમણ્ય ઐયર (૧૯૧૦)[૧] |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૧૯૨૧ (Madhavananda), ૧૯૪૬ (Charles Johnston), ૨૦૦૪ (John Grimes) |
OCLC | 51477985 |
ભૂમિકા
ફેરફાર કરોઆર્યાવર્તમાં ભગવાન ઇશુની ૭૭૮ની સદી પહેલાના સમયમાં એક એવો કાળ આવ્યો કે, સનાતન ધર્મના નીતિ-મૂલ્યોનું પતન થવા લાગ્યું, વૈદિક જ્ઞાનની સાથે-સાથે પાખંડ પણ ફેલાઇ રહ્યો હતો. વેદની વિરુદ્ધ પ્રચાર થવા લાગ્યો અને ઘણા બધા સનાતન ધર્મના લોકો પૂજન આદિ પિતૃકર્મોથી વિમુક્ત થવા લાગ્યા અને અન્યોને પણ આવું કરવા માટે પ્રેરિત કરવા લાગ્યા. સમયાનુસાર તે સમયમાં સનાતન ધર્મની દુર્દશા વધતી ગઈ ત્યારે હાલમાં ભારતના કેરળ તરીકે ઓળખાતા પ્રદેશમાં આદિ શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયો. માત્ર ૩૨ વર્ષ સુધી જ જીવેલા શંકરાચાર્ય મહારાજ બાળપણથી જ પ્રતિભાસંપન્ન હતા અને કહેવાય છે કે તેમણે વિવેક ચૂડામણિ સહિત વિવિધ ગ્રંથોની રચના ૧૨ વર્ષની વય દરમ્યાન કરી દીધી હતી. ભારતમાં ચાર સ્થળોએ શંકરાચાર્યએ મઠોની સ્થાપના કરી, લોકોને વેદાંત દ્વારા ઈશ્વર એક જ હોવાનો પરિચય આપ્યો અને સગુણ રીતે એ નિરાકાર ઇશ્વરને અલગ અલગ રૂપે પણ ભજી શકાય છે એ વાતનું પ્રતિપાદન કરીને મંદિરોની પણ રચના કરી.
સનાતન ધર્મનું મૂળભૂત જ્ઞાન ચાર વેદોમાં સમાયેલું છે અને તેને મૂળ ગ્રંથો માનવામાં આવે છે જે સંસ્કૃત ભાષામાં છે. શંકરાચાર્યને લાગ્યું કે, બધા લોકો માટે વેદોને સમજીને જીવનમાં ઊતારવાનું શક્ય નથી, અમુક પઠન પણ કરી શકે તેમ નથી. કોઈ એવો ગ્રંથ હોવો જોઈએ જેમાં ચારેય વેદોનો સાર હોય, થોડા અક્ષરોમાં સંપૂર્ણ અધ્યાત્મવિદ્યાનો સિદ્ધાંત આવી જતો હોય, જેનું પઠન કરવાથી જનસાધારણ સમાજને પણ આત્મવિદ્યા સુગમ સાધ્ય બને. આ ઉદ્દેશ સાથે શંકરાચાર્ય મહારાજે આ ગ્રંથની રચના કરી હતી.[૨] વૈદિક સંસ્કૃત ન જાણનારા લોકો માટે પણ આ ગ્રંથ સુલભ બન્યો. શંકરાચાર્યની જીવનકથામાંથી મળતા ઉલ્લેખ મુજબ તેમણે જેટલા પણ ગ્રંથ લખ્યા છે તેની રચના કાશી અને બદ્રીકાશ્રમમાં કરી હતી.
પરિચય
ફેરફાર કરોઆદિ શંકરાચાર્ય મહારાજે પોતાની ૧૦-૧૨ વર્ષની ઉંમરમાં જ ૨૫૦ જેટલા સંસ્કૃત ભાષાના અદભૂત ગ્રંથોની રચના કરી હતી.[૨] જેમાં, બ્રહ્મસૂત્ર ભાષ્ય, ઉપનિષદ (ઇશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડુક્યપનિષદ, એતરેય, તૈતરીય, છંદોગ્ય, બૃહદારણ્યક, નૃસિહપૂર્વતાપનિય, શ્વેતાશ્વર વગેરે) ભાષ્ય, ગીતા ભાષ્ય, વિષ્ણુસહસ્ત્રનામ ભાષ્ય, સનત્સુજાતીય ભાષ્ય, હસ્તામલક ભાષ્ય, લલિતાત્રિશતિ ભાષ્ય, વિવેક ચૂડામણિ, પ્રબોધસુધાકર, ઉપદેશસાહસ્ત્રિ, અપરોક્ષાનુભૂતિ, શતષ્લોકી, દસષ્લોકી, સર્વવેદાંત સિદ્ધાંતસાર સંગ્રહ, વાક્સુધા, પંચીકરણ, પ્રપંચસાર તંત્ર, આત્મબોધ, મનિષપંચક, આનંદલહરી સ્ત્રોત્ર વગેરે તેમના પ્રસિદ્ધ ગ્રંથો છે જેમાં એક વિવેક ચૂડામણિ પણ છે.
આરંભ
ફેરફાર કરો- વિવેક ચૂડામણિ ગ્રંથનો આરંભ નીચેના શ્લોક સાથે થાય છે:
“ | मायाकल्पिततुच्छसंसृतिलसत्प्रज्ञैरवेद्यं जगत्सूष्टि स्थित्यवसानतोप्यनुमितं सर्वाश्रयं सर्वगम्।
इन्दोपेन्द्रमरुद्रणप्रमृतिमिर्नित्यं त्द्ददब्जेर्चितं वन्देशेष फलप्रदं श्रुतिशिरोवाक्यैकवेद्यं शिवम्।। |
„ |
આ મંગલાચરણ પછી શંકરાચાર્ય મહારાજ ગુરુને પ્રણામ કરતા શ્લોકો લખે છે, એ પછીના ભાગમાં બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને વૈદિક ધર્મપરાયણ બનવું એ કેટલું કઠીન છે, તેમાં પણ આ વિષયના વિદ્વાન બનવું કેટલું દુર્લભ અને અંતે વિદ્વાન હોવા છતાં તેને આત્મસાત કરીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો તે કેટલું દુર્લભ છે, એ વાતનું નિરૂપણ કર્યું છે. ગ્રંથના અન્ય ભાગોમાં વેદાંતનું દર્શન કરાવવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ શ્લોક વાક્ય બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ પણ આ ગ્રંથનું જ એક વાક્ય છે.[૨]
વિષય નિરુપણ
ફેરફાર કરોવિવેક ચૂડામણિની શરુઆત બ્રહ્મનિષ્ઠના મહત્વથી થાય છે અને અંતિમ ભાગમાં અનુબંધ ચતુષ્ટ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. વચ્ચેના અન્ય વિભાગોમાં મુખ્યત્વે જ્ઞાનોપલબ્ધિનો ઉપાય, એ માટેનો અધિકારી વ્યક્તિ કેવો હોય, ગુરુ, ઉપદેશ, પ્રશ્ન નિરુપણ, શિષ્ય, સ્વ-પ્રયત્ન, આત્મજ્ઞાનનું મહત્વ, સ્થૂળ શરીર, દસ ઇન્દ્રીય, અંત:કરણ, પંચપ્રાણ, સૂક્ષ્મ શરીર, અહંકાર, પ્રેમ, માયા, ત્રણે ગુણ, આત્મ અને અનાત્મ વચ્ચ્ચેનો ભેદ, આન્નમય-પ્રાણમય અને જ્ઞાનમય કોશ, મુક્તિ કેવી રીતે થાય્?, આત્સ્વરુપ વિશે પ્રશ્નો, બ્રહ્મ, વાસના, યોગવિદ્યા, આત્મજ્ઞાનનું ફળ, જીવનમુક્તના લક્ષણો વગેરે અધ્યાત્મિક ગૂઢ વિષયો પર વર્ણન કર્યું છે. જેને વેદાંતનો સાર માનવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Grimes 2004, pp. 274-278.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ શર્મા, ચંદ્રશેખર. વિવેક ચૂડામણિ (સંસ્કૃતમાં). લક્ષ્મીર્વેંકટેશ્વર મુદ્રણાલય, મુંબઈ.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- વિવેક ચૂડામણિ (સંસ્કૃત વિકિસ્ત્રોત)
- વિવેક ચૂડામણિ - સ્વામી માધવાનંદ કૃત હિંદી અનુવાદ