સંસ્કૃતિ સામયિક ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ઉમાશંકર જોશી દ્વારા માસિક સ્વરુપે જાન્યુઆરી ૧૯૪૭થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી પ્રગટ થતુ હતું. આ સામયિક મુખ્યત્વે સાહિત્ય, કળા, કેળવણી, ધર્મ, સાંપ્રત રાજકારણ અને અર્થકારણ જેવા વિષયોને આવરી લેતા લેખો પ્રકાશીત કરતુ હતું. મોટાભાગનાં અંકોની શરુઆત સંપાદક અને તંત્રી ઉમાશંકર જોશીના અગ્રલેખથી થતી હતી. સામયિકના મુખ્ય વિભાગોમાં 'સ્વાધ્યાય અને સમિક્ષા', 'પત્રમ્ પુષ્પમ્' અને 'અર્ધ્ય' જેવા વિભાગો રહેતા હતાં. આ માસિકમાંથી પ્રસિદ્ધ થયેલ લેખોનું સંકલન કરીને 'ઉઘાડી બારી' (૧૯૫૯) અને 'શિવસંકલ્પ' (૧૯૭૮) જેવા ગ્રથો પ્રકાશીત થયા હતાં. સંસ્કૃતિમાં ઉમાશંકર જોષી દ્વારા વિવિધ વિચાર આંદોલનો, સંમેલનો, પરિષદો, સમારોહો અને મહોત્સવોને લગતા લેખોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોનાં જાણીતાં વ્યક્તિઓ વિષેની અવસાન નોંધો, અભિવાદન નોંધો અને ચરિત્રનોંધોનું પણ આલેખન થતુ હતું. ‘સંસ્કૃતિ’માં ‘જિપ્સીની આંખે’ (કિશનસિંહ ચાવડા – ‘જિપ્સી’), ‘ધર્માનુભવની સ્મરણયાત્રા’ (કાકાસાહેબ), ‘ચોપાટીને બાંકડેથી’ (ચુનીલાલ મડિયા), ‘ગુજરાતી સમાજનાં વહેણો’ (ડૉ. સુમન્ત મહેતા) અને સ્વામી આનંદના પ્રથમ વાર જ પ્રકાશિત થતાં ચરિત્રાત્મક લખાણો જેવી અનેક મહત્ત્વની લેખમાળાઓ રજૂ થતી હતી.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "સંસ્કૃતિ (સામયિક) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-11-20.

બાહ્ય કડી ફેરફાર કરો