સામાજિક નિયંત્રણ
સામાજિક નિયંત્રણ (અંગ્રેજી: Social control) એ સમાજશાસ્ત્રનો એક ખ્યાલ છે કે જે વ્યક્તિના વર્તન પર સામાજિક કે સાંસ્કૃતિક રીતે મુકાતાં નિયમનોનો નિર્દેશ કરે છે.[૧] સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા, સમાજજીવનના હિતમાં સમાજના સભ્યો દ્વારા સ્વીકૃત થયેલા અંકુશોને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે. આ નિયંત્રણોમાં કાયદાઓ, પ્રથાઓ, લોકનીતિઓ, લોકરીતિઓ, સમાજસ્વીકૃત આદર્શો, રીવાજો, રૂઢિઓ, માન્યતાઓ, પરંપરા વગેરેનો સમાવેશ થાય છે.[૨]
આ નિયંત્રણોથી વ્યક્તિઓ અમુક જ પ્રકારનું વર્તન કરવા પ્રેરાય છે તથા મૂલ્યો અને ધોરણોથી વિપરીત વર્તન કરતાં રોકાય છે. સામાજિક નિયંત્રણ હકારાત્મક અને નકારાત્મક તેમજ ઔપચારિક અને અનૌપચારિક હોઈ શકે છે.[૧] સામાજિક નિયંત્રણની પ્રક્રિયા સ્થળકાળની આવશ્યકતા સાથે સંબંધ ધરાવે છે. સામાજિક પરિવર્તનની સાથે સાથે સામાજિક નિયંત્રણનાં ધારાધોરણો પણ બદલાતાં રહે છે.[૨]
વ્યાખ્યા
ફેરફાર કરોસામાજિક નિયંત્રણનો અર્થ આપવામાં બધા સમાજશાસ્ત્રીઓ પોતપોતાનો મત ધરાવે છે. મુખ્યત્વે તેઓમાં બે પક્ષો જોવા મળે છે. એક પક્ષ સામાજિક નિયંત્રણને સામાજિક વ્યવસ્થા ટકાવનારું સાધન માને છે, જ્યારે બીજો પક્ષ તેને સામાજિક ઉન્નતી વધારનારું માધ્યમ માને છે.[૨]
સામાજિક નિયંત્રણ પ્રત્યેક સમાજમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આથી સમાજશાસ્ત્રીઓએ તેની જુદી જુદી વ્યાખ્યાઓ આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કિમ્બોલ યંગના મત અનુસાર "સામાજિક નિયંત્રણ પ્રતીકાત્મક કે શારીરિક બળનો ઉપયોગ કરે છે, જે દ્વારા અપેક્ષિત વર્તણૂક ક્રિયાઓનો અમલ કરાય છે." ઓગબર્ન અને નીમકોફના મત મુજબ "સામાજિક નિયંત્રણ એવી પ્રક્રિયાઓ અને સાધનો છે જેના દ્વારા સામાજિક ધોરણોનું ઉલ્લંઘન મર્યાદિત બનાવવામાં આવે છે." રોબર્ટ મોરિસન મેકાઈવર અને ચાર્લ્સ હંટ પેજના મત મુજબ "સમગ્ર સામાજિક વ્યવસ્થાને સુગ્રથિત રાખતી અને તેનું સાતત્ય ચાલુ રાખવાની રીત એટલે સામાજિક નિયંત્રણ." જ્યારે જે. એસ, રોક જણાવે છે કે "સામાજિક નિયંત્રણ અમુક પ્રક્રિયાઓ માટે સંયુક્ત રીતે વપરાતો શબ્દ છે, જે દ્વારા આયોજિત અથવા અનાયોજિત રીતે વ્યક્તિઓને તેમના સમૂહના મૂલ્યો સમજાવવામાં કે શીખવવામાં આવે છે અથવા તેને અનુરૂપ બનાવા દબાણ કરવામાં આવે છે."[૩]
સામાજિક નિયંત્રણના સાધનો
ફેરફાર કરોદરેક સમાજમાં નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. સામાજિક નિયંત્રણની રીતોમાં મુખ્યત્વે બે રીતો જોવા મળે છે: (૧)ઔપચારિક સામાજિક નિયંત્રણ અને (૨)અનૌપચારિક સામાજિક નિયંત્રણ. ઔપચારિક નિયંત્રણમાં કાયદાઓ અને બંધારણની કલમોનો સમાવેશ થાય છે, જેના મારફતે સામાજિક નિયંત્રણ થાય છે. અનૌપચારિક નિયંત્રણની રીતોમાં સમાજના લોકોએ ઊભી કરેલી વ્યવસ્થા જેવી કે લોકરીતિ, રૂઢિ, રિવાજ, માન્યતા, પરંપરા વગેરેનો સમાવેશ થાય છે.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૫. ISBN 978-93-85344-46-6.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ભટ્ટ, અરવિંદ; પટેલ, માણેકલાલ (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક નિયંત્રણ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૯. OCLC 552369153. Unknown parameter
|publication-location=
ignored (મદદ) - ↑ ૩.૦ ૩.૧ વાઘેલા, અનિલ એસ. (૨૦૧૫). સમાજશાસ્ત્રનો પરિચય (તૃતિય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૨૭–૧૩૧. ISBN 978-93-81265-50-5.