સમાજશાસ્ત્ર

વ્યક્તિના સામાજિક જીવનનો, સમૂહજીવનની આંતરક્રિયાઓ અને આંતરસંબંધોનો અભ્યાસ કરતી સામાજિક વિજ્ઞા

સમાજશાસ્ત્ર એ વ્યક્તિના સામાજિક જીવનનો, વ્યક્તિઓથી બનેલા સમૂહજીવનની આંતરક્રિયાઓ અને આંતરસંબંધોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તે એક સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં બનતી સામાજિક ઘટનાઓ, સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે અને આવા અભ્યાસ દ્વારા જુદા જુદા બનાવો વચ્ચેના સંબંધો, કાર્યકારણ સંબંધો રજૂ કરી નવા સિદ્ધાંતો આપે છે.

વ્યાખ્યા

ફેરફાર કરો
 
ઑગસ્ટ કૉમ્ત (૧૭૯૮–૧૮૫૭)

સમાજશાસ્ત્રનો અંગ્રેજી શબ્દ 'સોસિયોલોજી' છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેન્ચ અભ્યાસી અને સમાજશાસ્ત્રી ઑગસ્ટ કૉમ્તે ૧૮૩૮માં તેમના પુસ્તક Course of Positive Philosophyમાં કર્યો હતો. 'સોસિયોલોજી' શબ્દ બે શબ્દોનો બનેલો છે — લેટિન ભાષાનો શબ્દ 'સોસિયેશ' (અથવા 'સોસિયેટસ') જેનો અર્થ સાથી (companion) છે, અને ગ્રીક ભાષાનો શબ્દ 'લોગોસ' જેનો અર્થ શાસ્ત્ર થાય છે. આમ બન્ને શબ્દ મળી 'સોસિયોલોજી' (સમાજશાસ્ત્ર) એવો અર્થ થાય છે.[][]

કિંગ્સલે ડેવિસે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે, "સમાજશાસ્ત્ર માનવસમાજનો અભ્યાસ કરે છે." તેમના મતે માનવીનું સમાજમાં મહત્ત્વ છે. માનવી પ્રાણીથી અલગ છે. માનવીની સંસ્કૃતિ અને માનવ પ્રાણીસમાજ કરતાં જુદો પડે છે. આથી સમાજશાત્રનું અભ્યાસવસ્તુ માનવસમાજ છે.[]

ઑગસ્ટ કૉમ્ત સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે જુએ છે. સમાજશાત્રને એક વિજ્ઞાન તરીકે ગણાવતાં તેઓ જણાવે છે કે, "સમાજશાસ્ત્ર સામાજિક સ્થિતિ અને સામાજિક ગતિનું વિજ્ઞાન છે."[]

યુરોપમાં ઑગસ્ટ કૉમ્તે સમાજશાસ્ત્રને સમાજના વિજ્ઞાન તરીકે સ્થાપવાનો વ્યવસ્થિત પ્રયત્ન કર્યો. આથી એમને 'સમાજશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રના ઉદભવ પાછળ ૧૬મી સદીથી ૧૯મી સદી દરમ્યાન ઘટેલી ઐતિહાસિક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. યુરોપનો નવજાગૃતિ (પુનરુત્થાન) યુગ, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તેમજ ફ્રાન્સની રાજ્યક્રાંતિને કારણે ત્યાંના સમાજોમાં અનેકવિધ સામાજિક-આર્થિક પરિવર્તનો આવ્યાં. આ પરિવર્તનોએ સર્જેલા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે પરંપરાગત ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય જ્ઞાન અધૂરું સાબિત થયું. કારખાના-પદ્ધતિને કારણે સર્જાયેલા નવા શ્રમજીવી વર્ગના શોષણના પ્રશ્નો ઊભા થયા. ફ્રાન્સની રાજ્યક્રાંતીને કારણે રાજાશાહી જેવી પરંપરાગત રાજકીય સંસ્થાના પાયા હચમચી ગયા. વૈજ્ઞાનિક શોધખોળો અને નવા દરિયાઈ માર્ગોની શોધને પરિણામે વિશ્વના સમાજો વચ્ચેના વ્યાપજ બન્યા. આ સૌ પરિબળોને પરિણામે સમાજજીવનનો વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ અનિવાર્ય બન્યો. ઑગસ્ટ કૉમ્તે શરૂ કરેલા આ નવા સમાજવિજ્ઞાનને ફ્રન્સમાં એમિલ દર્ખેમ, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મૅક્સ વેબરે પોતાના અભ્યાસો અને વિચારો દ્વારા સુસ્થાપિત કર્યું.[]

કાર્યક્ષેત્ર

ફેરફાર કરો
વિષયવસ્તુ
સમાજજીવનના મૂળભૂત એકમોસામાજિક પ્રક્રિયાઓપાયાની સામાજિક સંસ્થાઓ
૧. સામાજિક સંબંધો
૨.સામાજિક ક્રિયા અને આંતરક્રિયા
૩. સામાજિક ધોરણો
૪. દરજ્જો અને ભૂમિકા
૫. સંસ્કૃતિ
૬. સામાજિક સમૂહો
૭. સામાજિક રચના અને કાર્ય
૧. સામાજિક સંસ્થાઓ-જૂથો
૨.કુટુંબ અને સગપણ વ્યવસ્થા.
૩. આર્થિક સંસ્થા
૪.રાજકીય સંસ્થા
૫. ધાર્મિક સંસ્થા
૬. શિક્ષણ સંસ્થા
૧. વ્યક્તિત્વ અને સામાજિકરણ
૨.સામાજિક નિયંત્રણ
૩. સામાજિક પરિવર્તન.
૪. સામાજિક સ્તરીકરણ ગતિશીલતા
૫. સામાજિક સમસ્યાઓ

સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે અને આથી તેનું કાર્યક્ષેત્ર (વિષયવસ્તુ) વિશાળ છે. આ કાર્યક્ષેત્રમાં માનવીના જીવંત સંબંધોના અભ્યાસનો સમાવેશ થાય છે, આથી સમાજશાસ્ત્ર અન્ય શાસ્ત્રોથી અલગ પડે છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલ સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓના આધારે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને નીચે મુજબના વિભાગોમાં વહેંચી શકાય.[]

સમાજ જીવનના મૂળભૂત એકમો

ફેરફાર કરો

સમાજશાસ્ત્રના અભ્યાસના વિષયમાં સમાજજીવનના મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે કારણ કે આ મૂળભૂત એકમો સમાજવ્યવસ્થાને ટકાવી રાખે છે અને સમાજનો વિકાસ સક્રિય બનાવે છે. સમાજના મૂળભૂત એકમો નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય.[]

સામાજિક સંબંધો

વ્યક્તિ પોતાના સામાજિક જીવન દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, જેના દ્વારા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જૂથ-જૂથ વચ્ચે તેમજ જૂથ અને વ્યક્તિ વચ્ચે સામાજિક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આ સામાજિક સંબંધો — જેમાં કૌટુંબિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય સંબંધોનો સમાવેશ થાય છે — નો અભ્યાસ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. એરિસ્ટોટલએ કહ્યું છે કે માનવી એક સામાજિક પ્રાણી છે કારણ કે તે અન્ય માનવીઓ સાથે સામાજિક સંબંધો ધરાવે છે, સ્વીકારે છે અને તેને અનુરૂપ બને છે.[]

સામાજિક ક્રિયા અને આંતરક્રિયા

વ્યક્તિ પોતાના સમાજમાં વસવાટ દરમ્યાન સામાજિક સંબંધોને આધારે અન્ય વ્યક્તિઓ સાથે સામાજિક ક્રિયા અને આંતરક્રિયા કરે છે. આવી ક્રિયાઓ દ્વારા સમાજના લોકોના સામાજિક સંબંધો સમજી શકાય છે. કારણ કે સામાજિક ક્રિયાના તત્ત્વો અને સામાજિક આંતરક્રિયાના જુદા જુદા પ્રકારો વ્યક્તિને સમાજ સાથે જોડે છે. આવી સામાજિક ક્રિયામાં કર્તા, ધ્યેય, સંજોગો અને સાધનો જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે. સામાજિક આંતરક્રિયા વ્યક્તિના અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોનો નિર્દેશ કરે છે, જેમાં સહકાર, સ્પર્ધા, સંઘર્ષ અને સમાયોજનનો સમાવેશ થાય છે.[]

પાયાની સામાજિક સંસ્થાઓ

ફેરફાર કરો

સમાજનો પાયાનો એકમ વ્યક્તિ છે અને વ્યક્તિઓથી જુદા જુદા સમૂહો બને છે. આ સમૂહો પોતાની જરૂરિયાતો અનુસાર જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને રહે છે. જેનો અભ્યાસ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે.[]

સામાજિક સંસ્થાઓ – જૂથો

વ્યક્તિ પોતાનું સંપૂર્ણ જીવન સામાજિક સંસ્થાઓ અને જૂથોમાં જીવે છે, અને તે દ્વારા સમાજમાં અન્ય લોકો સાથે સામાજિક આંતરક્રિયાઓ કરે છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આવા જૂથો પ્રાથમિક કે ગૌણ સ્વરૂપના હોઈ શકે છે. વ્યક્તિ આવા જૂથોમાં રહીને જે કાર્યો કરે છે તે કાર્યો પાછળ સામાજિક સંસ્થાઓની ચોક્કસ કાર્યપ્રણાલિકા વિકસેલી હોય છે અને વ્યક્તિ તેને અનુરૂપ વર્તન કરે છે.[]

કુટુંબ સંસ્થા

કુટુંબ એ માનવસમાજની મહત્ત્વની તેમજ પાયાની સંસ્થા છે. વ્યક્તિ પોતાના જન્મથી મૃત્યુ સુધી અનેક વ્યક્તિઓ સાથે રક્તસંબંધથી કે લગ્ન આધારિત સંબંધથી જોડાયેલી રહે છે. સમગ્ર સમાજ વ્યવસ્થાના સુવ્યવસ્થિત સંચાલન અને અસ્તિત્વ માટે કુટુંબ અગત્યનો આધાર પૂરો પાડે છે. વ્યક્તિનો જન્મ કુટુંબમાં થાય છે ત્યારથી વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવાની સામાજિકરણની પ્રક્રિયા કુટુંબ કરે છે. કુટુંબ દ્વારા વ્યક્તિની જરૂરિયાતોની પૂર્તિ થાય છે અને તેનામાં સંસ્કારોનું સિંચન થાય છે. કુટુંબ સમાજને નવા સભ્યો પૂરા પાડે છે અને સમાજને જવાબદાર સભ્યો આપવાની જવાબદારી અદા કરે છે તેમજ નવી પેઢીને સામાજિક અને સાંસ્કૃતિક વારસો આપે છે.[]

સમાજશાસ્ત્રની શાખાઓ

ફેરફાર કરો

માનવવર્તનનાં કોઈ વિશિષ્ટ ક્ષેત્રને સમાજશાસ્ત્રમા સિદ્ધાંતો કે અભિગમો લાગુ પાડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે જે તે વિષયનું સમાજશાસ્ત્ર થયું કહેવાય. માનવવર્તની સીમા અતિ વિશાળ હોવાથી સમાજશાસ્ત્રની ઘણી બધી શાખાઓ અસ્તિત્ત્વમાં આવી છે. જેમ કે; પ્રયોજિત સમાજશાસ્ત્ર, ચિકિત્સા સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, ઐતિહાસિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, સ્વાસ્થ્યનું (તબીબી) સમાજશાસ્ત્ર, રાજકીય સમાજશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, સામાજિક માનવશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, ગ્રામ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કલાનું સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, ધર્મનું સમાજશાસ્ત્ર, સામાજિક દર્શનશાસ્ત્ર, કાનૂન (કાયદા)નું સમાજશાસ્ત્ર, રમતગમતનું સમાજશાસ્ત્ર તથા આર્થિક વર્તનનું સમાજશાસ્ત્ર.[][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જાની, ગૌરાંગ (2000). "સમાજશાસ્ત્ર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૨ (સ – સા) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૨૪–૨૨૬. OCLC 213511854. Unknown parameter |publication-location= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ વાઘેલા ૨૦૧૫, pp. ૩–૪.
  3. વાઘેલા ૨૦૧૫, pp. ૭–૮.
  4. વાઘેલા ૨૦૧૫, pp. ૮–૯.
  5. ૫.૦ ૫.૧ વાઘેલા ૨૦૧૫, p. ૯.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ વાઘેલા ૨૦૧૫, p. ૧૧.
  7. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૫૬. ISBN 978-93-85344-46-6.
  8. શાહ, બુદ્ધિશ્ચંન્દ્ર વી.; શાહ, કૌશલ્યા (૧૯૮૭). શિક્ષણનું સમાજશાસ્ત્ર (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧.

સંદર્ભ સૂચિ

ફેરફાર કરો
  • વાઘેલા, અનિલ એસ. (૨૦૧૫). સમાજશાસ્ત્રનો પરિચય (તૃતિય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ISBN 978-93-81265-50-5.CS1 maint: ref=harv (link)

પૂરક વાચન

ફેરફાર કરો
  • માધવપ્રસાદ નવનીતરાય મજમુદાર. "સમાજ-શાસ્ત્ર". ભાવનગરમાં તા. ૧૮, ૧૯ તથા ૨૦ એપ્રિલ ઈ. સ. ૧૯૨૪ને રોજ મળેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદનાં વૃત્તાંત, ભાષણો તથા નિબંધો. પૃષ્ઠ 80–87.
  • Chapin, F. Stuart (September 1918). "What is Sociology?". The Scientific Monthly. American Association for the Advancement of Science. 7 (3): 161–164.  
  • Rice, Stuart A. (March 1932). "What is Sociology?". Social Forces. Oxford University Press. 10 (3): 319–326. doi:10.2307/2569669.  

બાહ્ય કડીઓ

ફેરફાર કરો