સોફિસ્ટો
સોફિસ્ટો અથવા સોફિસ્ટ-ચિન્તકો (English: Sophists) પ્રાચીન ગ્રીસમાં વ્યાકરણ, વાગ્મિતા તેમજ કાયદાશાસ્ત્રના ક્ષેત્રે શિક્ષણ આપનારા તદવિદો હતા. સોક્રેટિસ પૂર્વેના જે શિક્ષકો યુવાન ઍથેન્સવાસીઓને દલીલ કરવાની કળા, પ્રભાવક રીતે બોલવાની કળા (rhetoric) ફી લઈને, કોઈ સંસ્થા સ્થાપ્યા વગર, જુદે જુદે સ્થળે શીખવતા, તેમને 'સોફિસ્ટ-ચિન્તકો' તરીકે ઓળખવામાં આવતા હતા. સોફિસ્ટ-ચિન્તકોએ તત્ત્વજ્ઞાનનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી; તેમ છતાં આ ચિન્તકોની એક મહત્ત્વની સમાન માન્યતા એ હતી કે સત્યના કે નૈતિકતાનાં કોઈ સર્વદેશી અફર અને વસ્તુલક્ષી ધોરણો હોતા જ નથી. જ્ઞાન અને નૈતિકતા તદ્દન વ્યક્તિસાપેક્ષ (relative) છે. જેને જે સાચું લાગે તે તેને માટે સાચું છે; જેને જે આદર્શરૂપ લાગે તે તેને માટે ઉચિત છે. જ્ઞાન કે સદાચારનાં સર્વમાન્ય કોઈ ધોરણો જ નથી; જેમાં માનવું હોય તેમાં વ્યક્તિ માની શકે છે - એવો મત આ ચિન્તકો ધરાવતા હતા. પ્રોટાગોરાસ, ગૉર્જિયાસ વગેરે પ્રસિદ્ધ ગ્રીક સોફિસ્ટ-ચિન્તકો હતા.[૧]
સોફિસ્ટ-ચિન્તકો વિદ્યાર્થીઓને વકૃત્વકળામાં પારંગત બનાવવાનું કામ કરતા. તેઓ વિદ્યાર્થીઓને દલીલોની વિવિધ યુક્તિઓ શીખવતા, તેમજ નબળી દલીલને કેવી રીતે સબળ બનાવીને મૂકવી તેની યુક્તિઓ તેઓ સમજાવતા હતા. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલે તેમના સાપેક્ષવાદનો અને તેમની મત-સ્થાપન માટેની શબ્દછળ અને વાક્યછળ વાળી રીતોનો અસ્વીકાર કર્યો હતો.[૧]
વ્યુત્પત્તિ
ફેરફાર કરો'સોફિસ્ટ' શબ્દની વ્યુત્પત્તિ ગ્રીક શબ્દ 'સૉફિયા' (Sophia) પરથી થઈ છે, જેનો અર્થ થાય છે - 'wisdom' (ડહાપણ, શાણપણ, પ્રજ્ઞા, વિદ્વત્તા).[૧]
પાર્શ્વભૂમિ
ફેરફાર કરોઍથેન્સની રાજકીય લોકશાહી માટે તે સમયે સહુની અસરકારક ભાગીદારી આવશ્યક હતી; તેમજ સાર્વજનિક હિતના નિર્ણયો લેવા માટે દલીલો કરવાની જરૂર પડતી. તેથી, વાદ-વિવાદમાં કુશળ વક્તાઓની તાલીમ તે સમયે અનિવાર્ય બની ગઈ હતી. જાહેર વ્યાખ્યાનો દ્વારા સોફિસ્ટ શિક્ષકો યુવાનોને વકૃત્વકળા શીખવતા. એ રીતે અસરકારક અને પ્રભાવક દલીલો કરવાની અને સામા પક્ષની દલીલનું યુક્તિપૂર્વક ખંડન કરવાની તેમને આવા સોફિસ્ટો પાસેથી તાલીમ મળતી. સોફિસ્ટો દ્વારા કરવામાં આવેલ સઘળી દલીલો હંમેશા વાજબી તાર્કિક-નિષ્પક્ષ દલીલો ન હતી, છતાં શ્રોતાને દલીલ સાચી હોવાનો આભાસ થતો.[૧]
અગત્યના સૉફિસ્ટ ચિંતકો
ફેરફાર કરો- પ્રોટાગોરાસ (Protagoras: ઈ.પૂ. લગભગ ૪૮૦થી ૪૧૧): પ્રોટાગોરસને સૌથી પહેલા સોફિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. દેવવિષયક એક લખાણમાં તેમણે કહ્યું હતું કે, 'હું દેવનું સન્માન કરું છું, પણ તેઓ અસ્તિત્વમાં છે કે કેમ તેને વિશે હું કશું જાણતો નથી.' તેમનું આવું મંતવ્ય લોકોને માન્ય ન થયું અને કેટલાક વિદ્વાનો માને છે કે તેમને ઍથેન્સ છોડવાની જે ફરજ પડી તેનાં કેટલાક કારણોમાં આ ઘટનાનો પણ સમાવેશ થાય છે.[૧]
પ્રોટાગોરાસ માનતા હતા કે, જે કંઈ છે તેને માટે અને જે કંઈ નથી તેને માટે એટલે કે સર્વ બાબતો માટે કેવળ મનુષ્ય જ પ્રમાણ છે. તેમનું પ્રખ્યાત કથન છે: Man is the measure of things. તેમને કહ્યું કે, સત્ય કે નૈતિક મૂલ્યો બધું જ મનુષ્યસાપેક્ષ છે; એટલું જ નહિ, પણ તે વ્યક્તિસાપેક્ષ પણ છે. સત્ય, નૈતિકતા કે સૌંદર્યના ધોરણો અને તે ધોરણોના વાજબીપણાનો નિર્ણય કેવળ મનુષ્યો જ કરે છે તે જોતા, જેને જે સાચું લાગે તે તેને માટે સાચું અને જેને જે સારું લાગે તે તેને માટે સારું છે. આવા સંપૂર્ણ વ્યક્તિસાપેક્ષવાદને ઘણા વિદ્વાનો સંશયવાદ તરીકે પણ ઓળખાવે છે.[૧]
વિવેચન
ફેરફાર કરોપ્લેટોએ તેમના સોફિસ્ટ નામના સંવાદમાં સોફિસ્ટોની પ્રવૃત્તિ અંગે કેટલીક બાબતો રજૂ કરી છે, જે દ્વારા એવું તારણ નીકળે છે કે સોફિસ્ટો સાચા અર્થમાં 'જ્ઞાનપિપાસુ' ન હતા, પરંતુ ધન કમાવવા માટે તેઓ ગમે તે પ્રકારે દલીલો કરીને ચર્ચામાં જીત મેળવવાની એષણા ધરાવતા હતા! તેઓ પોતાના શિષ્યોને પણ આ પ્રકારનું જ્ઞાન અને શિક્ષણ આપતા હતા. એરિસ્ટોટલે પણ સોફિસ્ટોને 'આભાસી ડહાપણ દ્વારા ધન રળનારાઓ' કહીને પ્લેટોની માફક તેમની ટીકા કરી છે. જોકે ઈતિહાસકાર જ્યોર્જ ગ્રોટે તેમના ગ્રંથ ગ્રીસનો ઈતિહાસમાં લખ્યું છે કે, 'સોફિસ્ટો તત્કાલીન ગ્રીક સમાજના સાચા નૈતિક શિક્ષકો હતા. પોતાના યુગને તેઓ સંપૂર્ણત: અનુસર્યા હતા, અને તેમના શિક્ષણકાર્યની સામાન્ય રીતે સારી અસર પડી હતી.[૨]