હેમુ કાલાણી

ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની

હેમુ કાલાણી (૨૩ માર્ચ ૧૯૨૩ – ૨૧ જાન્યુઆરી ૧૯૪૩) ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા એક વિદ્યાર્થી સંગઠન સ્વરાજ સેનાના નેતા હતા.[૧] તેઓ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે શહીદ થનારા સૌથી યુવાન ક્રાંતિકારીઓમાંના એક હતા. જ્યારે તેઓ માત્ર ૧૯ વર્ષના હતા ત્યારે બ્રિટીશ વસાહતી સત્તાવાળાઓ દ્વારા તેમના ૨૦મા જન્મદિવસના બે મહિના પહેલાં તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.[૨]

હેમુ કાલાણી
ભારતીય ટપાલ ટિકિટ પર હેમુ કાલાણી
જન્મની વિગત(1923-03-23)23 March 1923
સુક્કુર, બૉમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ21 January 1943(1943-01-21) (ઉંમર 19)
સુક્કુર, સિંધ પ્રાંત(૧૯૩૬–૧૯૫૫), બ્રિટીશ ભારત
વ્યવસાયક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સેનાની, રાજકીય કાર્યકર
સંસ્થાઅખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

પ્રારંભિક જીવન ફેરફાર કરો

હેમુ કાલાણીનો જન્મ ૨૩ માર્ચ ૧૯૨૩ના રોજ સુક્કુર, સિંધ (વર્તમાન પાકિસ્તાન)માં પેસુમલ કાલાણી અને જેઠી બાઇને ત્યાં સિંધી જૈન પરિવારમાં થયો હતો.[૩] એક બાળક અને યુવાન તરીકે તેમણે તેમના મિત્રો સાથે વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર માટે ઝુંબેશ ચલાવી હતી અને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા માટે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ આકર્ષાયા અને અંગ્રેજોને હાંકી કાઢવાના હેતુથી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેઓ છાપા મારવામાં અને બ્રિટીશ રાજના વાહનોને સળગાવવામાં સામેલ હતા.

સ્વતંત્રતા સંગ્રામ ફેરફાર કરો

 
૨૧ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ હેમુ કાલાણીના અંતિમ સંસ્કાર

૧૯૪૨માં મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ ત્યારે હેમુ કાલાણી તેમાં જોડાયા હતા. સિંધમાં ચળવળને મળેલા જન સમર્થનને કારણે બ્રિટીશ વસાહતી સત્તાવાળાઓએ ત્યાં યુરોપિયન બટાલિયન સહિતની લશ્કરી ટુકડીઓ મોકલવી પડી હતી. હેમુ કાલાણીને જાણ થઈ કે આ સૈનિકોની એક ટ્રેન અને તેમનો પુરવઠો ૨૩ ઓક્ટોબરના રોજ તેમના સ્થાનિક શહેરમાંથી પસાર થવાનો છે આથી તેમણે રેલવે ટ્રેક પરથી ફિશપ્લેટ્સ હટાવીને ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જરૂરી સાધનોના અભાવે ફિશપ્લેટ્સને ઢીલી કરવાના સાધન તરીકે તેમને દોરડાનો ઉપયોગ કરવો પડ્યો હતો.[૧]

આ કાવતરા દરમિયાન પોલીસ દ્વારા કાલાણીને પકડીને કેદ કરવામાં આવ્યા હતા અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમની સામે ખટલો ચલાવવામાં આવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. સિંધના લોકોએ વાઇસરોયને દયા માટે અરજી કરી હતી. વાઇસરોયે કાલાણીને તેમના સહ-કાવતરાખોરોની ઓળખ જણાવવાની શરતે દયાની અરજી મંજૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેમણે ફરીથી માહિતી આપવાનો ઇનકાર કર્યો અને ૨૧ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ તેમને ફાંસી આપવામાં આવી.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Shaheed Hemu Kalani
  2. "Welcome to Official Website of Amar Shaheed Hemu Kalani Yadgar Mandal". મૂળ માંથી 24 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 ફેબ્રુઆરી 2016.
  3. نادر سولنگي (20 January 2016). "سنڌ جو ڀڳت سنگهه شهيد هيمون ڪالاڻي". Online indus News. મૂળ માંથી 29 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 January 2016.

બાહ્ય કડીઓ ફેરફાર કરો