અધિક માસ
અધિક માસ કે અધિકમાસ એટલે હિંદુ પંચાંગ મુજબ લગભગ દર ત્રણ વર્ષે આવતો વધારાનો મહિનો જેને પુરુષોત્તમ માસ પણ કહે છે. તેનો ઉદ્દેશ સૌર અને સાયન વર્ષ (ચાંદ્ર અને સૌર પંચાંગ)ને જોડવાનો છે.
ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. ચાંદ્ર વર્ષ અને સૌર વર્ષમાં એકાત્મતા જળવાઈ રહે તે માટે ચંદ્રની ગતિને આધારે થતી કાળગણનાને સૂર્યની ગતિથી થતી કાળગણના સાથે મેળવી લેવાને સરેરાશ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીને અંતરે એક અધિકમાસ લાવવો જોઈએ[૧]. પરંતુ મહિનાની અધવચ્ચે નવો મહિનો ઉમેરવું વ્યવહારુ ન હોવાથી અધિકમાસ હંમેશા અમાસ પછી (સુદ એકમથી) જ શરુ થાય છે. જે માસમાં સૂર્યસંક્રાંતિ ન હોય તે માસમાં અધિક માસ લાવીને તથા સરેરાશ મેળવી લેવામાં આવે છે.
ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્ર માસ ૩૦ દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્ર માસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. અધિક માસ ચૈત્ર માસથી આસો માસમાં જ આવે છે. અપવાદ રૂપે જવલ્લે ફાગણ માસમાં પણ અધિક માસ આવે છે. જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. એક જ નામના બે માસમાંનો પહેલો મહિનો અધિક ગણાય છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ જાડેજા, ભગવતસિંહજી. ભગવદ્ગોમંડલ. રાજકોટ: પ્રવિણ પ્રકાશન પ્રા. લિ. પૃષ્ઠ ૧૯૪.
- ↑ "અધિકમાસ". Gujaratilexicon. મેળવેલ 2022-02-11.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |