કુસુમ
કુસુમ એ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા 'સરસ્વતીચંદ્ર'માં નાયિકા કુમુદની નાની બહેન તરીકે આવતું પાત્ર છે. કથાને અંતે નાયક સરસ્વતીચંદ્ર સાથે એના લગ્ન થાય છે.[૧][૨]
પાત્ર પરિચય
ફેરફાર કરો'સરસ્વતીચન્દ્ર' નવલકથાના ત્રીજા ભાગમાં કુમુદની ગેરહાજરીમાં કુસુમનું પાત્ર પ્રગટ થાય છે અને વિકસે છે. 'સૌંદર્યનું ઉદ્યાન અને કુસુમનો વિકાસ' નામનાં પ્રકરણમાં કુમુદના વ્યક્તિત્વને અને એના માનસ સંચાલનના મનોવૈજ્ઞાનિક સંકેતોને લેખકે રજૂ કર્યાં છે. કુસુમ સ્વભાવે સ્વતંત્ર અને ચંચળ છે, પણ સાથે સાથે એનામાં ઋજુતા અને નારીસહજ સંવેદનશીલતા પણ છે.[૨]
કુસુમને સરસ્વતીચન્દ્ર માટે ચોખ્ખો પક્ષપાત છે. એને સરસ્વતીચંદ્ર પ્રત્યે કૂણી લાગણી છે એમ એના પિતા વિદ્યાચતુર સાથેના એક સંવાદમાં દર્શાવાયું છે. જોકે સંપ્રજ્ઞાતપણે પોતાના હૃદયના એ ગોપનભાવથી કુમુદ અજ્ઞાત છે. કુસુમ પર અંગ્રેજી કેળવણીનો પ્રભાવ છે. તેથી નારીના હક માટે અને સંસારમાં તેના સ્વતંત્ર સ્થાન માટે તે જાગૃત છે. એ સરસ્વતીચન્દ્ર માટેની લાગણી પ્રત્યક્ષ વ્યક્ત કરતી નથી. કુમુદના સમજાવ્યા પછી અંતે એ સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવા સંમત થાય છે અને કલ્યાણગ્રામની યોજનામાં કુમુદ સક્રિય રીતે સાથ આપી શકે તે માટેની અનુકુળતા ઊભી કરે છે.[૨]
આવકાર
ફેરફાર કરોમણિલાલ હ. પટેલ નોંધ્યું છે કે, "કુસુમનું પાત્ર ઘડીને ગોવર્ધનરામે નવલકથાને સંતુલિત કરી છે" અને "આ પાત્ર ગતિશીલ હોવાથી વાચકને નાયિકાના જેટલું જ તેનું આકર્ષણ રહે છે".[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૭૬. OCLC 26636333.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પટેલ, મણિલાલ હ. (૧૯૯૨). "કુમુદ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ક–કૃ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૫૫–૭૫૬. OCLC 311818970.