સરસ્વતીચંદ્ર
સરસ્વતીચંદ્ર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા છે, જે ૧૯મી સદીની પાશ્વભૂમિમાં લખાયેલી છે. આ નવલકથા ૧૫ વર્ષના સમયગાળામાં લખાઇ હતી અને તેનો પ્રથમ ભાગ ૧૮૮૭માં અને છેલ્લો ચોથો ભાગ ૧૯૦૧માં પ્રકાશિત થયો હતો. ૧૯૬૮માં રજૂ થયેલું હિન્દી ચલચિત્ર સરસ્વતીચંદ્ર આ નવલકથા પર આધારિત હતું.[૧][૨] ૨૦૧૩-૧૪માં સ્ટાર પ્લસ પર આ જ નામથી ટેલિવિઝન ધારાવાહિક પ્રસારિત થઇ હતી.
લેખક | ગોવર્ધનરામ ત્રિપાઠી |
---|---|
અનુવાદક | ત્રીદિપ સુહ્રુદ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | નવલકથા |
પ્રકાશક | ઓરિએન્ટેલ બ્લેકસ્વાન (અંગ્રેજી આવૃત્તિ) |
પ્રકાશન તારીખ |
|
ISBN | 81-260-2346-5 |
OCLC | 933425258 |
દશાંશ વર્ગીકરણ | ૮૯૧.૪૭૩ |
મૂળ પુસ્તક | સરસ્વતીચંદ્ર વિકિસ્રોત પર |
વિવેચકોએ સરસ્વતીચંદ્ર માટે 'મહાનવલ', 'મહાકાવ્ય', 'પુરાણ', 'સકલકથા' જેવી સંજ્ઞાઓથી ઓળખાવી છે અને ગોવર્ધનરામને 'પ્રબોધમૂર્તિ' કહીને ઓળખાવ્યા છે.[૩] જો કે, આકારવાદી અભિગમ ધરાવતા વિવેચક સુરેશ જોષીએ આ નવલકથાને 'આકારની ર્દષ્ટિએ શિથિલ કૃતિ' કહી હતી.[૪]
કથા
ફેરફાર કરોસમગ્ર કથાનુ શીર્ષક જેના પરથી અપાયું છે તે સરસ્વતીચંન્દ્ર કથાનો નાયક છે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પ્રેમકથા આ કથાનું મુખ્ય સૂત્ર છે. આ સૂત્રની સાથે બીજા અનેક કથાસૂત્રો ગૂંથાતા આવે છે. એ કારણે કથાના જુદા જુદા ભાગમાં જુદા જુદા પાત્રો અને તેમને લગતું કથાનક આલેખવામાં આવ્યું છે. તેથી દરેક ભાગનાં ઉપશીર્ષકો આપવામાં આવ્યા છે અને કૃતિ પ્રેમકથા ન રહેતા એક સંસ્કૃતિકથા બને છે.[૩]
મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીચંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીના લજ્ઞ સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. પોતાના પિતા વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી અને સંસ્કારને લીધે વિદ્યારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા માટે યત્ન કરે છે, પણ ભૂલી શકતી નથી. ગૃહત્યાગ કરીને નીકળેલો પણ કુમુદનું મન જાણવા અને તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનોને લીધે સુવર્ણપુરના આવી પહોંચે છે. અહીં તે અમાત્ય બુદ્ધિધનના પરિચયમાં આવે છે અને પોતાના જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે. તે નવીનચંદ્ર નામ ધારણ કરીને અમાત્ય બુદ્ધિધનના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બનીને રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કુમુદની દુ:ખી હાલત જોઈ વ્યથિત બનેલો તેમજ કુમુદની લાગણી સમજીને તેનાથી દૂર થવાના આશયથી અને અનુભવાર્થી બનવાની ઈચ્છાથી તે સુવર્ણપુર છોડી જાય છે.[૫]
આશરે ૧૮૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી આ નવલકથાએ ગાંધીજી પૂર્વેના ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો, એનું કારણ તેમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું ચિંતન અને એ ચિંતનને કળારૂપ આપનારી સર્જક પ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ – એ ત્રણ સંસ્કૃતિઓના સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં વિવિધ સ્તરોમાંથી અહીં વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે તેથી એ જીવંત અને હૃદયસ્પર્શી બને છે. આજે બતાવી શકાય એવી આ કૃતિની કેટલીક મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં જીવનને આટલા વ્યાપક સંદર્ભોમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે, તે ઘટના સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.
ખંડ
ફેરફાર કરોઆ નવલકથા ચાર ખંડોમાં વહેંચાયેલી છે:
- સરસ્વતીચંદ્ર ભાગ ૧ - બુદ્ધિધનનો કારભાર
- સરસ્વતીચંદ્ર ભાગ ૨ - ગુણસુંદરીનું કુટુંબજાળ
- સરસ્વતીચંદ્ર ભાગ ૩ - રત્નનગરીનું રાજ્યતંત્ર
- સરસ્વતીચંદ્ર ભાગ ૪ - સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
વિવેચન અને આવકાર
ફેરફાર કરોવિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સરસ્વતીચંન્દ્રનું મૂલ્યાંકન કરતાં કહ્યું છે,
'સરસ્વતીચંન્દ્ર' પૂર્વ પશ્ચિમના મિલનનું, પ્રબોધકાળની સંધ્યાનું 'મહાકાવ્ય' છે. તેની મહાનાયિકા હિન્દી સંસ્કૃતિ છે અને નાયક છે પંડિતબુદ્ધિ પર્યેષક યુગસત્વ. એ ભવ્યોજ્જ્વલ દેહમાં ભારતની નાડીનો ધબકાર છે. તેની વાસનાઓનાં મૂળ સરસ્વતીને ઓળંગતાઋષિઓને અટવિ વીંધતા રામ અને અર્જુનમાં છે. એનાં પરાક્રમનાં પહલાં સોમનાથથી હસ્તિનાપુર ને હરિદ્વારથી કન્યાકુમારી સુધી પડેલાં છે. એની ર્દષ્ટિમાં યાજ્ઞવલ્ક્યથી વલ્લભાચાર્યનાં કિરણો છે. હજારો ઓથારમાં પણ એ ગુપ્તયુગનું સુવર્ણસ્વપ્ન એ ભૂલે એમ નથી. સંસ્કૃતિનું ચક્રવર્તિત્વ એનું જાગ્રત સ્વપ્ન છે.
— વિષ્ણુપ્રસાદ ત્રિવેદી[૬]
ભાષાંતર અને રૂપાંતર
ફેરફાર કરોસરસ્વતીચંદ્રનું અંગ્રેજીમાં ભાષાંતર સાબરમતી આશ્રમના નિયામક તૃદિપ સુહ્રુદે ૨૦૧૫માં કર્યું છે.[૭] આ નવલકથાનો હિન્દી અનુવાદ ૨૦૧૫માં આલોક ગુપ્તા અને વિરેન્દ્રનારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.[૮]
૧૯૭૨ની ગોવિંદ સરૈયા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસાર આ નવલકથા આધારિત છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો.[૯][૧૦]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Saraswatichandra (1968)". ૨૧ જાન્યુઆરી ૨૦૧૦. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ Salil Tripathi (૩૦ માર્ચ ૨૦૧૩). "Saraswatichandra-Not a love story". livemint.com. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૧૩.
- ↑ ૩.૦ ૩.૧ મહેતા, ધીરેન્દ્ર (૨૦૦૭). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૫૯-૫૬૨.
- ↑ જોષી, સુરેશ (૧૯૭૨). નવલકથા વિશે. કથોપકથન.
- ↑ ટોપીવાળ, ચન્દ્રકાન્ત, સંપાદક (૧૯૯૬). "સરસ્વતીચંદ્ર". ગુજરાતી સાહિત્યકોશ. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૫૬.
- ↑ જોષી, રમણલાલ (૨૦૧૭). સોની, રમણ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ. ખંડ ૩ (4th આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
- ↑ John, Paul (૧૧ ઓગસ્ટ ૨૦૧૫). "'Saraswatichandra' in English after 128 years". The Times of India. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ "Saraswatichandra's Hindi Translation Finally Published". HighBeam Research. ૧૩ ડિસેમ્બર ૨૦૧૫. મૂળ માંથી 2018-04-10 પર સંગ્રહિત. મેળવેલ ૯ અપ્રિલ ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) સંગ્રહિત ૨૦૧૮-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન - ↑ "20th National Film Awards". International Film Festival of India. મૂળ માંથી 5 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 26 સપ્ટેમ્બર 2011.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014). Encyclopedia of Indian Cinema (Revised આવૃત્તિ). Routledge. પૃષ્ઠ 206. ISBN 978-1-135-94325-7.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સરસ્વતીચંદ્ર ગુજલિટ પર
- સરસ્વતીચંદ્ર IMDb પર ચલચિત્ર (૧૯૬૮)