કુમુદ

ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા સરસ્વતીચંદ્રની નાયિકા

કુમુદગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા સરસ્વતીચંદ્રની નાયિકા છે. કથાનાયક સરસ્વતીચંદ્ર સાથે તેની સગાઈ થયેલી હોય છે, પરંતુ સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે તે પ્રમાદધન સાથે પરણે છે અને વિધવા બને છે. છેવટ સુધી પ્રેમ અને લગ્નની મર્યાદાને અકબંધ રાખતી સુકુમાર નારી તરીકે આ પાત્રનું ચિત્રણ થયું છે. ગુજરાતી કથાસાહિત્યના ચિરંજીવ પાત્રોમાં આ પાત્ર સ્થાન પામ્યું છે.[][]

પાત્ર પરિચય

ફેરફાર કરો

કુમુદની સગાઈ સંસ્કારી, ભાવુક અને વિદ્વાન સરસ્વતીચંદ્ર જોડે થાય છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે તથા પ્રસન્ન દામ્પત્યજીવનનાં સ્વપ્નો સેવે છે. પરંતુ સરસ્વતીચંદ્રની સાવકી માના ચઢાવ્યાથી પિતા સરસ્વતીચન્દ્રને કટુવચન કહે છે. એથી સરસ્વતીચંદ્ર લાગણીશીલ બનીને ગૃહત્યાગ કરે છે અને કુમુદનું જીવનસ્વપ્ન રોળાઈ જાય છે. સંજોગવશાત્ પ્રમાદધન જેવા કુસંસ્કારી વ્યક્તિ જોડે એને પરણાવી દેવામાં આવે છે. આથી સમગ્ર જીવન દરમિયાન પતિ અને પ્રેમી વચ્ચે કુમુદનું હૃદય તવાયાં કરે છે.[]

એવામાં સરસ્વતીચંદ્ર ફરતો ફરતો નવીનચંદ્ર નામ ધારણ કરીને કુમુદને સાસરે જ અતિથિ બને છે અને કુમુદની અત્યંત કરુણ સ્થિતિનો મૂક સાક્ષી બને છે. પોતાના મનને સરસ્વતીચંદ્ર ઉપરથી ખસેડવા કુમુદ 'પ્રમાદધન મુજ સ્વામી સાચા' એમ રટ્યા કરે છે, છતાં સરસ્વતીચંદ્ર તરફથી મન પાછું હઠાવી શકતી નથી. આખરે પ્રમાદધનનું અકસ્માતમાં મૃત્યુ થાય છે અને કુમુદ નદીમાં તણાઈ જતાં એને સાધ્વીઓ બચાવે છે અને સાધ્વીઓના મઠમાં મધુરી નામ ધારણ કરીને તે રહે છે. આમ છતાં એનું ચિત્ત રાગ અને ત્યાગની વચ્ચે ઝોલાં ખાય છે. અકસ્માતે સરસ્વતીચંદ્ર પણ ત્યાં આવી ચઢે છે અને બંનેનું મિલન સુંદરગિરિ પર યોજાય છે. સરસ્વતીચંદ્ર એની આગળ લગ્નનો પ્રસ્તાવનો મૂકે છે જેનો કુમુદ અસ્વીકાર કરે છે અને સરસ્વતીચંદ્રની કલ્યાણગ્રામની યોજનાને સાકાર કરવા, પોતાની નાની બહેન કુસુમને સરસ્વતીચંદ્ર જોડે પરણવા પ્રેરીને સરસ્વતીચંદ્રને સહાય કરે છે.[]

ગોવર્ધનરામને એની દ્વારા વૈધવ્યની શુચિતા દશવિવી હતી એટલે સરસ્વતીચંદ્ર પ્રત્યે નેહ હોવા છતાં એની જોડે લગ્ન કરવાના પ્રસ્તાવનો અસ્વીકાર કરીને સરસ્વતીચંદ્રની કલ્યાણગ્રામની યોજનાને સાકાર કરવા, પોતાની નાની બહેન કુસુમને સરસ્વતીચંદ્ર જોડે પરણવા પ્રેરીને સરસ્વતીચંદ્રને સહાય કરે છે. કુમુદ દ્વારા સ્નેહની પવિત્રતા, લગ્નબંધનની દૃઢતા, ઉદાત્ત ત્યાગ અને ઉચ્ચ કોટીના મનોબળનું નિરૂપણ કરીને ગોવર્ધનરામે ગુજરાતને એક આદર્શ અને ચિરંજીવ પાત્ર આપ્યું છે.[]

મણિલાલ હ. પટેલ નોંધે છે કે, "કુમુદ દ્વારા સ્નેહની પવિત્રતા, લગ્નબંધનની દૃઢતા, ઉદાત્ત ત્યાગ અને ઉચ્ચ કોટીના મનોબળનું નિરૂપણ કરીને ગોવર્ધનરામે ગુજરાતને એક આદર્શ અને ચિરંજીવ પાત્ર આપ્યું છે".

સંદર્ભો

ફેરફાર કરો
  1. ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૭૫. OCLC 26636333.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પટેલ, મણિલાલ હ. (૧૯૯૨). "કુમુદ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ક–કૃ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૩૩. OCLC 311818970.

પૂરક વાચન

ફેરફાર કરો