કૃષ્ણકુમારસિંહ ગોહીલ
ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા[૧][૨].
કૃષ્ણકુમારસિંહ ગોહીલ | |
---|---|
જન્મ | ૧૯ મે ૧૯૧૨ ભાવનગર |
મૃત્યુ | ૨ એપ્રિલ ૧૯૬૫ |
માતા-પિતા |
શરુઆતનું જીવન
ફેરફાર કરોકૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
રાજગાદી
ફેરફાર કરોક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા[સંદર્ભ આપો].
અંગત જીવન
ફેરફાર કરોબાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.
- ૧ વિરભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહ ગોહીલ (માર્ચ ૧૪, ૧૯૩૨ થી જુલાઇ ૨૬, ૧૯૯૪)
- ૨ શિવભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહ ગોહિલ (ડિસેમ્બર ૨૩, ૧૯૩૩ થી હાલમાં હયાત)
- ૩ હંસાકુંવરબા (જુલાઇ ૨૫, ૧૯૪૧ થી હાલમાં હયાત) હાલમાં અજયગઢના રાજમાતા
- ૪ દિલહરકુંવરબા (નવેમ્બર ૧૯, ૧૯૪૨ થી હાલમાં હયાત) હાલમાં પન્નાના મહારાણી
- ૫ રોહિણીકુંવરબા (ઓક્ટોબર ૮, ૧૯૪૫ થી હાલમાં હયાત) હાલમાં કચ્છના પૂર્વ મહારાણી
જીવનનાં પાછલા વર્ષોમાં
ફેરફાર કરોઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરેલા અભુતપૂર્વ[સંદર્ભ આપો] ધાર્મિક-સાહિત્યિક-શૈક્ષણિક-સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો. તેના અનુસંધાનમાં આ વિધેયક છેક ૨૦૧૨માં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું.
લોકચાહના
ફેરફાર કરોમહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.
તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.
આઝાદી વખતે
ફેરફાર કરોસૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.
તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.
મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’ આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી.
ખિતાબ
ફેરફાર કરોક્રમ | સમયગાળો | વર્ણન |
---|---|---|
૧ | ૧૯૧૨-૧૯૧૯ | મહારાજા કુમાર શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ ગોહિલ, ભાવનગરના યુવરાજ સાહેબ |
૨ | ૧૯૧૯-૧૯૩૭ | હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા |
૩ | ૧૯૩૭-૧૯૩૮ | લેફ્ટનંટ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા |
૪ | ૧૯૩૮-૧૯૪૩ | લેફ્ટનંટ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ. |
૫ | ૧૯૪૩-૧૯૪૫ | કેપ્ટન હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ. |
૬ | ૧૯૪૫-૧૯૪૬ | લેફ્ટનંટ-કર્નલ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ. |
૭ | ૧૯૪૬-૧૯૪૮ | કર્નલ હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ. |
૮ | ૧૯૪૮-૧૯૬૫ | કમાંડર હીઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા, કે.સી,એસ.આઇ. |
સન્માન
ફેરફાર કરોક્રમ | સમયગાળો | વર્ણન |
---|---|---|
૧ | ૧૯૩૫ | કીંગ જ્યોર્જ ૪ રજત જયંતિ ચંદ્રક |
૨ | ૧૯૩૭ | કીંગ જ્યોર્જ ૫ કોરોનેશન ચંદ્રક |
૩ | ૧૯૩૮ | કે. સી. એસ્. આઇ. (Knight Commander of the Order of the Star of India) |
૪ | ૧૯૩૯-૧૯૪૫ | યુદ્ધ માટેનો ચંદ્રક |
૫ | ૧૯૪૫ | રક્ષણ માટેનો ચંદ્રક |
૬ | ૧૯૪૭ | ભારતની આઝાદી માટેનો ચંદ્રક |
૭ | ૨૦૧૨ | ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કરીને ભાવનગર યુની. નું નામાભિધાન મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુની. કર્યુ. |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Indian states since 1947, (Worldstatesmen, September 16, 2008)
- ↑ Governors of Tamil Nadu since 1946 સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન, (Tamil Nadu Legislative Assembly, September 15, 2008)