કેલીયા જળાશય યોજના
કેલીયા જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કેલીયા ગામ ખાતે ખરેરા નદી કે જે અંબિકા નદીની સહાયક નદીઓ પૈકીની એક[૧] છે, તેના પર નિર્મિત એક બંધ (ડેમ) છે. આ યોજનાનો હેતુ સિંચાઈ અને પૂર નિયંત્રણનો છે. આ બંધની ઉપરવાસમાં આવેલ સ્ત્રાવ વિસ્તાર ૨૭.૫૮ ચોરસ કિલોમીટર જેટલો છે, જ્યાં વાર્ષિક સરેરાશ ૧૯૭૦ મીલીમીટર જેટલો વરસાદ પડે છે. આ બંધનું બાંધકામ ૧૯૮૦ના વર્ષમાં શરુ કરવામાં આવ્યું હતું, જે વર્ષ ૧૯૮૩ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું[૨].
આ બંધનો પ્રકાર રોલ્ડ ફ્રીલ્ડ ઝોન ટાઇપ છે, જેના આધાર ખડક એમીગ્ડેલોઇડલ પોરફીરીટીક બેસાલ્ટ પ્રકારના છે. આ બંધની પાયાના તળીયેથી મહતમ ઊંચાઇ ૨૭.૫૦ મીટર જેટલી અને બંધની મહત્તમ લંબાઇ ૮૧૪.૦૦ મીટર જેટલી છે. આ બંધ વડે નિર્મિત જળાશય ૩.૨૪ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને તેની એકંદર સંગ્રહ ક્ષમતા ૧૯.૯૮ લાખ ધન મીટર તેમ જ વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૯.૨૩ મિલિયન ધન મીટર જેટલી છે. આ જળાશયમાંથી ડાબા કાંઠા પર ૭૭.૨૪૫ કિલોમીટર તેમ જ જમણા કાંઠા પર ૬૬.૮૪૫ કિલોમીટર જેટલી નહેરો બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ૬૦૧૪ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકાય છે[૩].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "અંબિકા નદી". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૭.
- ↑ "કેલીયા જળાશય યોજના". મેળવેલ ૧૬ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "કેલીયા જળાશય યોજના". મેળવેલ ૧૬ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]