ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)

ખોડિયાર મંદિર - રાજપરા ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૮ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

શ્રી ખોડિયાર મંદિર, રાજપરા

ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે. ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.

ફોટો ગેલેરી ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો