ચાવીન્દાની લડાઈ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિઆલકોટ અભિયાનના ભાગરુપે લડવામાં આવી હતી. આ લડાઈને બીજા વિશ્વ યુદ્ધમાં લડાયેલ કુર્સ્કની લડાઈ બાદ મોટી રણગાડીની લડાઈઓમાંની એક માનવામાં આવે છે.[]

ચાવીન્દાની લડાઈ
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ
તિથિ ૧૪ સપ્ટેમ્બર ૧૯૬૫, ૧૮-૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫
સ્થાન ચાવીન્દા, પંજાબ, પાકિસ્તાન
32°23′03″N 74°43′30″E / 32.384129274545444°N 74.72492694854736°E / 32.384129274545444; 74.72492694854736
પરિણામ પાકિસ્તાનનો વિજય
યોદ્ધા
 પાકિસ્તાન  ભારત
સેનાનાયક
પાકિસ્તાન મેજર જનરલ અબરાર હુસૈન

પછીથી:
પાકિસ્તાન મેજર જનરલ ટીક્કા ખાન

ભારત લેફ્ટ જનરલ પેટ ડન્ન

ભારત લેફ્ટ કર્નલ અરદેશીર તારાપોર 

શક્તિ/ક્ષમતા
આશરે ૫૦,૦૦૦ પાયદળ આશરે ૮૦,૦૦૦ પાયદળ
મૃત્યુ અને હાની
૪૪ રણગાડીઓ (પાકિસ્તાની દાવા અનુસાર) ૪૬૦ વર્ગ કિમી (તટસ્થ દાવો) થી ૫૧૮ વર્ગ કિમી વિસ્તાર ગુમાવ્યો ૨૯ રણગાડીઓ ગુમાવી (ભારતીય દાવો)[]

૧૦૦ કરતાં વધુ રણગાડીઓ (પાકિસ્તાની દાવો)[]

ચાવીન્દા પાસેના શરુઆતના સંઘર્ષ ફિલ્લોરાની લડાઈ સાથે થયા હતા. તે લડાઈમાં પાકિસ્તાનની હાર થતાં પાકિસ્તાની સૈન્ય એ પીછેહઠ કરી અને ચાવીન્દા પાસે રક્ષણાત્મક તૈનાતી ગોઠવી. જોકે ચાવીન્દા પાસે ભારતીય આગેકૂચ રોકવામાં પાકિસ્તાન સફળ થયું અને તેનો વિજય થયો. આ લડાઈ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર યુદ્ધવિરામને કારણે અટકી.[][]

ભારતીય ભૂમિસેનાની ૧લી કોરનું નેતૃત્વ કરી રહેલ જનરલ ડન્નને ૧લી બખ્તરિયા ડિવિઝન, ૬ઠ્ઠી પહાડી ડિવિઝન, ૧૪મી ડિવિઝન અને ૨૬મી ડિવિઝન સોંપવામાં આવી. પાકિસ્તાની સેનામાં ભારતનો હુમલો રોકવા ૧૫મી ડિવિઝન, ૬ઠ્ઠી બખ્તરિયા ડિવિઝન અને ૪થી કોર તોપખાનું સામેલ હોવાની શક્યતા હતી. પાછળથી ૮મી પાયદળ ડિવિઝન અને ૧લી બખ્તરિયા ડિવિઝન સ્વરુપે વધારાની કુમક પાકિસ્તાન દ્વારા નિયુક્ત કરવામાં આવી.

હુમલા પાછળનું ભારતીય લક્ષ્યાંક ગ્રાન્ડ ટ્રન્ક રોડ પર કબ્જો કરી અને જસ્સોરા ગામ પર કબ્જો કરવાનું હતું જેથી સિઆલકોટ-પસરુર રેલ્વે ભારતીય કબ્જામાં આવી જતાં પાકિસ્તાનનો પુરવઠા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય.[] ભારતીય પક્ષે હુમલો ૧૪મી પાયદળ ડિવિઝન અને ૬ઠ્ઠી પહાડી ડિવિઝનની સહાય વડે ૧લી બખ્તરિયા ડિવિઝન કરી રહી હતી. તેણે ૭ સપ્ટેમ્બરના રોજ સરહદ પાસેનો વિસ્તાર કબ્જે કરી લીધો. ત્યારબાદ જસ્સોરા પાસે નાની લડાઈ થઈ જેમાં પાકિસ્તાને આશરે ૧૦ રણગાડીઓ ગુમાવી અને સિઆલકોટ-પસરુર રેલ્વે પર ભારતનો સંપૂર્ણ કબ્જો થયો. પુરવઠાનો માર્ગ કપાઈ જતાં પાકિસ્તાને સ્થિતિની ગંભીરતા સમજી અને તે વિસ્તારમાં રહેલ ૭મી પાયદળ ડિવિઝનને સહાય કરવા સિઆલકોટ વિસ્તારના છામ્બ ખાતેથી ૬ઠ્ઠી બખ્તરિયા ડિવિઝનને આ વિસ્તારમાં ખસેડી. આમ, પાકિસ્તાને કુલ ૧૩૫ રણગાડીઓ જેમાં ૨૪ પેટણ રણગાડીઓ, ૧૫ એમ૩૬ અને બાકીની શેરમાન રણગાડીઓ નિયુક્ત કરી. પેટન રણગાડીઓ ધરાવતા ૨૫મા અશ્વદળને લેફ્ટ કર્નલ નિશારના નેતૃત્વ હેઠળ પાકિસ્તાને ગડગોર પાસે ભારતની ૧લી બખ્તરિયા ડિવિઝન વિરુદ્ધ લડવા ઉતારી. આ લડાઈને કારણે ભારતની આગેકૂચ અટકી ગઈ.

ભારતની યોજના સિઆલકોટ અને ૬ઠ્ઠી બખ્તરિયા ડિવિઝનને વિખૂટી પાડવાની હતી. તે મુજબ ભારતની ૧લી બખ્તરિયા ડિવિઝન હેઠળની એક બખ્તરિયા રેજિમેન્ટ ભારવાહક ૪૩મી બ્રિગેડની સહાયથી ગટ ઉપર હુમલો કરવા આગળ વધી અને બાકીની ડિવિઝને ફિલ્લોરા ઉપર હુમલો કર્યો. પાકિસ્તાની હવાઈ હુમલા રણગાડીને ખાસ અસર ન કરી શક્યા પરંતુ પાયદળ અને ભારવાહક વાહનો પર તેની ઘાતક અસર થઈ. આ વિસ્તારનો ભૂપ્રદેશ લાહોર આસપાસના વિસ્તાર કરતાં ખાસ્સો અલગ હતો. ધૂળ વાળી જમીનના કારણે પાકિસ્તાની આસાનીથી દૂરથી જ ભારતીય સૈન્યની હિલચાલ પર નજર રાખી શકતા હતા અને આ જ કારણોસર ૨૫મા અશ્વદળે હુમલા પહેલાં જ તેના વિશે જાણકારી મેળવી લીધી હતી. વધુમાં, તે ચારવા-ફિલ્લોરા માર્ગ પરથી આવી રહ્યો હતો તે પણ તેમને જાણ હતી.

ભારતીય સેનાએ ૧૦ સપ્ટેમ્બરના રોજ હુમલાઓ કરી અને પાકિસ્તાની સૈન્યને ચાવીન્દા સુધી પીછેહઠ કરાવી દીધી હતી. ફિલ્લોરા પર પાકિસ્તાન દ્વારા કરાયેલ વળતો હુમલો પણ નિષ્ફળ રહ્યો હતો. આથી, પાકિસ્તાની સૈન્યએ રક્ષણાત્મક સ્થિતિમાં સૈનિકોને નિયુક્ત કરી દીધા હતા.

જોકે, ટૂંક સમયમાં જ પાકિસ્તાને વધુ બે સ્વતંત્ર બ્રિગેડ, ૮મી પાયદળ ડિવિઝન અને ૧લી બખ્તરિયા ડિવિઝન સ્વરુપે સહાય મોકલી. ત્યારબાદ આગામી કેટલાક દિવસો સુધી પાકિસ્તાનીઓ ચાવીન્દા પરના ભારતીય હુમલાને ખાળતા રહ્યા. ૧૮મી સપ્ટેમ્બરના રોજ ભારતે ૧લી બખ્તરિયા ડિવિઝન અને ૬ઠ્ઠી પહાડી ડિવિઝન વડે હુમલો કર્યો જેને પાકિસ્તાને નિષ્ફળ બનાવ્યો અને ભારતે મોટાપ્રમાણમાં ખુવારી વેઠી. ૨૧ સપ્ટેમ્બરના રોજ ભારતે પણ રક્ષણાત્મક નીતિ અપનાવતાં તેની ૧લી બખ્તરિયા ડિવિઝનને પાછી ખેંચી અને આ મોરચા પર લડાઈ સમાપ્ત થઈ.[] પાકિસ્તાની સૈન્યનું નેતૃત્વ કરી રહેલા અધિકારીએ "ઓપરેશન વાઇન્ડ અપ" નામની વળતો હુમલો કરવાની કાર્યવાહી માટે ના કહી કેમ કે બંને દેશોએ મોટાપ્રમાણમાં રણગાડીઓ ગુમાવી હતી. વળતા હુમલાનો કોઈ વ્યૂહાત્મક લાભ નહોતો અને પાકિસ્તાની રાજકીય નેતૃત્વ એ યુદ્ધવિરામનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

બીજા વિશ્વ યુદ્ધ બાદની મોટી રણગાડીઓની લડાઈમાંની એક આ લડાઈ માનવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ની સુરક્ષા સમિતિએ યુદ્ધવિરામનો પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર્યો. યુદ્ધની શરુઆતે જ બંને દેશોને કરાતી સૈન્ય અને આર્થિક મદદ રોકી દેવામાં આવી હતી.[] પાકિસ્તાને મોટા પ્રમાણમાં સૈન્ય તાકાત ગુમાવી હતી અને માટે જ તેણે યુદ્ધવિરામ સ્વીકાર્યો હતો.

યુદ્ધના અંતે ભારતે સિઆલકોટ વિસ્તારમાં ૫૧૮ વર્ગ કિમી પાકિસ્તાની વિસ્તાર કબ્જે કર્યો હતો. સિઆલકોટ શહેરની પૂર્વ અને દક્ષિણમાં ફિલ્લોરા, દેઓલી, બજરાગઢી, સુચેતગઢ, પાગોવાલ, છપરાર, મુહાદપુર અને તિલકપુર નામના ગામો અને શહેરો કબ્જે કર્યા હતા જે તાશ્કંદ સમજૂતી બાદ પાકિસ્તાનને પરત કરી દેવાયા.[]

  1. Singh, Lt. Gen.Harbaksh (1991). War Despatches. New Delhi: Lancer International. પૃષ્ઠ 159. ISBN 81-7062-117-8.
  2. Steven J. Zaloga (1999). The M47 and M48 Patton Tanks. Osprey Publishing. પૃષ્ઠ 35. ISBN 978-1-85532-825-9.
  3. Michael E. Haskew (2 November 2015). Tank: 100 Years of the World's Most Important Armored Military Vehicle. Voyageur Press. પૃષ્ઠ 201–. ISBN 978-0-7603-4963-2.
  4. Pradhan, R.D. 1965 war, the inside story. Atlantic Publishers & Distributors, 2007. ISBN 978-81-269-0762-5.
  5. "Indo-Pakistan War of 1965". GlobalSecurity.org. મેળવેલ 2012-06-02.
  6. Gupta, Hari Ram. India-Pakistan war, 1965, Volume 1. Haryana Prakashan, 1967. પૃષ્ઠ 181–182.
  7. Barua, Pradeep (2005) The state at war in South Asia ISBN 0-8032-1344-1 pg.192.
  8. Midlarsky, Manus I. (2011). Origins of Political Extremism: Mass Violence in the Twentieth Century and Beyond (1st આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ 256. ISBN 978-0521700719.
  9. History, Official. "Operations in Sialkot sector" (PDF). Official history. Bharat-Rakshak.com. મૂળ (PDF) માંથી 9 June 2011 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2011.