લેફ્ટ્નન્ટ નવદીપ સિંઘ, એસી એ ભારતીય ભૂમિસેનાની મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ૧૫મી પલટણની ઘાતક પ્લાટુનના કમાન્ડર હતા.[]

લેફ્ટ્નન્ટ
નવદીપ સિંઘ
ચિત્ર:Lieutenant Navdeep Singh.jpg
જન્મ નામનવદીપ સિંઘ
જન્મગુરદાસપુર, પંજાબ
મૃત્યુ૨૦ ઓગષ્ટ ૨૦૧૧(2011-08-20)
જમ્મુ અને કાશ્મીરમાં શહીદ
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૨૦૧૦-૨૦૧૧
હોદ્દો લેફ્ટ્નન્ટ
દળસૈન્ય ઓર્ડિનન્સ કોર
મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી
યુદ્ધોજમ્મુ અને કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધિ અભિયાન
પુરસ્કારો અશોક ચક્ર

તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા ૧૭ તાલીમબદ્ધ અને સશસ્ત્ર આતંકવાદીઓને મારવા માટે ઘાત લગાવી અને હુમલો કરવાની તૈયારી કરી હતી. તે કાર્યવાહીમાં તેમણે ચાર આતંકવાદીઓને ઠાર માર્યા અને એક ઘાયલ સાથીને સલામત સ્થળે પહોંચાડ્યો. પરંતુ નજીકથી થયેલ ઘાતક ઇજાને કારણે તેઓ શહીદ થયા. તેમને ભારતના રાષ્ટ્રપતિએ ૬૩મા ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના શાંતિકાળના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત સન્માનિત કર્યા.[]

પરિવાર અને કારકિર્દી

ફેરફાર કરો

સિંઘનો જન્મ ગુરદાસપુર, પંજાબ ખાતે થયો હતો. તેઓ તેમના પરિવારમાંથી ત્રીજી પેઢીના સૈનિક હતા. તેમના દાદા જુનિયર કમિશન અધિકારી હતા અને તેમના પિતા જોગીન્દર સિંઘે બેંગાલ સેપર્સમાં ૩૦ વર્ષ સુધી સુબેદાર મેજર તરીકે સેવા આપી અને ઓનરરી કેપ્ટન તરીકે નિવૃત્ત થયા. સિંઘે વિજ્ઞાન શાખામાં ડિગ્રી હાંસલ કરી અને ૨૦૦૬માં હોટલ મેનેજમેન્ટ પૂર્ણ કર્યું. તેમણે કોલકત્તાના આર્મી ઇન્સટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી. તેમણે ખાનગી કંપનીમાં કામ કરવાનું છોડી અને ભારતીય સેનામાં અફસર તરીકે જોડાવા અફસર તાલીમ અકાદમિમાં દાખલ થયા. તેમને ૨૦૧૦માં આર્મી ઓર્ડિનન્સ કોરમાં નિયુક્તિ આપવામાં આવી. ભારતીય સેનાના કાયદા અનુસાર સેનાના બિન લડાયક વિભાગમાં નિયુક્તિ પામતા અફસરોએ બે વર્ષ માટે યુદ્ધક્ષેત્ર અથવા આતંકવાદ વિરોધિ અભિયાનમાં કાર્યરત પાયદળ પલટણ સાથે ફરજ બજાવવી આવશ્યક હોય છે. તે સમયગાળામાં અફસર જે તે પલટણને જ જવાબદાર હોય છે. લેફ્ટ. સિંઘને ૧૫મી મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રીમાં જમ્મુ અને કાશ્મીર ખાતે તૈનાત કરવામાં આવ્યા.[]

કાર્યવાહી

ફેરફાર કરો

ઓગષ્ટ ૨૦, ૨૦૧૧ના રોજ લેફ્ટ સિંઘે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહેલા ૧૭ આતંકવાદીઓને ઠાર મારવા અથવા પકડવાની કાર્યવાહીનો આરંભ કર્યો. તેમણે આતંકવાદીઓ માટે ઘાત લગાવી અને હુમલો કરવા નિર્ણય કર્યો અને તેમના સાથીઓને હુકમ આપ્યો કે જ્યાં સુધી પોતે ગોળીબાર શરૂ ન કરે ત્યાં સુધી અન્યોએ પણ ન કરવો.[][] તેમણે ઘૂસણખોરોને પાસે આવવા દીધા અને હુમલો કરતાં પહેલાં નબળી પરિસ્થિતિમાં લાવી દીધા. તેમણે પોતે સૌથી ઓછી આડ ધરાવતા સ્થાન પર જગ્યા લીધી હતી અને તેમની ટુકડીને મોટા ખડક પાછળ ગોઠવી હતી. હુમલા દરમિયાન તેમણે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને તેમને ઘાયલ સાથીને આડ પાછળ ખેંચતા આશરે પાંચ મિટર દૂરથી જ એક ગોળી માથામાં વાગી. તેમ છતાં તેમણે ગોળી મારનાર ચોથા આતંકવાદીને મારી નાખ્યો. તેમણે ઘાયલ સાથીને બચાવી લીધો અને આખરી શ્વાસ સુધી ગોળીબાર કરતા રહ્યા.[]

મુઠભેડ લગભગ આઠ મિનિટ ચાલી અને તેમાં ૧૨ તાલીમબદ્ધ આતંકવાદીઓને ઠાર મરાયા. તેમના પાર્થિવ શરીરને શ્રીનગર ખાતે લઈ જવાયું.

સિંઘના પાર્થિવ શરીરને તેમના વતન ગુરદાસપુર ખાતે લઈ જવાયું અને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે હજારો લોકોની હાજરીમાં અંતિમસંસ્કાર કરાયા.[]

તેમને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે મૃત્યુપર્યંત અશોક ચક્ર એનાયત કરાયું.

  1. President to Confer Ashoka Chakra on Lt. Navdeep Singh (Posthumous), Press Information Bureau, 25-January 2012, pib.nic.in
  2. Ashok Chakra to Lt Navdeep Singh posthumously, Jalandhar, January 25, 2012, tribuneindia.com
  3. To all the mothers who lost their sons for India, Archana Masih, April 12, 2012, Gurdaspur, rediff.com
  4. Navdeep Singh to be decorated with Ashok Chakra posthumously, Special Correspondent, NEW DELHI, January 25, 2012, thehindu.co.in
  5. Young Army officer gets Ashok Chakra posthumously સંગ્રહિત ૨૦૧૨-૦૧-૨૮ ના રોજ વેબેક મશિન, Jan 26, 2012, IBNLive.com
  6. Tears as Lieutenant Navdeep Singh gets posthumous Ashok Chakra for supreme sacrifice સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન, 26-Jan-2012, New Delhi, Odishatoday.com
  7. Lt Navdeep Singh cremated with full honours સંગ્રહિત ૨૦૧૩-૦૧-૦૩ ના રોજ archive.today, Gourav Sally, TNN, Aug 23 2011, indiatimes.com